September 7, 2024

સાગબારાના સેલંબા ખાતે ઝડપાયેલા 100 કવીંટલ  સરકારી અનાજ પ્રકરણમાં ભાજપના નેતા સહિત 8 લોકો સામે ફરિયાદ

Share to

સાગબારા મામલતદારની પ્રાથમિક તપાસ બાદ ફરિયાદ દાખલ થતા ભાજપનો નેતા મનીષ શાહ ભૂગર્ભમાં

સાગબારા તારીખ 26,7,24

સાગબારા તાલુકાના સેલંબા ખાતે સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ બહાર આવ્યા બાદ સાગબારા મામલતદાર શૈલેષ નિઝામા દ્વારા પ્રાથમિક તપાસનો દૌર શરૂ થયો હતો.જેમાં અનેક શકમંદો ના નિવેદનો લેવામાં આવ્યા બાદ તપાસના અંતે જિલ્લા પુરવઠા અધિકારીના હુકમને આધારે અનાજનો કાળો કારોબાર કરી સગેવગે કરવાના ગુન્હામાં 8 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ગત તારીખ 19 જુલાઈના રોજ સાગબારા તાલુકાના સેલંબા ખાતે પાંચપીપરી રોડ ખાતે આવેલા એક ખાનગી માલિકીના ગોડાઉનમાં સરકારી અનાજ સગેવગે કરવામાં આવી રહ્યું હતું જે ભરૂચના એક વ્યક્તિ દ્વારા સાગબારા મામલતદાર ને જાણ કરતા ટેમ્પો અને અનાજ સાગબારા મામલતદાર ને સોંપવામાં આવ્યું હતું.આમ આ સરકારી અનાજ ઝડપાઇ જતા નર્મદા કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારીની સૂચના થી સાગબારા મામલતદાર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.જેમાં સાગબારા મામલતદાર દ્વારા ખાનગી ગોડાઉનના માલિક, એફસીઆઈ ગોડાઉન મેનેજર, ડીએસડી કોન્ટ્રાક્ટર સહિત શકમંદો ની પૂછપરછ કરી નિવેદનો લીધા હતા.પરંતુ બનાવના દિવસે ઘટના સ્થળે ટેમ્પો નંબર GJ 22 T 1181 માંથી ઝડપાયેલા 8 બોરીઓ અને ગોડાઉનમાંથી ઝડપાયેલ 192 બોરીઓ કોની અને ક્યાંથી આવી તે બાબતે સ્પષ્ટ જવાબ મળ્યો ન હતો.જેના કારણે અનાજ બે નંબર માં કાળા બજારમાં સગેવગે થતું હોવાનું ખુલતા સાગબારા મામલતદાર શૈલેષ નિઝામા દ્વારા 8 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
રાજકીય વગ ધરાવતો અને રૂપિયાના જોરે ભાજપનો નેતા મનીષ શાહ ગુજરાત ના અનેક જિલ્લાઓમાં કોન્ટ્રાક્ટ ચલાવતો હતો.હાલમાં તેનો કોન્ટ્રાકટ નર્મદા,તાપી,વલસાડ,છોટા ઉદેપુર અને ગાંધીનગર જિલ્લામાં ચાલી રહ્યો છે.ત્યારે કહેવાય છે કે આ મનીષ શાહ વગ વાપરી કોન્ટ્રાકટ લઇ જે તે જિલ્લામાં માણસો ઉભા કરી કામગીરી સોંપી દેતો હતો અને મહિને પોતાની ટકાવારી લઈ લેતો હોવાનું જાણવા મળ્યું છે.નિગમના નિયમ અનુસાર પેટા કોન્ટ્રાકટ આપી ન શકાય તેમ છતાં રૂપિયાની લાલચમાં મનીષ શાહ પેટા કોન્ટ્રાકટ આપી દેતો હતો.જ્યારે કોઈ અનાજ સગેવગે થતું પકડાય ત્યારે પોતે બચી જાય અને જેને પેટા કોન્ટ્રાકટ આપ્યો હોય તે વ્યક્તિ ફસાય જાય તે માટે મનીષ શાહ વ્યવસ્થિત ષડયંત્ર કરતો હતો.

આ સેલંબા ખાતે ઝડપાયેલા સરકારી અનાજ પ્રકરણમાં દોષનો ટોપલો આનંદ વસાવા ઉપર નાખ્યો છે.અને પોતે કશું કર્યું ન હોવાની ડંફાસ હાંકી રહ્યો છે.ત્યારે આનંદ વસાવા પોતે એફસીઆઈ દુકાનદાર છે અને નિયમ અનુસાર કોઈ દુકાનદાર ને કામગીરી ન સોંપાય તેમ છતાં નિયમની ઉપરવટ જઇ મનીષ શાહે આનંદ વસાવા ને જ પોતાનો પ્રતિનિધિ કેમ બનાવ્યો તેનો સીધો સાદો જવાબ એ છે કે આનંદ વસાવા પોતે વ્યાજબી ભાવની દુકાનનો દુકાનદાર હોય અને તાલુકાની અન્ય વ્યાજબી ભાવની દુકાનોના દુકાનદારને ઓળખતો હોય તે સારી રીતે અનાજનું કટિંગ કરી શકે અને મોટાપાયે સરકારી અનાજનો કાળો કારોબાર કરી સગેવગે કરી શકે.
સેલંબા ખાતે સરકારી અનાજનો કાળો કારોબાર વર્ષોથી ચાલી રહ્યો છે અને નવનીત ચંપકલાલ શાહ તેનો મુખ્ય સૂત્રધાર છે.હવે તેનો પુત્ર સચિન નવનીત શાહ ભાજપના નેતા મનીષ શાહ સાથે મળી ને ધંધો ચલાવી રહ્યો છે ત્યારે ગરીબોના હક્કનું અનાજ લૂંટનારા આવા લૂંટારુઓને કડકમાં કક સજા થાય તેવી કાર્યવાહી કરવામાં આવે તેવી જનતા માથી માંગ ઉઠી છે.

અનાજ પ્રકારમાં જે 8 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેઓના નામ

ડીએસડી કોન્ટ્રાક્ટર અને સુરત જિલ્લાના ભાજપના યુવા મોરચાના સસ્પેન્ડ થયેલ નેતા મનીષ શાહ રહે,એ-6 શાંતિનિકેતન ,રામકબીર સોસાયટી,રેલવે ક્રોસિંગ પાસે,ચલથાણ,તા.પલસાણા જી.સુરત
ખાનગી ગોડાઉન માલીક સચિન નવનીત શાહ રહે,પાંચપીપરી રોડ સેલંબા તા,સાગબારા જી.નર્મદા
ગોડાઉન ભાડે રાખનાર શૈલેન્દ્રસિંહ બહાદુરસિંહ વસાવા રહે, ભવરીસાવર તા, સાગબારા જી.નર્મદા
ડીએસડી કોન્ટ્રાક્ટર નો પ્રતિનિધિ અને ટેમ્પો માલિક આનંદ વસાવા રહે,રોઝદેવ તા,સાગબારા જી,નર્મદા
જયકુમાર દિનેશભાઇ વસાવા વ્યાજબી ભાવની દુકાનનો સંચાલક રહે,બોરફીફળી તા,સાગબારા જી ,નર્મદા
સાગબારા એફસીઆઈ ગોડાઉન મેનેજર ભાવેશ ડાંગોદરા
ટેમ્પો ચાલાક રાજેન્દ્ર રામસિંગ વસાવા રહે,પાંચપીપરી તા,સાગબારા
ડીએસડી કોન્ટ્રાક્ટર ના પ્રતિનિધિ દૌલતભાઈ ભાંગાભાઈ નાઈક રહે, કોલવાણ બેડાપાણી તા, સાગબારા જી,નર્મદાનો સમાવેશ થવા જાય છે.

નિગમના અધિકારીઓ મનીષ શાહને છાવરતા હતા

ડીએસડી કોન્ટ્રાક્ટર મનીષ શાહ ની કામગીરી સદંતર ખરાબ હતી અને નિયમિતપણે ગાડીઓ મુકતો ન હતો અને વ્યાજબી ભાવની દુકાનો ઉપર સમયસર અનાજ પહોંચાડતો ન હતો.ત્યારે કહેવાય છે કે ભરૂચ ખાતે તેના કોન્ટ્રાકટ દરમ્યાન અનાજની ગાડીઓ જિલ્લા ના ગોડાઉન ઉપરથી તાલુકાના ગોડાઉન ઉપર જવાના બદલે મહાદેવ હોટલ ઉપર લઇ જતો હતો.અને જ્યારે ગાડીઓ તાલુકાના ગોડાઉન ઉપર આવતી ત્યારે તેમાં અનાજની ઘટ આવતી હતી.ભાજપનો નેતા હોય દાદાગીરી થી પોતાનો કોન્ટ્રાકટ ચલાવતો હતો.નિગમના અધિકારીઓ પણ તેને માત્ર નોટિસ ફટકારી સંતોષ માનતા હતા.અને જેથી તેની હિંમત ખુલતા અનાજનો કાળો કારોબાર કરવાનો મોકો મળ્યો હોવાનું જાણવા મળ્યુ છે.

પોલીસ ફરિયાદ થતાંજ મનીષ શાહ ભૂગર્ભમાં ઉતરી ગયો

પોલીસ ફરિયાદ થતા જ ભાજપનો સસ્પેન્ડ થયેલો નેતા મનીષ શાહ ભૂગર્ભમાં ઉતરી ગયો હોવાનું જાણવા મળ્યું છે.ગરીબોના હક્કનું અનાજ સગેવગે કરવામાં ભાજપના આ નેતાની સંડોવણી સામે આવ્યા બાદ ભાજપની છબી ખરડાઈ છે.એક તરફ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના 80 કરોડ ગરીબ લોકોને મફત અનાજ મળી રહે તે માટે યોજના ચાલુ રાખી છે.ત્યારે મનીષ શાહ જેવા અનાજ માફિયાઓ ભાજપનો ખેસ પહેરી નેતાઓ અને મંત્રીઓ સાથે ફોટાઓ પડાવી સોશિયલ મીડિયામાં મૂકીને ગરીબોના હક્કનું અનાજ ચોરી કરી રહ્યા છે.ત્યારે હવે આગળની વધુ તપાસ સાગબારા પોલીસ ના હાથ માં છે ત્યારે પોલીસ દ્વારા આ મામલે ઊંડી તપાસ હાથ ધરી અનાજ માફિયાઓને કડક માં કડક સજા થાય તે દિશામાં કાર્યવાહી હાથ ધરે તે જરૂરી બન્યું છે.

તપાસનો દોર પૌવા,મમરા અને લોટ ફેકટરીઓ સુધી પહોંચે તે પણ જરૂરી

સાગબારા તાલુકા સહિત નર્મદા જિલ્લામાં આવેલા અન્ય તાલુકાઓમાં પણ અનાજનો કાળો કારોબાર ચાલતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે સરકારી અનાજ સગેવગે કરી જે પૌવા મમરા અને ઘઉંના લોટની ફેકટરીઓ સુધી આ સરકારી અનાજ પહોંચાડવામાં આવતું હોય છે ત્યાં સુધી તપાસનો દોર પહોંચે તે પણ જરૂરી બન્યું છે.અને આ અનાજના કાળા કારોબારમાં સંડોવાયેલ ફેકટરીઓના સંચાલકોને પણ સજા થાય તે દિશામાં કાર્યવાહી કરવામાં આવે તે પણ જરૂરી છે જેથી બીજી વાર સરકારી અનાજનો જથ્થો બે નંબરમાં ખરીદી ન શકે.


Share to

You may have missed