September 7, 2024

જૂનાગઢમાં લેઉવા પટેલ સમાજનાં કર્મચારીઓનો સ્નેહમિલન સમારોહઅનેલેઉવા પટેલ મહિલા સહિયરગ્રુપ દ્વારા મહિલાઓ માટે નિદાન કેમ્પ અને કેન્સર જાગૃતિ માર્ગદર્શન કાર્યક્રમમા યોજાયો

Share to



જૂનાગઢ જૂનાગઢ અને ગિરસોમનાથ જિલ્લામાં સરકારી, અર્ધસરકારી, સહકારી, અને ખાનગી પ્રકલ્પોમાં નોકરી કરતા સેવાકર્મીઓ દ્વારા સમાજસેવાનાં ભાવ સાથે સંગઠીત શ્રી સરદાર પટેલ કર્મચારી મંડળનો તૃતિય સ્નેહમિલન કાર્યક્રમ દોમડીયા વાડીનાં મધ્યસ્થ ખંડમાં યોજાયો હતો.
કાર્યક્રમને દિપપ્રગટ્યથી જિલ્લા પંચાયતનાં પ્રમુખશ્રી હરેશભાઇ ઠુમરે ખુલ્લો મુક્યો હતો. આ પ્રસંગે વિશિષ્ઠ સિધ્ધી હાંસલ કરનાર કર્મચારીઓ અને અધિકારીઓની કાર્યનિષ્ઠાને બીરદાવી સન્માનિત કરાયા હતા.
શ્રી સરદાર પટેલ કર્મચારી મંડળનાં હોદેદારોએ જૂનાગઢ જિલ્લા ખોડલધામની યુવા ટીમનાં લોકસેવાનાં કાર્યને બિરદાવી ખોડલધામનાં સેવાભાવી યુવાનોનું સન્માન કર્યુ હતુ.
કાર્યક્રમનાં પ્રારંભે શ્રી સરદાર પટેલ કર્મચારી મંડળનાં પ્રમુખશ્રી હરેશભાઇ વઘાસિયાએ મંડળની પ્રવૃતિની વિગતો આપતા જણાવ્યુ હતુ કે દરેક જીવ પોતાનાં માટે તો જીવે જ છે, પરંતુ બીજા માટે કશુક કરી છુટવાની વાત તો માનવજીવ જ કરી શકે છે. શ્રી સરદાર પટેલ કર્મચારી મંડળ એ માત્ર લેઉવા પટેલ સમાજનાં કર્મચારી અને અધીકારીઓ દ્વારા સંગઠીત મંડળ છે. પરંતુ મંડળ દ્વારા જ્ઞાતિ-સમાજનાં વાડાઓથી ઉપર ઉઠીને સર્વજન હિતાય- સર્વજનસુખાયની ઉદાત ભાવના સાથે કાર્ય કરી રહ્યુ છે. જેમાં લોકોનાં જન આરોગ્યની ખેવના કરવા ચિકીત્સા શિબીર હોય, કે પછી ગરીબ પરિવારનાં તેજસ્વી છાત્રોને ઉચ્ચ અભ્યાસ માટે સહાયની વાત હોય, કે પછી કુદરત આધારીત પ્રકોપ સમયે રાહત અને મદદની કામગીરી હોય આમ કર્મચારીઓ સદૈવ પોતાથી થાય તેટલુ સમાજહિતમાં પોતાની ફરજ ઉપરાંત યોગદાન જોડી રહ્યા છે. ગરીબ પરીવારને બિમારી સમયે રક્તની જરુરત હોય કે થેલેસેમિયા ગ્રસ્ત બાળકને લોહીની ખપત હોય આવા સમયે સરદાર પટેલ કર્મચારી મંડળ અને લેઉવા પટેલ સમાજનાં યુવાનો સહાયતા કરી રહ્યા છે. આજે જૂનાગઢ અને ગીરસોમનાથ જિલ્લામાં ફરજ બજાવતા અને સેવાનિવૃત કર્મયોગીઓનું સહપરીવાર સ્નેહમિલન લોકસેવા માટે અસરકાર અને અસરદાર પુરવાર થશે.
આ પ્રસંગે કાર્યક્રમનાં અધ્યક્ષ અને હેતલઆર્ટ જૂનાગઢનાં નિયામક શ્રી મથુરભાઇ રીબડીયાએ જણાવ્યુ હતુ કે જીવનમાં શિક્ષણ ખુબ મહત્વનું છે. પ્રત્યેક વ્યક્તિમાં ઉંચી ઉડાનની ક્ષમતા હોય જ છે. માત્ર મક્કમ મનોબળ અને સરદાર વલ્લભભાઇ પટેલનાં જીવનપથને અનુસરવાની જરૂર છે. આજે વિશ્વ બુધ્ધિના માપદંડો પર વિકાસ સાધી રહ્યો છે. ત્યારે આપણાં સુસંસ્કૃત અને સંસ્કારી ભારતવર્ષનાં યુવાધન પોતાની બુધ્ધી ક્ષમતાથી વિશ્વને પોતાની કાબેલીયત પુરવાર કરવા સક્ષમતા ધરાવે છે.
કાર્યક્રમનાં ઉદઘાટક જિલ્લા પંચાયતનાં પ્રમુખશ્રી હરેશભાઇ ઠુમરે જણાવ્યુ હતુ કે સમાજ કે રાષ્ટ્રજીવનનું કોઇપણ અંગ હોય સંગઠનમાં જ શક્તિ છે. સંગઠનનું અનેરૂ સ્થાન છે. ટોળા અને શિસ્તબદ્ધ સંગઠનમાં ફરક છે. એક ગીત પંક્તિ છે કે સંગઠન ગઢે ચલો સુપંથ પર બઢે ચલો, ભલા હો જીસ મેં દેશ કા વહ કામ સબ કીયે ચલો… સંગઠન એ બધી શક્તિઓનું મૂળ છે. દરેક વર્ગમાં એકતાવિના દેશ કદી પ્રગતિ કરી શકતો નથી. એકતામાં મહાન શક્તિ છે. એકતાનાં બળ પર મજબુત શત્રુને પણ પરાજીત કરી શકાય છે. સમાજનાં તમામ ઘટકોમાં જૂદાજૂદા મંતવ્યો અને વિવિધ માન્યતાઓ હોવા છતાં પરસ્પર પ્રેમ, એકતા, અને ભાઇચારો જાળવવો એ એકતાનો અર્થ છે. એકતામાં માત્ર શારિરીક નિકટતા મહત્વપુર્ણ નથી, પરંતુ તે માટે બૈાધ્ધિક, વૈચારિક અને ભાવાત્મક નિકટતાની જરૂર છે. જે નિકટતા આજે સરદાર પટેલ કર્મચારી મંડળનાં નેજા તળે લેઉવા પટેલ સમાજનાં કર્મયોગીઓ કરી રહ્યા છે.
જૂનાગઢ મહાનગર પાલીકાનાં ખડીસમિતીનાં ચેરમેન હરેશભાઇ પરસાણાએ કર્મચારીઓની સેવા પ્રવૃતિને બિરદાવી જણાવ્યુ હતુ કે સેવા એ જ પરમોધર્મના ભાવ સાથે સમાજનાં બાંધવો જ્યારે જ્ઞાતી જાતિની ભેદરેખાને ઓળંગીને સેવાભાવથી કાર્ય કરતા હોય ત્યારે સમાજનાં અગ્રણી તરીકે ગેારવ થાય છે.
આ તકે આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક શ્રી આર. એસ. પટેલનાં માર્ગદર્શન થી વર્ષાબેન રાદડીયા અને પારૂલબેન પ્રજાપતિ તથા જૂનાગઢ લેઉવા પટેલ મહિલા સહીયર ગ્રુપનાં ભદ્રાબેન વૈશ્નવ અને મિત્તાબેન લીલાની ટીમ દ્વારા સ્તન કેન્સરની વિકરતી જતી સમસ્યાઓને ધ્યાનમાં રાખી આ સેવાકીય કાર્યક્રમ અંતર્ગત સ્તન કેન્સર સ્ક્રીનીંગ ચેકઅપ તથા જાગૃતિ કાર્યક્રમ નું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું
હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો નું ચેકઅપ સાથે જાગૃતિ કાર્યક્રમમાં બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ બુકલેટનું વિતરણ કરવામાં આવ્યું.
આ તકે નાયબ ખેતિ નિયામક એસ.એમ. ગધેસરીયા, કાર્યપાલક ઈજનેર પી.ડી. હિરપરા, બોડેલીની કાપડીયા કોલેજનાં આચાર્ય હસમુખ કોરાટ, કોમર્સ કોલેજનાં આચાર્ય મગનભાઇ ત્રાડા, મહીલા આર્ટસ કોલેજનાં આચાર્ય ઝમકુબેન સોજીત્રા, ઓર્થોપેડીક સર્જન ડો. ધ્રુવિત વોરા, ડો. ચિંતન ટીલાળા, શ્રધ્ધાબેન સાવલીયા, ખોડલધામ યુવા સમિતીનાં મિતેષ રાદડીયા, સરદારધામ યુવા તેજ કન્વીનર પ્રકાશ ભંગડીયા અને કપિલભાઇ સુદાણી, હેતલઆર્ટનાં કૈાશિક રીબડીયા, ભેસાણ પાટીદાર કર્મચારી મંડળનાં મિતેષ માથુકીયા, કિશોર સેલડીયા, ટેલીફોન સલાહકાર સમિતીનાં સભ્ય ભાવેશ ક્યાડા, પેન્સીલ આર્ટનાં કસબી હિતેન્દ્ર નાગાણી, ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું સફળસંચાલન પ્રા. ધીરૂભાઇ દોમડીયાએ અને આભાર દર્શન પી.ડી. ગજેરાએ સંભાળ્યુ હતુ. કાર્યક્રમને સફળ બનાવવા કર્મચારી મંડળનાં હોદેદારોએ જહેમત ઉઠાવી હતી.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed