November 19, 2024

સાગબારા બેંક ઓફ બરોડાના કેશીયરે મળતીયા સાથે મળી ગ્રાહકોના રૂ.૧.૩૬ લાખ ની ઉચાપત કરતા ચકચાર

Share to

અલગ અલગ ખાતેદારો ના ખાતામાંથી લગભગ 20- 25 લાખની ઉચાપત કરી હોવાની લોકોમાં ચર્ચા

સાગબારા ખાતે આવેલી બેન્ક ઓફ બરોડા શાખામાંથી ગ્રાહકના રૂપિયા કેશિયર દ્વારા બારોબાર ગ્રાહકની જાણ બહાર ઉપાડી લેવાનું કૌભાંડ બહાર આવવા પામ્યું છે. ત્યારે ભૂતકાળમાં પણ આજ બેન્કમા લાખો રૂપિયાનું કૌભાંડ થયું હતું જેના રૂપિયા હજી સુધી ગ્રાહકોને પરત મળ્યા નથી ને ફરી એકવાર બેન્ક ઓફ બરોડા સાગબારા શાખાના કપાળે કાળી સ્યાહી લાગી ગઈ છે.કૌભાંડ કરનાર કેશિયર હાલ ફરાર થયો હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ તાલુકા મથક સાગબારા ખાતે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બેન્ક ઓફ બરોડા અને ધી ભરૂચ ડિસ્ટ્રીકટ સે,કો ઓપરેટીવ બેંક આવેલી છે.તે પૈકી સાગબારા બેંક ઓફ બરોડાની શાખામાંથી ગ્રાહકોના ખાતાઓમાંથી નાણાંની ઉઠાંતરી થવાના ભુતકાળમાં ઘણાં કિસ્સાઓ સામે આવ્યા હતાં. અને બેંક ઓફ બરોડા સાગબારા શાખા પાસેના બેંક કોમ્પ્યુટર ઓપરેટર પિયુષ દ્વારા બે-ત્રણ વર્ષ અગાઉ પણ ધંધાદારીઓ, વિધવા પેન્શન, વૃધ્ધ પેન્શન, નોકરીયાતો અને ખેડુતો તેમજ અન્ય વ્યવસાય સાથે સંકળાયેલ ગ્રાહકોના ખાતાંઓમાથી નાણાંની ઉચાપત થઈ હતી પરંતુ સાગબારા તાલુકો પછાત અને અભણતાને કારણે તેમને ન્યાય મળ્યો નહતો. તેથી ગ્રાહકોને સહન કરી લેવા સિવાય કોઈ રસ્તો રહેતો નહોતો. બેંક ઓફ બરોડાના સાગબારા શાખામાંથી અવારનવાર નાણાં ઉપડી જવાના બનાવો બનતાં રહ્યાં છે.

હાલમાં વધુ એક બનાવ બન્યો જેમાં સાગબારા તાલુકાના ચોપડવાવ ગામના ફુલસિંગભાઈ કરમાભાઈ વસાવા પોતે લકવા ગ્રસ્ત વ્યક્તિ છે. અને ગરીબાઈમાં જીવે છે, ઉપરાંત પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી દુધના પૈસા બેંક ઓફ બરોડાના સાગબારા શાખામાં જમા કરાવતા હતાં. તેમના ખાતા માં તા.૧૧/૬/૨૦૨૪ સુધીમાં રૂપિયા ૧,૬૨,૧૩૭.૯૩ બેંક બેલેન્સ હતું. તેથી ફુલસિંગ કરમાભાઈ જયારે તા.૩૧/૭/૨૦૨૪ના રોજ નાણાનો ઉપાડ કરવા ગયા ત્યારે બેંક બેલેન્સ ચેક કરાવતાં બેંકમાંથી જાણવા મળ્યું કે, તેમના ખાતામાં રૂપિયા ૩૯, ૭૭૭ રૂપિયા જ બેલેન્સ છે. અને બાકીના રૂપિયા ૧,૩૬,૦૦૦ ગાયબ થઈ જતાં બેંક મેનેજર પાસે આ નાણાંની ઉઠાંતરી થયાની તપાસ કરવા અરજી આપી હતી. પણ મેનેજરે તેમનુ સોલ્યુશન લાવવા કોઈ કાળજી દાખવી નહી. જેથી બેંક સ્ટેટમેન્ટ ચેક કરાવતાં જાણવા મળ્યું કે, તા.૨૪/૬/૨૦૨૪ના રોજ રૂપિયા ૫૦,૦૦૦ /-તા.૩/૭/૨૦૨૪ ના રોજ રૂપિયા ૩૬૦૦૦ /- તા.૬/૭/ ૨૦૨૪ ના રોજ રૂપિયા ૨૦,૦૦૦ /- અને તા.૮/૭/૨૦૨૪ ના રોજ રૂપિયા ૩૦,૦૦૦ /- એમ કુલ મળીને રૂપિયા ૧,૩૬,૦૦૦ ની ઉઠાંતરી થઈ છે.આ તમામ હકીકતની અરજી સાગબારા પોલીસ સ્ટેશનમાં તા.૧૦/૮/૨૦૨૪ ના રોજ આપવામાં આવી છે. આ તમામ ઉપાડના વ્યવહાર ફુલસિંગ કરમાભાઈ વસાવા દ્વારા કરવામાં આવેલ નથી.

ત્યારબાદ વધુ તપાસ કરતાં જાણવાં મળ્યું કે,તા.૨૪/૬/ ૨૦૨૪ ના રોજ ફુલસિંગ કરમાભાઈ વસાવા બેંકની શાખામાં kycનુ ફોર્મ ભર્યું હતું. પરંતુ નાણાનો ઉપાડ કર્યો નહોતો. જે તમામ એવીડન્સ બેંક કેશીયર શ્રીકાંતમાં આવતા હોય તેણે આ તમામ બેંકની હકીકત જાણી લીધી હોવાને કારણે તેમણે તા.૨૪/૬/૨૦૨૪ ના રોજ રૂપિયા ૫૦,૦૦૦ અને તા.૬/૭/૨૦૨૪ના રોજ રૂપિયા ૨૦,૦૦૦ વગર આધારે બારોબાર કેશીયરે પોતાના વિશ્વાસું મળતીયા બેંક મિત્રના ખાતા માં અને સાગબારા ના એક બેંક મિત્ર ના ખાતામાં ૩૦,૦૦૦ ટ્રાન્સફર કરી દીધા હતાં.અને નાના કાકડીયાઆંબા ગામના એક વ્યક્તિના બેંક ખાતામાં રૂપિયા ૩૬,૦૦૦ ટ્રાન્સફર કરી દીધાં હતાં. ભોગ બનનારે ટેલીફોનીક વાતથી પુછપરછ કરતાં બેંક મિત્રોએ જણાવ્યું હતું કે, બેંક કેશીયરે અમોને ફોનથી જણાવ્યું હતું કે તમારા ખાતાઓમાં મે પૈસા ટ્રાન્સફર કરી દીધાં છે. તે મારે પૈસાની જરુરત હોવાથી ફોન-પે થી મોકલી આપવા જણાવ્યું હતું. તેથી અમોએ બેંક કેશીયર શ્રીકાંતના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દીધા છે.એવી પુષ્ટિ થયેલ છે. જોકે આ એકજ ભોગ બનનાર નો રૂપિયા ૧.૩૬ લાખનો આંકડો છે પણ આવા ઘણા ગ્રાહકો ના ખાતા માંથી લગભગ 20 થી ૨૫ લાખ રૂપિયાની ઉચાપત થઈ હોવાનું હાલ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.ત્યારે આ કેશિયર છેલ્લા ઘણા વર્ષોથી સાગબારા શાખામાં જ ફરજ બજાવે છે જે હાલ ફરાર થઇ ચૂકયો છે.ત્યારે તે બેંકમાં આવતા ગરીબ આદિવાસી ગ્રાહકો સાથે વર્તન પણ યોગ્ય રીતે કરતો ન હોવાનું જાણવા મળ્યું છે.જેથી તેની બદલી કરવામાં આવે તેવી પણ ગ્રહકોમાંથી માંગ ઉઠી છે.

આ કૌભાંડમાં બીજા કોણ કોણ સામેલ છે તેની તપાસ કરવામાં આવે તો વધુ નામો ખુલી શકે છે.

સાગબારાની બેન્ક ઓફ બરોડાના કેશિયર શ્રીકાંત દ્વારા કરાયેલા કૌભાંડમાં યોગ્ય અને ન્યાયિકરીતે તપાસ હાથ ધરવામાં આવે તો આ કૌભાંડમાં અન્ય બીજા નામો પણ ખુલી શકે છે કે જે આ કૌભાંડમાં કેશિયર સાથે સાંઠગાંઠ ધરાવે છે. શુ આ કૌભાંડની તપાસ અગાઉના લાખો રૂપિયાના કૌભાંડની જેમ દબાઈ જશે ? શુ ગરીબ આદિવાસીઓને ન્યાય મળશે? આટલું મોટું બેન્ક જોડે કૌભાંડ કરવું એકલા કેશિયર નું કામ ન હોય શકે ત્યાર આમાં અન્ય કોણ કોણ સામેલ છે તેની યોગ્ય રીતે તપાસ થાય તો બીજા નામો પણ ખુલી શકે છે કે જે હાલ ભૂગર્ભમાં રહેલા છે.ત્યારે આ કેશિયર છેલ્લા કેટલાક વર્ષોથી અહીં સાગબારા શાખામાં જ નોકરી કરી રહ્યો છે જેની બદલી કરવા માટે પણ તાલુકામાંથી માંગ ઉઠી છે.

જોકે આ બાબતે સાગબારા પીએસઆઈ સી.ડી.પટેલ ને પૂછતા તેમણે જણાવ્યું કે ફરિયાદી ભોગ બનનાર ની અરજી લીધી છે, આજે બધા ને બોલાવ્યા છે ત્યારબાદ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરીશું.


Share to

You may have missed