October 18, 2024

૧૦૦ ટકા ફેફસા સંક્રમિત હોવા છતા ભરૂચના ઈર્શાદભાઈ શેખે કોરોનાને આપી પછડાટ ઓક્સિજન લેવલ ૬૦ હોવા છતાં વેન્ટીલેટરની જરૂર પડી ન હતી:

Share to

મજબૂત મનોબળથી ગંભીર સ્થિતિમાંથી ઊગર્યા

સુરતઃ- કોરોનાની બીજી લહેર અંત તરફ જઈ રહી છે, ત્યારે સંક્રમિત ગંભીર દર્દીઓ પણ સ્વસ્થ થઈ રહ્યા છે, અને કોરોના રિકવરી રેટ પણ વધ્યો છે. ભરૂચના કોરોના પોઝિટીવ ૩૫ વર્ષીય ઈર્શાદભાઈ શેખના ફેફસાં ૧૦૦ ટકા ચેપગ્રસ્ત હોવા છતા સુરત શહેરની લોખાત હોસ્પિટલમાં ૨૦ દિવસની સારવારના અંતે કોરોનાને મ્હાત આપીને હેમખેમ ઘરે પરત ફર્યા છે.      

                 વિગતો આપતા હોસ્પિટલના ફિજીશ્યન ડો.ભાવિક દેસાઈએ જણાવ્યું હતું કે, તા.૬ઠ્ઠી એપ્રિલના રોજ હોસ્પિટલમાં ભરૂચના ડુમવાડ વિસ્તારના રહેવાસી ઈર્શાદભાઈ શેખ સારવાર માટે દાખલ થયા હતા. ભરૂચમાં તેમણે ખાનગી હોસ્પિટલમાં ત્રણ દિવસ સારવાર લીધી પણ સ્થિતિમાં કોઈ સુધારો ન થયો અને તબિયત વધુ લથડતા સારવાર માટે સુરત આવ્યાં હતાં. સીટીસ્કેન રિપોર્ટ કરાવતાં તેમના ફેફસામાં ૧૦૦ ટકા ઈન્ફેકશન જણાયું હતું. દાખલ થયાં ત્યારે તેમનું ઓક્સિજન લેવલ ૬૦ હતું. NRBM માસ્ક આપવા છતાં પણ લેવલ ૮૦ રહેતુ હતું. જેથી તેમને ૧૦ દિવસ બાયપેપ પર, આઠ દિવસ એન.આર.બી.એમ. પર રાખવામાં આવ્યા હતા. ફુડ પ્રોસેસિંગ વ્યવસાય સાથે સંકળાયેલા ઈર્શાદ શેખના પરિવારમાં તેમના માતા-પિતા પણ કોરોનાગ્રસ્ત થયા હતા. જેમાં માતાનું દુખઃદ અવસાન થયું હતું. જયારે પિતા કોરોનાથી સ્વસ્થ થયા હતા.   

               ડો.ભાવિક જણાવે છે કે, દેશમાં ફેફસાંમાં ૧૦૦ ટકા કોરોના ઇન્ફેકશન થયું હોય છતાં કોરોનામુક્ત થયાં હોય એવા જૂજ કિસ્સા સામે આવ્યાં છે. કારણ કે મોટા ભાગના કેસોમાં ૮૦ ટકા લંગ ઇન્વોલ્વમેન્ટ હોય એવા દર્દીઓ સ્વસ્થ થયાંના દાખલાઓ નોંધાયા છે. પરંતુ ઈર્શાદભાઈના મજબૂત મનોબળ અને લોખાત હોસ્પિટલની સારવારના કારણે તેમતા ફેફસાં ૧૦૦ ટકા ચેપગ્રસ્ત હોવા છતાં કોરોનાને પછડાટ આપી છે. ઓક્સિજન લેવલ ૬૦ હોવા છતાં વેન્ટીલેટરની જરૂર પડી ન હતી. સ્વસ્થ થઈ જતાં તેમને તા.૨૫ મે ના રોજ રજા આપવામાં આવી હતી.

              આમ ડો.ભાવિક દેસાઈ, ICU રજિસ્ટ્રાર ડો. અર્ચિત દોશી સહિતના નર્સિંગ, પેરામેડિકલ સ્ટાફની મહેનત અને ઈર્શાદભાઈની હિંમતથી કોરોનાને હાર માનવી પડી હતી. શેખ પરિવારને આશા ન હતી કે તેમના સ્વજન સ્વસ્થ થઈને ઘરે આવશે. આજે તેમના આંનદની કોઈ સીમા નથી.


Share to

You may have missed