February 22, 2024

નર્મદા જિલ્લા કક્ષાના ૭૪મા વન મહોત્સવની ઉજવણી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાની અધ્યક્ષતામાં રાજપીપલાની શ્રી અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ ખાતે યોજાઈ

Share to*DCP અને SHG ગૃપ નર્સરીના ૬૪ ખેડૂત લાભાર્થીઓને રૂપિયા ૨૮.૮૦ લાખની રકમ વળતર પેટે ચૂકવાઈ : સામાજિક વનિકરણ વિભાગની અંગભૂત યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના ૩૫ લાભાર્થીઓને નિર્ધુમ ચુલા અર્પણ કરાયા*

નર્મદા જિલ્લા કક્ષાના ૭૪મા વન મહોત્સવની ઉજવણી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાની અધ્યક્ષતામાં રાજપીપલાની શ્રી અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલના મેદાન ખાતે કરવામાં આવી હતી. કાર્યક્રમમાં રાજ્ય કક્ષાએથી અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી નાણાકીય વ્યવસ્થાપન-ગાંધીનગરના શ્રી એન.શ્રીવાસ્તવ(IFS) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નર્મદા જિલ્લા સામાજિક વનિકરણ વિભાગના નાયબ વન સંરક્ષકશ્રી મિતેશભાઈ પટેલે સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.
જિલ્લાકક્ષાના કર્યક્રમમાં ઉપસ્થિત સૌને સંબોધતા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાએ જણાવ્યું કે, આપણા દેશમાં વન મહોત્સવની પહેલ વહેલી શરૂઆત વર્ષ ૧૯૫૦માં તત્કાલીન કેન્દ્રિય કૃષિ અને ખાદ્ય મંત્રીશ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીએ રાજઘાટ, દિલ્હી ખાતે એક વૃક્ષ વાવીને કરી હતી જે આજે પણ અવિરત ચાલી રહી છે. મહત્વની વાત એ છે કે, ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ પહેલને ગુજરાતમાં વર્ષ ૨૦૦૪થી વધુ વેગવંતી બનાવી સાંસ્કૃતિક વનોના નિર્માણ માટેનું આહવાન કર્યું હતું. જેના કારણે આજે ૨૨ જેટલાં સાંસ્કૃતિક વનો ગુજરાતમાં અસ્તિત્વમાં આવ્યા અને હજી ગઈ કાલે જ ૨૩મું સાંસ્કૃતિક વન ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ પાસે ખુલ્લું મુકાયું છે.
ગ્રીન ગુજરાત ક્લિન ગુજરાતના સૂત્રને સાર્થક કરવાની અપીલ સાથે જિલ્લા પ્રમુખ શ્રીમતી વસાવાએ ઉમેર્યું કે, વર્તમાન સમયમાં ગ્લોબલ વોર્મિંગ અને ઋતુચક્રમાં ફેરફાર જેવી અનેક સમસ્યાઓ સમગ્ર વિશ્વ સામે ઉભી છે ત્યારે આદિવાસી વિસ્તાર નર્મદા જિલ્લાની એક બહુમૂલ્ય ઓળખ એટલે જિલ્લાનો વન વિસ્તાર છે. જીવસૃષ્ટિને ટકાવી રાખવા માટે વૃક્ષો મહત્વની ભૂમિકા ભજવે છે તેથી જ આપણા નર્મદા જિલ્લાના વન વિસ્તારને સાચવી રાખવાની આપણાં સૌની જવાબદારી છે. વન્ય સંપદાનું આપણે સૌ જતન કરી ભાવી પેઢીને સ્વસ્થ જીવનની ભેટ આપીએ તેમ તેઓશ્રીએ ઉમેર્યું હતું.
ભરૂચ-નર્મદાના સાંસદશ્રી મનસુખભાઈ વસાવાએ નર્મદા જિલ્લામાં ભૂતકાળમાં વન વિસ્તારોમાં નિષ્ઠા પૂર્વક કામ કરી નિવૃત્ત થયેલા વન વિભાગના અધિકારીઓ-કર્મીઓને બિરદાવી જણાવ્યું કે, વનમાં જેનો ઉછેર થાય તે સાચા અર્થમાં વનનું મહત્વ સમજી શકે છે. પર્યાવરણ સાથે માનવ જીવન ઓતપ્રોત થયેલું હોય છે. વૃક્ષ અને માનવી એક સિક્કાની બે બાજુ છે. આજે વિશ્વ કક્ષાએ વન સૃષ્ટીની જાળવણી માટે અને વૃક્ષોના ઉછેર માટે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલે જ કુદરતે આપેલી ભેટને કોઈપણ પ્રકારે નુકશાન ન થાય તે જોવાની આપણા તમામ નાગરિકોની ફરજ બને છે. જેટલાં વૃક્ષો વાવીએ તેમાંથી મહત્તમ વૃક્ષોનો ઉછેર થાય તે જોવાની પણ આપણી જવાબદારી બને છે.
વધુમાં સાંસદશ્રીએ ઉમેર્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર વિવિધ યોજનાઓના માધ્યમથી વનવિસ્તારોની સતત ચિંતા કરે છે. પણ આપણી આસપાસ રહેલા વનોની ચિંતા આપણે પણ કરવાની છે. સમગ્ર ગુજરાતમાં સારામાં સારો વન વિસ્તાર નર્મદા જિલ્લામાં છે એમ કહીએ તો કંઈ ખોટું નથી પણ હજી તેને વધુ સમૃદ્ધ અને હરિયાળું બનાવવનું છે જેથી વન વિસ્તારો ઉપર નભતા મુંગા પશુઓને ફળ-ફૂલ અને પુરતો ખોરાક મળી રહે અને મનુષ્યને પણ સિઝન પ્રમાણેના ફળો વનમાંથી મળી શકે તેમ તેઓએ કહ્યું હતું.
રાજપીપલા ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના વન મહોત્સવમાં નાંદોદના ધારાસભ્યશ્રી ડો. દર્શનાબેન દેશમુખ, દેડિયાપાડાના ધારાસભ્યશ્રી ચૈતરભાઈ વસાવા અને અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી એન. શ્રીવાસ્તવે પણ વન સંપદાઓની જાળવણી, સંવર્ધન, વૃક્ષ ઉછેર અને જંગલમાંથી ઉપલબ્ધ વન્ય પેદાશો થકી સ્થાનિક લોકોને મળી રહેતા રોજગારીના માધ્યમો અંગે પણ વિસ્તૃતમાં પ્રેરક ઉદબોધન કર્યું હતું.
નર્મદા જિલ્લામાં વન વિભાગ દ્વારા નાંદોદ તાલુકાના રાજુવાડિયા ખાતે વિવિધ સુવિધાઓ સાથેના પંચવટી વિકાસ કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમજ નવાપરા નીકોલી ગામે આવેલા નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં ધાર્મિક મહત્વ ધરાવતા 151 વૃક્ષોનું પવિત્ર ઉપવનનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું સાંસદશ્રી મનસુખભાઈ વસાવાના હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી પ્રસંગે દૂધધારા ડેરીના ચેરમેનશ્રી અને ધારીખેડી સુગર ફેક્ટરીના ચેરમેનશ્રી ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષા શ્રીમતી મમતાબેન તડવી, નાંદોદ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી હરેશભાઈ વસાવા, તિલકવાડા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી પારૂલબેન તડવી, પ્રાયોજના વહીવટદારશ્રી હનુલ ચૌધરી, નિવાસી અધિક કલેક્ટરશ્રી સી.એ.ગાંધી, ડિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે.જાદવ, સ્થાનિક અગ્રણી અનિરૂદ્ધસિંહ ગોહિલ, શ્રી વિક્રમભાઈ તડવી, જિલ્લાના લાભાર્થીઓ, વન વિભાગના અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

*બોક્સઃ*
સામાજિક વનીકરણ વિભાગ દ્વારા પોઈચા રોડ તથા નરખડીથી નર્મદા પુલ સુધી રોડ સાઈડમાં પરિપક્વ થયેલા વૃક્ષોની હરાજી કરવામાં આવી હતી, જેમાંથી મળેલી રકમ પૈકી ૧૫.૯૨ લાખ રૂપિયાનો ચેક નાંદોદ તાલુકાના વિકાસ કાર્યો માટે તાલુકા પ્રમુખશ્રીને અર્પણ કરાયો હતો. ખેડૂત લાભાર્થીઓને તેઓના ખેતરમાં નર્સરી ઉછેર માટે સામાજિક વનિકરણ વિભાગ દ્વારા ચાલતા પ્રોગ્રામ અંતર્ગત DCP અને SHG ગૃપ નર્સરીના ૬૪ લાભાર્થીઓને ૮.૪૦ લાખ રોપા વન મહોત્સવ હેઠળ ઉછેર કરતા કુલ ૨૮.૮૦ લાખની રકમ વળતર પેટે ચૂકવવામાં આવી રહી છે જે પૈકીના ૪ લાભાર્થીઓને પ્રતિકાત્મક રૂપે મંચ પરથી ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. સામાજિક વનિકરણ વિભાગની અંગભૂત યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના ૩૫ લાભાર્થીઓને રૂપિયા એક લાખ ઉપરાંતની કિંમતના ૩૫ નિર્ધુમ ચુલા અર્પણ કરવામાં આવ્યા હતા.
નર્મદા જિલ્લામાં વૃક્ષારોપણ સાથે સંકળાયેલી અને લોકભાગીદારીથી વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાગૃતિનું કામ કરતી ચાર સ્વયંસેવી સંસ્થાઓના પ્રતિનિધિઓ, વન્ય સંપદાઓની જાળવણી કરતા વ્યક્તિઓ, વનપાલ-વનરક્ષક, વન કર્મીઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ શ્રી અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં ધાર્મિક મહત્વ ધરાવતા વૃક્ષોના છોડનું મહાનુભાવોના હસ્તે વાવેતર કરવામાં આવ્યું હતું.

*રિપોર્ટર:સર્જન વસાવા, દેડીયાપાડા*


Share to