પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNSNEWS
ઝગડીયા તાલુકામાં વાવાઝોડાને છ દિવસ વીત્યા બાદ પણ વીજ પુરવઠો યથાવત નહીં થતાં અને ખેતીનો મહામૂલો પાક બગડતા ખેડૂતો રોષે ભરાયા…ઝઘડિયા વીજ કંપની ના તાબા હેઠળ આવતા રાણીપુરા ઉચેડિયા નાનાસાંજા ગોવાલી મુલદ બોરીદરા ખરચી સરદારપુરા ઉટીયા ગુમાનપુરા કપલસાડી ફુલવાડી જેવા ગામોમાં કાયમી વીજ પુરવઠાને સમસ્યા રહે છે ગત તારીખ ૧૩ મીના રાત્રે મીની વાવાઝોડું આવ્યું જેમાં જ્યોતિગ્રામ તથા એગ્રીકલ્ચરની વીજ લાઈનોમાં મોટું નુકસાન થયું હોવાનું વીજ કચેરીના અધિકારી તથા કર્મચારીઓએ જણાવ્યું હતું, જ્યોતિગામ વીજ પુરવઠો તો ૨૪ કલાક બાદ યથાવત કરવામાં આવ્યો હતો, પરંતુ આજે વાવાઝોડું ગયા ને છ દિવસ બાદ પણ ઉચેડિયા નાનાસાજાં ગોવાલી મુલદ ગામનો એગ્રીકલ્ચર વીજ પુરવઠો ખેડૂતોને યથાવત કરી આપવામાં ક્યાંકને ક્યાંક ઝઘડિયા વીજ કચેરીના જવાબદાર અધિકારીઓ કાચા પડ્યા છે,
ખેડૂતોના જણાવ્યા પ્રમાણે છેલ્લા છ દિવસથી તેમના ઉભા પાકને ૪૦ થી વધુ ડિગ્રીની ગરમીમાં સિંચાઇ નહીં મળતા પાક મૃત હાલતમાં થઈ ગયો છે, ઉભા કેળના થડીયા જમીનદોસ થઈ રહ્યા છે, ગરમીના કારણે અને પાકને એક બુંદ પણ પાણીનુ નહી મળતા પાકનો વિકાસ અટકી પડયો છે અને છતા પાણીએ વિજ પુરવઠાના અભાવે પાક ખેડૂતની નજર સમક્ષ મુરઝાઈ રહ્યો છે, વીજ પુરવઠા નહી હોવાના કારણે નવું વાવેતર કરી શકાયુ નથી, આ બધી સમસ્યાઓના કારણે ખેડૂતો રોષે ભરાયા હતા જેથી ઉચેડિયા નાનાસાંજા ગોવાલી મુલદ ગામના ખેડૂતોએ આજરોજ ઝઘડિયા વીજ કચેરી ખાતે હલ્લાબોલ કરી જવાબદાર કર્મચારીઓને આડે હાથે લીધા હતા અને તાત્કાલિક વધુ માણસોની ટીમ કામે લગાડી આજની તારીખમાં વીજ પુરવઠો યથાવત કરવાની માંગણી કરી હતી. ખેડૂતોએ વધુ માંગ કરી હતી કે ગોવાલી ગામ ખાતે નવું સબ સ્ટેશન મંજુર થયું છે તે ઝડપી બને અને ઝઘડિયાથી મુલદ સુધીની લાઈનને બે વિભાગમાં વહેંચવામાં આવે, દરેક ગામ દીઠ ફરજિયાત હેલ્પરો ફિક્સ મૂકવામાં આવે, એગ્રીકલ્ચર લાઈનના દરેક પોલ પર ઝાડી ઝાંખરાની સમયસર સાફ-સફાઈ કરવામાં આવે તેનું સ્ટ્રક્ચર ચેક કરવામાં આવે અને લટકતા વીજ વાયરોને સમયાંતરે ખેંચવામાં આવે જેથી ચોમાસામાં તથા અચાનક આવેલા ભારે પવનમાં વિજપોલ સ્ટ્રક્ચર વિજ લાઇનોને ઝાઝુ નુકસાન થાય નહી તથા કોઇ અકસ્માત નહી થાય. વીજ પ્રવાહ ખોટકાયો હોય ત્યારે કેટલીક વાર સ્થાનિક કસ્ટમર કેર નંબર પર યોગ્ય જવાબ મળતો નથી અને ખેડૂત દ્વારા કરવામાં આવેલો કોલ ઉપાડતા નહીં હોવાની પણ ફરિયાદ કરી હતી, આ બાબતે ઝઘડિયાના નાયબ ઇજનેર દ્વારા ખેડૂતોને હૈયાધારણ આપી સત્વરે વીજ પ્રવાહ યથાવત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું….