વ્યુ-પોઇન્ટ ડેમ સાઈટ એકતાનગર ખાતે યોજાયેલા વાઈબ્રન્ટ સ્ટોલ પ્રદર્શનને ખુલ્લું મૂકી નિરિક્ષણ કરતા રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી ભીખુસિંહજી પરમાર

Share to

વાઈબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ નર્મદા ૨૦૨૩

સ્ટેચ્યુ ઓફ યુનિટી અને પ્રાકૃતિક સૌંદર્યના સાનિધ્યમાં વિવિધ વિભાગોની યોજનાકીય જાણકારી અને હસ્તકલા કારીગીરી પ્રદર્શનમાં ૩૦ સ્ટોલ્સ Sou ના પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા

રાજપીપલા, ગુરુવાર:- ગુજરાત રાજ્યનાં ઔદ્યોગિક વિકાસને વેગવાન બનાવવા માટેનો કાર્યક્રમ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનાં દસમા સંસ્કરણનાં ભાગરૂપે રાજ્યના દરેક જિલ્લામાં વાઈબ્રન્ટ ગુજરાત – વાઈબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ થીમ સાથે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે નર્મદા જિલ્લામાં તા.૧૯ અને ૨૦ ઓક્ટોબર-૨૦૨૩નાં રોજ બે દિવસીય યોજાઈ રહેલા “વાઈબ્રન્ટ ગુજરાત – વાઈબ્રન્ટ નર્મદા” કાર્યક્રમ અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રાકૃતિક સૌંદર્યના સાનિધ્યમાં નર્મદા ડેમ વ્યુ પોઇન્ટ ખાતે વિવિધ ૩૦ સ્ટોલ-પ્રદર્શન યોજાયું છે. જેને જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી અને રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારના હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. તેઓની સાથે નાંદોદના ધારાસભ્યશ્રી ડૉ.દર્શનાબેન દેશમુખ પણ જોડાયા હતા અને પ્રદર્શનને જાહેર જનતાને જોવા નિહાળવા ખુલ્લુ મુકાયું હતું.
જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાની નિગરાનીમાં જિલ્લા વહિવટીતંત્ર દ્વારા ઊભા કરાયેલા આ પ્રદર્શનમાં ૩૦ જેટલા વિવિધ વિભાગોના સ્ટોલ્સ મુકાયા છે. જેનું મંત્રીશ્રી અને અન્ય ચૂટાયેલા મહાનુભાવોએ નિરિક્ષણ કરી પ્રદર્શિત કરવામાં આવેલી માહિતી મેળવી હતી. અને નર્મદા જિલ્લામાં આનો લોકોને કેટલો લાભ મળે છે. તે અંગે પૃચ્છા કરી હતી ખાસ કરીને સ્થાનિક ઉધ્યમી મહિલાઓ દ્વારા બનાવવામાં આવતી હાથ બનાવટની ચીજ વસ્તુઓ અને મિલેટ વર્ષને કેન્દ્રમાં રાખીને નર્મદા જિલ્લામાં થઈ રહેલી પ્રાકૃતિક ખેતી અને મિલેટ્સ ધાન્યોની મોટા પ્રમાણમાં થઈ રહેલી ખેતી અંગેની વિગતો મેળવી ખુશી વ્યક્ત કરી હતી. અને હસ્ત કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા.
વાઈબ્રન્ટ ગુજરાત વાઈબ્રન્ટ નર્મદામાં ઊભા કરાયેલ સ્ટોલમાં હસ્ત કલા સેતુ EDII ના કુલ ૧૦, મિલેટ્સના- ૨, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના – ૩, નર્મદા વન વિભાગનો-૧, આત્મા પ્રોજેકટ -૧, જિલ્લા ખેતવાડી કચેરી- ૧, આઇ. સી. ડી. એસ. કચેરી- ૧, લીડ બેંક ડિસ્ટ્રિક્ટ મેનેજર બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન- ૧, લીડ બેંક ડિસ્ટ્રિક્ટ મેનેજર- ૪, જિલ્લા સમાજ સુરક્ષા કચેરી- ૧, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર-૧, જિલ્લા રોજગાર કચેરી – ૧, પોલીસ અધિક્ષકની કચેરી અને સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી- ૧, દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ.- ૧ અને જિલ્લા આરોગ્ય કચેરી – ૧ મળીને કુલ-૩૦ સ્ટોલ ઉભા કરાયા છે. અને સ્ટોલમાં આવતા મુલાકાતીઓને વિના મુલ્ય સાહિત્ય અને માર્ગદર્શન પુરૂ પાડી રહ્યાં છે.
ડેમ વ્યુ પોઇન્ટ ખાતે બે દિવસ સુધી ચાલનારૂ આ પ્રદર્શન સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવી રહેલા પ્રવાસીઓ માટે પણ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. સાથે સ્થાનિક મહિલાઓ અને હાથ વણાટનું કામ કરતા ઉધ્યમીઓ માટે રોજગારીનું ઉત્તમ માધ્યમ પણ બની રહ્યું છે.
આ પ્રસંગે મંત્રીશ્રી સાથે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીમસિંહ તડવી, ગરૂડેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી માકતાભાઈ વસાવા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે.જાદવ સહિત જિલ્લાના અન્ય પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ જોડાયા હતા. અને પ્રદર્શનનો વધુમાં વધુ લોકો લાભ લે તેવી અપીલ કરી હતી.


Share to

You may have missed