અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રીશ્રી પેમા ખાંડુ સહિત આદિજાતિ સમુદાયના પ્રતિનિધિ મંડળનું એકતાનગર ખાતે “સન્માન સાથે સ્વાગત”

Share toઆંતરરાષ્ટ્રીય પર્યટન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીની સફળતાનાં સૂત્રને અરૂણાચલ પ્રદેશમાં અમલીકૃત કરીશું :- શ્રી પેમા ખાંડુ, મુખ્યમંત્રીશ્રી – અરૂણાચલ પ્રદેશ

આંતરરાષ્ટ્રીય પર્યટન સ્થળ SOU ની સફળતા તેમજ સ્થાનિક આદિવાસીઓના સર્વાંગી વિકાસથી પ્રભાવિત થતા મુખ્યમંત્રીશ્રી ખાંડુ

અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત સ્થાનિક આદિવાસીઓના સર્વાંગી વિકાસના સિદ્ધાંત સાથે આગળ વધવા પ્રતિબદ્ધ : SoUADTGA ના સીઈઓશ્રી ઉદિત અગ્રવાલ

રાજપીપલા, રવિવાર :- સરદાર સાહેબની વિશ્વની સૌથી ભવ્ય પ્રતિમા, સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરના સાનિધ્યમાં ટેન્ટસીટી-૨ ખાતે અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રીશ્રી પેમા ખાંડુ, કેબિનેટના વરિષ્ઠ મંત્રીશ્રીઓ તથા આદિજાતિ સમુદાયના પ્રતિનિધિ મંડળ દ્વારા ગુજરાત ટુરિઝમના વિકાસ મોડેલ અને તેની સફળતાથી રૂબરૂ થવાના ઉમદા આશય સાથે બેઠક યોજાઈ હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીએ ટૂંકાગાળામાં વૈશ્વિક સ્તરે મેળવેલી ખ્યાતિ અને રોજગારી થકી સ્થાનિક આદિવાસી લોકોના સર્વાંગી વિકાસ અંગે આ બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી.

અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રીશ્રી પેમા ખાંડુની ૨૬ મુખ્ય આદિજાતિ સમુદાયના પ્રતિનિધિઓ સાથેની આ એક્સપોઝર વિઝિટના આયોજન બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે પ્રસ્થાપિત થયેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ટૂંક સમયમાં નિર્માણ અને સ્થાનિક આદિવાસી લોકોને ઉપલબ્ધ થયેલ રોજગાર અંગે માહિતગાર થયા છીએ. ગુજરાત ટુરિઝમ, રૂરલ ટુરિઝમ, ટુરિઝમ હેરિટેજ સહિત ગુજરાતને ટુરિઝમ ક્ષેત્રે મળી રહેલ સફળતા અને ઉભી થયેલ રોજગારની તકથી પરિચિત થયા બાદ અમને સંપૂર્ણ આદિવાસી વિસ્તાર ધરાવતા અરુણાચલ પ્રદેશમાં આવા ઇનોવેટિવ અને સફળ મોડેલને અમલીકૃત કરીને સમુદાયના લોકો માટે તકો ઉભી કરીને આગળ વધવામાં મદદરૂપ નિવડશે.

આ પ્રસંગે SoUADTGA ના સીઈઓશ્રી ઉદિત અગ્રવાલે જણાવ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સ્થાનિક આદિવાસી લોકોને વિવિધ ભાષાકીય તાલીમ આપીને ગાઈડ સ્વરૂપે તેમજ (ઇલેક્ટ્રિક ઓટો) પિંક ઓટો થકી સ્થાનિક મહિલાઓ માટે રોજગારની તક ઉભી કરીને તેમના જીવનશૈલીમાં ઉત્તરોત્તર સુધારો લાવવામાં સફળતા મળી છે. અહીં સખીમંડળની બહેનો માટે પણ રોજગારની તકો ઉભી થઈ છે. સીઈઓશ્રીએ વધુમાં ઉમેર્યુ કે, અમે આદિજાતિ વિકાસના સિદ્ધાંત સાથે આગળ વધી રહ્યા છે. આજે કેન્ટીન “એકતા થાળી” સહિત મેકડોનાલ્ડ જેવી મોટી બ્રાન્ડમાં પણ સ્થાનિક બહેનો કુશળતાપૂર્વક કામ કરી રહી છે.

નર્મદા જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ સહિત ગુજરાત ટુરિઝમના અધિકારીશ્રીએ પણ “ખુશ્બુ ગુજરાત કી” થીમ પર પ્રેઝન્ટેશન થકી તૈયાર કરેલી નર્મદા જિલ્લા સહિત ગુજરાત રાજ્યના ટુરિઝમ સ્થળો અને ટુરિઝમ ઇન્ડસ્ટ્રીઝના વિકાસનો ચિતાર “ટીમ અરુણાચલ” સમક્ષ રજુ કર્યો હતો.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ખાંડુ અને સંબંધિત મહેમાનો (આદિજાતિ પ્રતિનિધિઓનું મંડળ) એ વિવિધ પ્રોજેક્ટ્સમાં ફરજ બજાવતા કર્મચારીઓ સાથે સીધો સંવાદ કરીને તેમની જીવનશૈલીમાં આવેલા સકારાત્મક પરિવર્તન, SOU સહિત તમામ પ્રોજેક્ટ્સની સફળતા તથા એકતાનગર ખાતે ઇલેક્ટ્રિક વાહન થકી ગ્રીન એનર્જીને પ્રોત્સાહિત કરવાની કામગીરીથી પ્રભાવિત થયા હતા.

“ટીમ અરૂણાચલ” ની “એક્સપોઝર ટુર બાદ મહેમાનોએ જણાવ્યું હતું કે, ગુજરાતની આ મુલાકાત અમારા માટે ખાસ છે, અહીંના લોકોનું એકતા, અનુશાસન, વ્યવહાર અને સ્વચ્છતાથી અમે પ્રભાવિત થયા છે. અનુશાસન થકી અહીંનો વિકાસ સંભવ થયો છે, અરુણાચલ પ્રદેશમાં પણ હાઇડ્રોપાવર તથા ટુરિઝમ પ્રોજેકટને અમલી બનાવવા માટે અમને ખુબ મદદ મળી રહેશે.

આ પ્રસંગે “ટીમ અરૂણાચલે” SoUADTGA ના સીઈઓશ્રી ઉદિત અગ્રવાલ, અધિક કલેક્ટરશ્રી ધવલ જાની સહિત ગુજરાત ટુરિઝમના અધિકારીશ્રીઓને પરંપરાગત પોષાક પહેરાવીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે અરુણાચલ પ્રદેશ રાજયના નાયબ મુખ્યમંત્રીશ્રી ચોવના મે, મંત્રી શ્રી સર્વશ્રી વાંગ્કી લોવાંગ, શ્રી આલો લિબાંગ, શ્રી બામંગ ફેલિકસ અને રાજયના વરિષ્ઠ અધિકારીશ્રીઓ સહિત અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.


Share to