પુણા ગામના પેટ્રોલપંપ સંચાલક વિજેન્દ્રસિંહે સ્મીમેરમાં ૨૧ દિવસની સારવાર બાદ કોરોનાને હરાવ્યો

Share to

પરિવારના પાંચ સભ્યો પણ કોરોના પોઝિટિવ થયાં હતાં: અમે સૌએ કોરોનાને હરાવીને નવી જિંદગીની શરૂઆત કરી: વિજેન્દ્રસિંહ વશી

કોરોનાના પ્રથમ તબક્કામાં વૃદ્ધ લોકોને વધુ અસર કરતી હતી, જે બીજા તબક્કામાં પ્રમાણમાં નાની ઉંમરના લોકોને પણ અસરકર્તા થવાનું નોંધાયું છે. સુરતના પુણાગામના પેટ્રોલપંપ સંચાલક ૪૮ વર્ષીય વિજેન્દ્રસિંહ મહિપતસિંહ વશીએ સ્મીમેર હોસ્પિટલ ની ૨૧ દિવસની કાળજીભરી સઘન સારવારના લીધે કોરોનાને હરાવવામાં સફળતા મેળવી છે. ૨૧ દિવસમાં પાંચ દિવસ બાયપેપ પર રહીને કોરોનામુક્ત બની ઘરે પરત ફર્યા ત્યારે વશી પરિવારની ખુશીનો પાર ન હતો.

              કોરોનામુક્ત થયેલા વિજેન્દ્રસિંહ જણાવે છે કે, ‘શરૂઆતમાં શ્વાસ લેવામાં તકલીફ થતાં ૯મી એપ્રિલના રોજ કોરોનાનો રેપિડ ટેસ્ટ રિપોર્ટ તેમજ સિટીસ્કેન પણ કરાવ્યો હતો. સિટીસ્કેનમાં ફેફસામાં ૧૫થી ૨૦ ટકા સંક્રમણ જણાયું હતું. આથી પરિવારે વેસુ ખાતેની પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કર્યો. જ્યાં રેમડેસિવીર ઈન્જેક્શન સહિતની સારવાર આપવામાં આવી હતી. પરંતુ આ સારવાર લીધા બાદ પણ તબિયત બગડતા ૧૯મી એપ્રિલના રોજ ગંભીર હાલતમાં સ્મીમેર હોસ્પિટલમાં રિફર થયો. સ્મીમેરમાં દાખલ થયો ત્યારે ૧૫ લિટર ઓક્સિજન આપવા છતાં ઓક્સિજનનું પ્રમાણ ૮૨-૮૩ ટકા જેટલું જ રહેતું હતું. આથી ફરજ પરના ડોકટરોએ બાયપેપ ઉપર એક દિવસ રાખ્યો હતો. તબિયતમાં થોડો સુધારો જણાતાં ફરી ૧૦ થી ૧૫ લિટર ઓક્સિજન પર રાખવામાં આવ્યો. સારવાર સતત ચાલુ જ હતી, પરંતુ ૨૬મી એપ્રિલના રોજ ફરી તબિયત બગડી અને લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટતા તાત્કાલિક બાયપેપ મશીન પર રાખ્યો. સ્મીમેર હોસ્પિટલની સઘન સારવારને લીધે ચાર દિવસ પછી બાયપેપ હટાવીને પુન: ઓક્સિજન પર રખાયો. આમ, ઉત્તરોઉત્તર તબિયતમાં સુધારો થતાં તા.૮મી મેના રોજ માત્ર બેથી ત્રણ લીટર ઓક્સીજનની જરૂરિયાત સામે લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ ૯૦ ટકા જેટલું રહેતું હતું, જેથી સુરત મહાનગરપાલિકાની સરકારી ક્વોટાની પ્રાઈવેટ હોસ્પિટલમાં રિફર કરાયો હતો. એસએમસી ક્વોટાની પ્રાઇવેટ હોસ્પિટલમાં વિનામૂલ્યે અને ઉમદા સારવાર આપવામાં આવી હતી, અને અંતે તા.૨૦મી મેના રોજ સંપૂર્ણ સ્વસ્થ થઈ જતાં રજા આપવામાં આવી હતી.

            સારવાર દરમિયાન એક તબક્કે ડી-ડાયમર લેવલ ૧૫ હજાર સુધી પહોંચી ગયું હતું, પરંતુ સઘન સારવારથી તે ઘટીને ૧૮૦૦ જેટલું નીચે લાવી શકાયું એમ જણાવી વિજેન્દ્રસિંહ સ્મીમેરની ઉમદા સારવાર બદલ આભાર વ્યક્ત કરતાં જણાવે છે કે, ‘મને સ્મીમેરમાં ખાનગી હોસ્પિટલથી પણ વધુ સારી સારવાર મળી છે. જેના કારણે હું હવે સંપૂર્ણ કોરોનામુક્ત થયો છું. મારા પરિવારના પાંચ સભ્યો પણ કોરોના પોઝિટિવ થયાં હતાં. અમે સૌએ કોરોનાને હરાવીને નવી જિંદગીની શરૂઆત કરી છે. 

             વધુમાં તેઓ જણાવે છે કે, મને સ્મીમેરમાં સમયસર ભોજન, પાણી, સાફ-સફાઈ, દવા સહિતની કોઈપણ જરૂરિયાત માટે તકલીફ પડી નથી. ખાસ કરીને ડો. વિપુલ શ્રીવાસ્તવ, ડો. અશોક ચૌધરી, ડો.જિગીષા ચૌધરી, ડો. હિતેષ રાઠોડ સહિતના ડોક્ટરોની ટીમ, નર્સિંગ સ્ટાફ અને સફાઈ કામદારો સહિત દરેક કર્મચારીઓએ ખૂબ સેવા કરી છે, તે સૌની પ્રેરણાથી મારા હિંમત અને મનોબળમાં વધારો થયો હતો.


Share to

You may have missed