COWIN પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવ્યા બાદ જ રસીકરણ કેન્દ્ર પર આવવાનું રહેશે
ભરૂચ:બુધવાર: કેન્દ્ર સરકાર દ્વારા તા.૧લી મે થી ૧૮ થી ૪૪ સુધીની વયના નાગરિકો માટે કોવિડ-૧૯ પ્રતિરોધક રસીકરણ અભિયાનનો દેશવ્યાપી પ્રારંભ થયેલ છે, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ વર્ષથી વધુ વયના જે લોકોએ કેન્દ્ર સરકારની ગાઈડલાઇન મુજબ સેલ્ફ રજિસ્ટ્રેશન ઓનલાઇન COWIN પોર્ટલની વેબસાઇટ https://selfregistration.cowin.gov.in ઉપર કરાવ્યું હોય તેઓનું રસીકરણ કરવામાં આવશે. રસીકરણ માટે કુલ ૧૦ કેન્દ્રો જેમાં ભરૂચમાં મોઢેશ્વરી હોલ, પ્રાથમિક શાળા ભોલાવ રસીકરણ થશે. આમોદમાં બી.આર.સી. ભવન ખાતે તેમજ જંબુસરમાં સરસ્વતિ વિદ્યામંદિર હાઈસ્કુલ ખાતે જ્યારે અંકલેશ્વરમાં નોબરીયા સ્કુલ, વાલીયા ખાતે સી.એચ.સી. વાલીયા, નેત્રંગ ખાતે સી.એચ.સી. નેત્રંગ, સી.એચ.સી-અવિધા(ઝઘડિયા), સી.એચ.સી. હાંસોટ, સી.એચ.સી. વાગરામાં રસી મૂકવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે રસીકરણ સ્થળ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા કરવામા આવશે નહિ. જેથી ઉપરોક્ત કોવિન પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવ્યા બાદ જ રસીકરણ કેન્દ્ર પર આવવાનું રહેશે એમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ભરૂચની એક યાદીમાં જણાવાયું છે.