September 7, 2024

ત્રીજી ટર્મમાં મોદી સરકાર ગૌહત્યા પર પ્રતિબંધ લાદશે: અમીત શાહ

Share to



પટણા તા.17

કેન્દ્રીય ગૃહપ્રધાન અમીત શાહે એવુ જાહેર કર્યુ છે કે ત્રીજી ટર્મમાં મોદી સરકાર ગૌહત્યા પર પ્રતિબંધ મુકી દેશે અને આવતા કૃત્યોમાં સામેલ લોકોને ઉંધા લટકાડીને સીધા કરવામાં આવશે.

બિહારમાં મધુબની તથા સિતામઢીમાં ચૂંટણી સભાને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે લોકોને ખાતરી આપી હતી કે અહીં ગૌહત્યા અને ગૌ તસ્કરી બંધ કરાવામાં આવશે.

એક ચૂંટણી રેલીને સંબોધતા તેમણે કહ્યું કે, મોદીજીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવો, જેઓ ગૌહત્યા કરશે તેમને ઉંધા લટકાવીને સીધા કરી દેવામાં આવશે. આ માતા સીતાની ભૂમિ છે. અહીં, ગૌહત્યા અને ગૌ તસ્કરી ચલાવી લેવામાં આવશે નહીં. આ મોદી સરકારની ગેરંટી છે. પીઓકે અમે લઈને જ રહીશું તે નિવેદનનો પણ તેમણે પુનરોચ્ચાર કર્યો હતો. મહિલા આરક્ષણ વિશે વાત કરતા તેમણે કહ્યું કે લાલુ યાદવ અને કોંગ્રેસ આટલા વર્ષોથી અહીં બેઠા હતા, આ તેમની છેલ્લી ટર્મ હોઈ શકે છે તેમ કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે એક ચૂંટણી રેલીને સંબોધીત કરતા જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે પીએમ મોદીએ સંસદ અને વિધાનસભામાં મહિલાઓને 33 ટકા અનામત આપવાનું કામ કર્યું છે. વિપક્ષી ગઠબંધને વડાપ્રધાન પદના ઉમેદવારની જાહેરાત ન કરવાને લઈને પણ શાહે તેમને આડા હાથે લીધા હતા. તેમણે કહ્યું કે સૌથી પહેલી વાત તો એ છે કે તેઓ જીતી જ શકતા નથી, અને જો જીતી પણ જશે તો તેમનો વડાપ્રધાન કોણ બનશે. તેઓ તો વારાફરતી વડાપ્રધાન બનવાની વાત કરે છે. તેમણે કહ્યું કે શું આ કરિયાણાની દુકાન છે? દેશને એક મજબૂત વડાપ્રધાનની જરૂર છે. વિપક્ષને લઈને અમીત શાહે કહ્યું કે આ લોકો એવી અફવા ફેલાવી રહ્યા છે કે જો પીએમ મોદી બહુમતી મેળવીને સરકાર બનાવશે તો અનામત ખતમ કરી દેશે. તેમને જૂઠું બોલતા પણ આવડતું નથી. અમારી પાસે છેલ્લા 10 વર્ષથી બહુમતી છે, શું અમે અનામત હટાવી દીધી છે?


Share to

You may have missed