નવા વિકસિત ભારતના નિર્માણના વિઝનને સાકાર કરવામાં વાઇબ્રન્ટ સમિટ નર્મદાની ભાગીદારી મહત્વપૂર્ણ બની રહેશે :- પ્રભારી મંત્રીશ્રી ભીખુસિંહજી પરમાર

Share to

વાઈબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ નર્મદા

રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં એકતાનગર ખાતે ‘વાઈબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ નર્મદા-૨૦૨૩’ સમિટ યોજા
આ વાઇબ્રન્ટ સમિટમાં કુલ ૧૫૩ કરોડના ૨૧ MOU થયા તેના થકી ભવિષ્યમાં અંદાજીત ૧૨૦૦ સ્થાનિક લોકો માટે રોજગારીનું સર્જન થશે

રાજપીપલા, ગુરુવાર :- વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને ૨૦ વર્ષ પૂર્ણ થયા તેના બે દાયકાના ભાગરૂપે આગામી ‘વાઈબ્રન્ટ સમિટ ગુજરાત-૨૦૨૪’ની પ્રિ-ઈવેન્ટના ભાગરૂપે ગુજરાતના અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારની અધ્યક્ષતામાં એકતા ઓડિટોરિયમ, એકતાનગર ખાતે વાઈબ્રન્ટ નર્મદા સમિટ-૨૦૨૩ ને દિપ પ્રાગટ્ય કરી ખુલ્લી મુકવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લાના ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ અને રોકાણકારો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારે જણાવ્યું કે, નર્મદા જિલ્લાના અંદાજીત ૧૨૦૦ લોકોને ઘર આંગણે જ રોજગારી મળી રહે તેવા અભિગમ સાથે વાઇબ્રન્ટ નર્મદા સમીટ થકી આજરોજ કુલ ૧૫૩ કરોડના ૨૧ MOU કરવામાં આવ્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતના મુખ્યમંત્રીશ્રી તરીકેના કાર્યકાળ દરમિયાન શરૂ કરેલી આ વાઈબ્રન્ટ સમીટ વિચાર,કલ્પના અને અમલીકરણના મૂળ ઉદ્દેશ્ય આધારિત એક સંસ્થા તરીકે ઊભરી રહી છે જે અન્ય રાજ્યો-રાષ્ટ્રો માટે પણ પથદર્શક બની છે. અને ગુજરાતમાં રોકાણ કરવા લોકો તત્પરતા દાખવી રહ્યા છે અને કરોડો રૂપિયાનું રોકાણ કરી રહ્યાં છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ વાળી ગુજરાત સરકાર દ્વારા આ સમીટને વધુ પ્રોત્સાહન આપી આગવું બળ મળ્યું છે. વિકસિત રાષ્ટ્રના નિર્માણ અને વિઝનને સાકાર કરવામાં વાઇબ્રન્ટ સમીટ નર્મદાની ભાગીદારી મહત્વપૂર્ણ બની રહેશે તેવો મને વિશ્વાસ છે તેમ મંત્રીશ્રીએ આ અવસરે આશાવાદ વ્યક્ત કર્યો હતો.
વધુમાં મંત્રીશ્રી પરમારે ઉમેર્યું કે, વાયબ્રન્ટ ગુજરાત સમિટની ૧૦મી આવૃત્તિ રોકાણકારો માટે ઉજ્જવળ ભવિષ્યના પ્રવેશદ્વાર તરીકે એક મહત્વપૂર્ણ સિદ્ધી છે. જે ન્યૂ ઈન્ડિયાના વિઝનને આકાર આપશે. નર્મદા જિલ્લામાં યોજાયેલો આ કાર્યક્રમ વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ, સ્ટાર્ટઅપ્સ, સ્થાનિક સુક્ષ્મ અને લઘુ ઉદ્યોગ, સ્થાનિક કક્ષાએ મળતી વસ્તુમાંથી બનતા ઉત્પાદનો અને સ્થાનિક ઉદ્યમી મહિલા-પુરૂષ-યુવાનો માટે રોજગારીને વેગવાન બનાવવાનું આ એક ઉત્તમ માધ્યમ બન્યું છે. ખાસ કરીને નર્મદા જિલ્લો ખેતીની દ્રષ્ટિએ આગવું મહત્વ ધરાવે છે. અહીં શેરડી, કેળા, કપાસ જેવા મુખ્ય પાકો થાય છે અને તેના પર કેટલાંક લઘુ-સુક્ષ્મ ઉદ્યોગો પણ નભે છે. અહીંના પ્રગતિશીલ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવી ઉંચું મૂલ્ય મેળવતા થયા છે. જે જોતાં નર્મદા જિલ્લામાં એગ્રો પ્રોસેસિંગ ઉદ્યોગો માટે ખૂબ મોટી સંભાવનાઓ રહેલી છે જેથી તે દિશામાં નર્મદા જિલ્લાના યુવાનો પણ આગળ આવશે તો તેમને આત્મનિર્ભર બનાવવા ગુજરાત સરકાર હંમેશાં યુવાનોની પડખે રહેશે, પ્રોત્સાહન આપશે તેવો વિશ્વાસ જિલ્લાના યુવાનોને મંત્રીશ્રીએ અપાવ્યો હતો.
નર્મદા જિલ્લાએ વિશ્વ ફલક ઉપર જેના થકી નામ અંકિત કર્યું છે તે સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સ્વપ્નદ્રષ્ટ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી વિચારો થકી નિર્માણ પામેલી અને દેશને એકસૂત્રે બાંધનાર સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની નર્મદા જિલ્લાને ભેટ મળી છે જે આપણું ગૌરવ છે. ત્યારે નર્મદા જિલ્લો ગુજરાતના પર્યટન શ્રેત્રને ધબકતું કરી જિલ્લામાં રોજગારીની નવી તકો ઉભી કરી સ્થાનિક આદિવાસી યુવક-યુવતીઓને પગભર કર્યા છે.
આ પ્રસંગે નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડો.દર્શનાબેન દેશમુખે નર્મદા જિલ્લાના કૌશલ્ય વર્ધક યુવક-યુવતીઓ માટે રોજગારીની નવી તકો ઝીલવા માટે વાઇબ્રન્ટ સમીટ નર્મદામાં થયેલા MOU ને એક ઉમદા મંચ ગણાવી અહીં પ્રવાસન ક્ષેત્ર, પ્રાકૃતિક કૃષિ, કૌશલ્યવર્ધક પ્રવૃતિઓ સહિત અનેક ક્ષેત્રોમાં હજી આગળ વધી સરકાર સાથે કદમ મિલાવી નવા રાષ્ટ્રના નિર્માણમાં ભાગીદારી નોંધાવવા યુવાનોને અપીલ કરી હતી.
આ અવસરે મુંબઈ સહિત અન્ય વિસ્તારોમાંથી આવી અને નર્મદા જિલ્લામાં પોતાના ઉદ્યોગ-વેપારનું વિસ્તરણ કરવા ઈચ્છુક ઉદ્યોગ અગ્રણીઓ-સાહસિકોએ મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં પોતાના એમઓયુ સાઈન કરી જિલ્લાના સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ સાથે સમજૂતિ કરાર એક્સચેન્જ કર્યા હતા. જેમાં ધ ઈન્ડિય હોટલ્સ કંપની લિ.-મુંબઈના જનરલ મેનેજરશ્રી માનવેન્દ્રસિંહ રાઠોડ, શક્તિ ફાઉન્ડેશનના ડો.સોનાલી રોચાની, ગ્રામ ઉદ્યોગના સુશ્રી સુલભા જાધવ, નિરવ હેલ્થકેર આઈ.એન.સી.ના શ્રી નિરવભાઈ અગ્રલવાલ તથા ઓકવીન ફાર્માસ્યુટીકલના શ્રી કિરણ પટેલે નર્મદા જિલ્લામાં એમઓયુ સાઈન કરવામાં પોતાની ઉપસ્થિતિ નોંધાવી હતી.
મંત્રીશ્રીએ આ કાર્યક્રમ પૂર્વે હસ્તકલા સેતુ-EDII, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ધારીખેડા નર્મદા સુગર, વન વિભાગ, આત્મા પ્રોજેકટ, ખેતીવાડી-બાગાયત વિભાગ, આઇસીડીએસ, લીડ બેન્ક, જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, આઈટીઆઈ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, જિલ્લા રોજગાર કચેરી, પોલીસ વિભાગ-વાહન વ્યવહાર વિભાગ, વીજ વિભાગ અને જિલ્લા આરોગ્ય કચેરીના સહિતના કુલ ૩૦ સ્ટોલ્સ પ્રદર્શનની મુલાકાત લીધી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, મંત્રીશ્રી પરમારે કુટિર ઉદ્યોગ દ્વારા કૌશલ્યવર્ધક પ્રવૃતિઓમાં જિલ્લાના યુવાનો-યુવતીઓને વાંસ આધારિત ચીજ-વસ્તુઓ બનાવવા અંગેની તાલીમ અને ઉપલબ્ધ કરાવવામાં આવતા સુંદર માર્કેટ પ્લેટફોર્મથી પ્રભાવિત થયા હતા. ઉપરાંત ખેતીવાડી-બાગાયત વિભાગની મુલાકાત લઈને મંત્રીશ્રીએ ખેડૂતમિત્રોને પ્રાકૃતિક કૃષિ, મિલેટ્સ પાકોની ખેતી, મૂલ્યવર્ધન ખેતી તેમજ આહારમાં મિલેટ્સનો ઉપયોગ કરવા પણ અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભિમસિંહ તડવી, ગરૂડેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી માકતાભાઈ વસાવા, અગ્રણીશ્રી વિક્રમભાઈ તડવી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે.જાદવ, નાંદોદના પ્રાંત અધિકારીશ્રી કેતુલ ઈટાલિયા, જિલ્લા ઉદ્યોગકેન્દ્રના જનરલ મેનેજરશ્રી જે.બી.દવે સહિત જિલ્લા-તાલુકાના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ અને ઉદ્યોગસાહસિકો ઉપસ્થિત રહ્યા હતા.


Share to

You may have missed