November 29, 2024

નાંદોદ તાલુકાના ભદામ ગામની આંગણવાડી ખાતે પોષણ પખવાડાની કરાયેલી ઉજવણી

Share to


બાળકો માટે સ્વસ્થ બાળ સ્પર્ધા યોજી પ્રોત્સાહિત કરાયા : આંગણવાડી કાર્યકર બહેનોએ મિલેટ્સ અને વાનગીઓનું નિદર્શન કરી ધાત્રી-સગર્ભા માતાઓ અને કિશોરીઓને આપેલી સમજ

રાજપીપલા, શનિવાર :- નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ભદામ ગામે પોષણ પખવાડીયાની ઉજવણી અંતર્ગત આંગણવાડી કેન્દ્ર ખાતે બાળકો માટે સ્પર્ધા અને કિશોરીઓને એનિમિયા વિશેની સમજણ તેમજ ટેક હોમ રાશન અને ધાત્રી માતાઓને પોષણ આહારનું વિતરણ કરવામાં આવ્યું હતું.

તા.૦૧/૦૪/૨૦૨૩ના રોજ પોષણ પખવાડીયાની ઉજવણીના ભાગ રૂપે આંગણવાડી કેન્દ્ર ભદામ -૧ ઉપર આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા કિશોરીઓને એનિમિયા વિશેની સમજણ આપવામા આવી હતી. અહીં ૦૮ જેટલી કિશોરીઓ,૩ ધાત્રી માતા અને એક સગર્ભા માતાને રૂબરૂમાં પોષણ સપ્તાહ અંગેની સમજ આપી મુખ્યમંત્રી માતૃ શક્તિ યોજના અંતર્ગત અપાતી કિટ્સનું ગામના સરપંચ શ્રીમતી હિનાબેન વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું.તમામ કિશોરીઓનુ વજન અને ઉંચાઇ કરવામા આવ્યું હતું.
પોષણ પખવાડીયાની ઉજવણીમા તમામ કિશોરીઓને મીલેટસ અને લીલાં શાકભાજીઓમાંથી મળતા પોષકતત્વો વિશે સમજ આપવામાં આવી હતી. પોષણતત્વોથી ભરપુર મીલેટસ અને લીલાં શાકભાજીનું નિદર્શન કરી ખોરાકમાં તેનો ઉપયોગ કરવા જણાવ્યુ હતું. વધુમાં કિશોરીઓને શારીરિક સ્વચ્છતા, જીવન કૌશલ્યો, સોશિયલ મિડીયા, વ્યવસાયિક કુશળતા અને કાયદાકીય જ્ઞાન વિશે સમજ આપવામા આવી હતી.
સાથોસાથ આંગણવાડીના બાળકો માટે સ્વસ્થ બાળ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વજન અને ઊંચાઈ માપવામાં આવી હતી. જે બાળકોના સ્વાસ્થ્યમાં વૃદ્ધિ જોવા મળી હતી તેવા બાળકોને ઇના આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
પૂર્ણા શક્તિ ટેક હોમ રાશનનો લાભ મેળવી રહેલી કિશોરી સુશ્રી દર્શનાબેન ભરતભાઈ વસાવાએ જણાવ્યું કે, મારી ઉંમર ૧૪ વર્ષનીછે. અમારા ગામની આંગણવાડીમાં સૌ પહેલાં અમારી નોંધણી થઈ હતી. જેનાથી અમને પૂર્ણાં શક્તિ યોજનાનો લાભ મળ્યો છે. દર શનિવારે આંગણવાડી કેન્દ્ર ખાતે મીટીંગ કરવામાં આવે છે. અમને મહિનામાં પૂર્ણા શક્તિના પેકેટ આપવામાં આવે છે. તેમાંથી અમે સારું જમવાનું જમીએ છીએ. તેમાંથી અમને પ્રોટીન સહિત અનેક પોષક તત્વો મળી રહે છે. શનિવારે મીટીંગ હોય ત્યારે અમારી ઊંચાઈ અને વજન માપી લોહીની તપાસ કરવામાં આવે છે. અહીં આવીને અમને નવું-નવું જાણવા મળે છે. આ યોજના ખૂબ સારી છે અન્ય કિશોરીઓએ પણ આ યોજનાનોલાભ લેવો જોઈએ તેમ તેમણે અપીલકરી હતી.
આઈસીડીએસના જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી ક્રિષ્નાબેન પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર દેશ પોષણ પખવાડાની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે નર્મદા જિલ્લામાં પણ પોષણ પખવાડાની ઉજવણી થઈ રહી છે. આ વર્ષે પોષણ પખવાડિયાની ઉજવણી ૨૦મી માર્ચથી શરૂ કરવામાં આવી હતી જે ત્રીજી એપ્રિલ સુધી થવાની છે. આ પખવાડિયા દરમિયાન મિલેટ્સ અંગેની જાણકારી પણ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત આંગણવાડીમાં વાનગી ડેકોરેશનના માધ્યમથી વિશિષ્ટ જાણકારી આપવામાં આવે છે. મિલેટ્સમાંથી વિવિધ વાનગીઓ બનાવીને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેનું આંગણવાડી કાર્યકરો દ્વારા નિર્દેશન કરવામાં આવે છે. આ ઉપરાંત જે સ્વસ્થ બાળકો છે તેવા તંદુરસ્ત બાળકોની પણ સ્પર્ધાઓ કરવામાં આવે છે. જેથી કુપોષિત બાળકોના વાલીઓને પણ પ્રોત્સાહિત કરી શકાય. આ બાબતે વાલીઓ પણ જાગૃત થાય તેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.
આ કાર્યક્રમમાં ગામના સરપંચ શ્રીમતી હિનાબેન વસાવા, આંગણવાડી સુપરવાઈઝર શ્રીમતી દામનબેન વસાવા, આંગણવાડી કાર્યકરો શ્રીમતી હેતલબેન પટેલ અને શ્રીમતી વૈશાલીબેન વસાવા, શ્રીમતી પન્નાબેન વસાવા, પોષણ સંગીની અરૂણાબેન વસાવા સહીત કિશોરીઓ, ધાત્રી-સગર્ભા માતાઓ અને આંગણવાડીના બાળકો ઉપસ્થિત રહ્યા હતા.


Share to

You may have missed