DNS NEWS બ્રેકિંગ:- લ્યો બોલો વાલીયા પોલીસ સ્ટેશન નો પોલીસકર્મીએ જ જપ્ત કરાયેલા દારૂમાંથી 31 લાખનો દારૂ સગેવગે કરી નાખ્યો, એસપીએ તપાસ કરાવતા ભાંડો ફૂટ્યો

Share to





વાલિયા પોલીસ સ્ટેશનમાં ક્રાઇમ રાઇટર હેડ તરીકે ફરજ બજાવતાં હેડ કોન્સ્ટેબલે જ પોલીસ સ્ટેશનમાં જમા વિદેશીદારૂના મુદ્દામાલમાંથી કુલ 23,638 નંગ બોટલ કિંમત રૂ.31 લાખનો મુદ્દામાલ સગેવગે કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.વાલિયા પોલીસે તેની સામે સરકારી કર્મચારી હોવા છતાં સરકારી મિલકતનો પોતાના અંગત લાભ માટે સગેવગે કરી વિશ્વાસઘાત કરવા સબબનો ગુનો નોંધ્યો છે.



વાલિયા પોલીસ સ્ટેશનમાં અગાઉ ક્રાઇમ રાઇટર તરીકે ફરજ બજાવતાં અહેકો જગદિશ ધનજીભાઈ વસાવા વિદેશીદારૂની હેરાફેરીમાં બુટલેગરની મદદ કરતો હોવાનો ઘટસ્ફોટ થતાં તેને બે મહિના પહેલાં સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.તેનો ક્રાઈમ રાઈટર તરીકેનો ચાર્જ મેહુલ કનુભાઈને સોંપવામાં આવ્યો હતો.પોલીસ સ્ટેશનમાં કબ્જે કરાયેલો વિદેશીદારૂની તપાસણી કરવા એસપી દ્વારા સુચના આપતાં એક ટીમે ચકાસણી કરતાં ચોંકાવનારી વિગતો સપાટી પર આવી હતી.

જેમાં સસ્પેન્ડ કરાયેલાં જગદિશ વસાવાએ તેની ફરજ દરમિયાન પોલીસ સ્ટેશનમાં જમા કરેલો વિદેશીદારૂના મુદ્દામાલમાંથી તબક્કાવાર રીતે કુલ 31 લાખની મત્તાનો વિદેશીદારૂનો જથ્થો સગેવગે કર્યો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.જેના પગલે તેની સામે વાલિયા પોલીસે સરકારી કર્મચારી હોવા છતાં સરકારી મિલકતનો મુદ્દામાલ પોતાના અંગત લાભ માટે સગેવગે કરી વિશ્વાસઘાત કરવા સબબનો ગુનો નોંધ્યો છે.ત્યારે મામલાની તપાસ એલસીબી પીઆઇ મનિષ વાળાને સોંપવામાં આવી છે.

પોલીસેકર્મીએ કયા કયા વર્ષે કેટલો દારૂ સગેવગે કર્યો આ પોલીસ ક્રાઈમ રાઈટરે તેની ફરજ દરમિયાન વર્ષ 2021 માં દારૂ અને બિયરની નાની મોટી બોટલો મળી કુલ 1682 નંગની ઘટ કરી હતી.વર્ષ 2022 કુલ 19194 નંગ બોટલોની ઘટ હતી.જ્યારે વર્ષ 2023 માં કુલ 2762 બોટલોનો ઘટ કરી હતી.જેમાં બિયર અને દારૂની નાની મોટી બોટલો મળી કુલ 23,638 નંગ જેની કિંમત રૂ.31,00,410 નો મુદ્દામાલ સગેવગે કર્યો હોવાનું ફરિયાદમાં નોંધાયું છે.

વાલિયા-નેત્રંગ માર્ગ ઉપર વાગલખોડ ગામના નવાપરા ફળિયા પાસે માર્ગની બાજુની સાઈડમાં નંબર- GJ- 16-BG-9490 પલ્ટી ગયેલી ઇક્કો કારમાંથી વિદેશ દારૂની 158 નંગ બોટલ મળી આવી હતી.જેમાં પોલીસે કુલ દારૂ સાથે રૂ.1.50 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.જેમાં વાલીયા પોલીસમાં ફરજ બજાવતો અહેકો જગદિશ ધનજીભાઈ વસાવા દારૂની હેરાફેરીમાં બુટલેગરોને મદદ કરતો હોય તેનું નામ ખુલ્યું હતું.જે કેસમાં તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતો.

આરોપીના રીમાન્ડ મેળવી વધુ તપાસ કરાઈ રહી છે હાલતો સસ્પેન્ડ પોલીસ હેડ કોન્સ્ટેબલ જગદીશ વસાવાને LCB પોલીસે ઝડપી પાડી રીમાન્ડ મેળવી આ મામલે ઘનિષ્ઠ પુછતાજ કરાઈ રહી છે.જ્યારે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ પોલીસે ત્રણથી ચાર લોકોને પકડી તેમની પણ આ મામલે પુછતાછ ચાલી રહી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.જોકે આ સમગ્ર મામલે પોલીસ અધિકારીઓ પત્રકાર પરિષદ યોજી સંપૂર્ણ માહિતી આપે તેની રાહ જોવાઇ રહી છે


Share to