પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા કૃષિમેળો યોજાયો

Share to

*આંતરરાષ્ટ્રીય તૃણધાન્ય વર્ષ-૨૦૨૩*

*પ્રાકૃતિક અને પરંપરાગત કૃષિ તરફ વળવા સહિત તૃણ ધાન્યોથી થતા ફાયદાઓ અને ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કરતા ધારાસભ્યશ્રી અરૂણસિંહ રણા*
***
*કૃષિ મેળામાં ખેત ઓજારો, સૂક્ષ્મ પિયત પદ્ધતિ, પ્રધાનમંત્રી કિસાન યોજના, વિવિધ યોજનાઓ તથા પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોનું સ્ટોલ પ્રદર્શન સહિત મંજુરીપત્રો એનાયત કરાયા*
**
*જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા પ્રાકૃતિક ખેતી અન્વયે ખેડૂતોને માર્ગદર્શિત કરાયા*
***
ભરૂચ – બુધવાર- આંતરરાષ્ટ્રીય પોષક અનાજ વર્ષ-૨૦૨૩ એટલે કે આ વર્ષને મિલેટ વર્ષ તરીકે સમગ્ર વિશ્વ ઉજવી રહ્યું છે ત્યારે તૃણ ધાન્યો વિશે ખેડૂતોમાં જાગૃતિ કેળવાય, તેની ખેતી તરફ વળે અને નાગરિકો આ ધાન્યનો રોજીંદા ખોરાકમાં ઉપયોગ કરતા થાય તેવા ઉમદા આશય સાથે ભરૂચ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જનજાગૃતિ ઝુંબેશ હાથ ધરી સરાહનીય પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જેના ભાગરૂપે આજરોજ ભરૂચ પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મેળામાં મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું. જ્યારે ખેતીવાડી વિભાગ તરફથી હર્શિલભાઈ પટેલે સ્વાગત પ્રવચન કરી તમામને આવકાર્યા હતા.
ધારાસભ્યશ્રી અરૂણસિંહ રણાના હસ્તે ભરૂચ જિલ્લા ઓર્ગેનિક ફામિંગ માટે GOPCA ( ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ સર્ટિફિકેશન એજન્સી) ને નેચરલ ફાર્મિંગના સર્ટિફિકેશન માટે ૧૭૨,૫૭૦ની રકમના ચેકનું વિતરણ કરાયું હતું. અને ઉપસ્થિત મહાનુભાવોને હસ્તે ભરૂચ તાલુકાના ખેડૂતોને સોલાર,તારફેન્સીંગ જેવી યોજનાકીય સહાય માટેના મંજૂરીપત્રોનું વિતરણ કરાયું હતું.
ધારાસભ્યશ્રી અરૂણસિંહ રણા કૃષિ મેળામાં ઉપસ્થિત સૌ ખેડૂતમિત્રોને પ્રાકૃતિક અને પરંપરાગત કૃષિ તરફ વળવા સહિત તૃણ ધાન્યોથી થતા ફાયદાઓ અને આંતરરાષ્ટ્રીય બજારમાં મિલેટ્સની વધી રહેલી માંગ, ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓ વિશે જાણકારી આપી તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. રોગથી દુર રહેવા માટે તૃણ ધાન્ય પાકોનો રોજિંદા આહારમાં ઉપયોગ કરવા કહ્યું હતું.
વધુમાં, તેમણે ખેડૂતો તૃણ ધાન્ય તરફ વધુમાં વધુ ભાગીદારી નોંધાવે અને પોતાના વિસ્તારની પરંપરાગત ખેતીને જાળવી રાખે તેવી હાંકલ પણ કરી હતી. ખડૂતો માટે સરકાર ટેકાના ભાવ જાહેર કરી અનાજની ખરીદી કરી રહી છે માટે એપીએમસી કે એનાં સેન્ટરો પર જ વેચાણ કરવું જોઇએ.
અત્રે ઉલ્લેખનીય છે કે, કૃષિ મેળામાં ખેડૂતોને મિલેટ પાકો તથા પ્રાકૃતિક ખેતી અન્વયે તજજ્ઞશ્રી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી પ્રવિણભાઈ માંડાણી દ્વારા માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા.
કૃષિ મેળામાં ખેતીવાડીમાં ઉપયોગી ખેત ઓજારો, સૂક્ષ્મ પિયત પદ્ધતિ, પ્રધાનમંત્રી કિસાન યોજના, , પશુપાલન વિભાગ, આત્મા પ્રોજેક્ટ, ખેતીવાડી વિભાગની યોજનાઓ તથા પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોના પ્રદર્શન સ્ટોલનું પણ યોજાયું હતું.
આ કૃષિ મેળામાં તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી કૌશિકભાઈ પટેલ, ઉપપ્રમુખ રણજીતભાઇ પટેલ ભરૂચ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, જિલ્લા ખેતીવાડીનો સ્ટાફ, ગોપકાના અધિકારી શ્રી, તુલસી પૂરી ગોસ્વામી એસોસિયેટ ડાયરેક્ટર,પણ પ્રેરક ઉપસ્થિતિ અને અન્ય મહાનુભાવો અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Share to

You may have missed