નર્મદા જિલ્લામાં ત્રણ મહત્વના કાર્યક્રમોમાં લોકજૂવાળનો મહાસાગર ઉમટ્યોનર્મદા નદી કિનારે પંચકોશી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા શાંતિપૂર્ણ રીતે ભક્તિભાવ પૂર્ણ રીતે સંપન્ન

Share toશુલપાણેશ્વર મહાદેવ મંદિરે ગોરા ખાતે યોજાતો ત્રિ-દિવસીય લોકમેળો શ્રદ્ધા -ભક્તિભાવપૂર્ણ રીતે સંપન્ન થયો

સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગર ખાતે આજથી શરૂ થયો સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ : પ્રથમ પડાવમાં 300 યાત્રિકો એકતાનગરના વિવિધ પ્રકલ્પોની મુલાકાતે

એકતાનગર ખાતે મોડી રાત્રી સુધી યાત્રિકો માટે ખાસ વ્યવસ્થા ઊભી કરાઈ, રહેવા-જમવા, નર્મદા ઘાટની આરતી, લાઈટ એન્ડ સાઉન્ડ શો જોઈને યાત્રિકો ભાવ વિભોર બન્યા

અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબના ગુણગાન તમિલ લોકોએ ગાયા

એક ભારત શ્રેષ્ઠ ભારતનો મંત્ર યાત્રિકોના દિલમાં જાગી ઉઠ્યો : પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના
સ્વપ્નને નજરે નિહાળી અભિભૂત થયા પ્રવાસીઓ

રાજપીપળા, ગુરૂવાર :- નર્મદા જિલ્લામાં ત્રણ મહત્વના કાર્યક્રમોમાં લોકજૂવાળનો મહાસાગર ઉમટી પડ્યો હતો. ખાસ કરીને પુણ્ય સલિલા માં નર્મદા નદી કિનારે ચૈત્ર માસ દરમિયાન યોજાતી પંચકોશી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં સતત એક મહિના સુધી ભાવિકોએ 22 કિમીની પરિક્રમા કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. ચૈત્રિ અમાસના રોજ નર્મદા સ્નાનના અનેરા મહત્વ સાથે આ પરિક્રમા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર વહીવટી તંત્ર, જિલ્લા સંગઠન અને સ્થાનિક આશ્રમના સંચાલકો, આગેવાનોના સહયોગથી શાંતિપૂર્ણ અને ભક્તિભાવ માહોલમાં સંપન્ન થઈ છે.

જિલ્લામાં ગરૂડેશ્વર તાલુકાના ગોરા ગામ ખાતે આવેલા શુલપાણેશ્વર મહાદેવ મંદિરે ચૈત્રિ અમાસે પ્રતિ વર્ષ ત્રિ-દિવસીય ભાતીગળ મેળો યોજાય છે. આ મેળામાં મહાલવા તથા શુલપાણેશ્વર મહાદેવના દર્શનાર્થે ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે. આ મેળા સાથે ચૈત્રિ અમાસે નર્મદા સ્નાન કરી ભક્તો ધન્યતા અનુભવતા હોય છે. આ ત્રિ-દિવસીય લોકમેળામાં શ્રદ્ધાળુઓ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવતા નિર્વિધ્ને શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્ણ રીતે સંપન્ન થયો છે.
દરમિયાન નર્મદા જિલ્લામાં આજે તા.20/04/2023ને ગુરૂવારના રોજ સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગર ખાતે આજે પ્રથમ પડાવમાં 300 યાત્રિકો આવી પહોંચતા એકતાનગર ખાતે તેમનું જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા સંગઠનના આગેવાનો-પદાધિકારીશ્રીઓ દ્વારા ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આસપાસના વિવિધ પ્રકલ્પોની મુલાકાત લઈને અત્યંત ખુશીની લાગણી વ્યક્ત કરી રહ્યાં હતા. એકતાનગર ખાતે મોડી રાત્રી સુધી સૌરાષ્ટ્રીયન યાત્રિકો માટે ખાસ વ્યવસ્થા ઊભી કરાઈ હતી જેમાં રહેવા-જમવા, નર્મદા ઘાટની આરતી, લાઈટ એન્ડ સાઉન્ડ શો જોઈને યાત્રિકો ભાવ વિભોર બન્યા હતા. માત્ર એટલું જ નહીં પણ અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબના સાનિધ્યમાં પહોંચી સરદાર સાહેબની ફોટો ગેલેરી, થિએટર, વ્યૂઈંગ ગેલેરી સાથે સરદાર સાહેબની વિરાટ પ્રતિમા નિહાળી ભાવ વિભોર બન્યા હતા. તેમના ગુણગાન ગાતા તમિલ લોકોના દિલમાં એક ભારત શ્રેષ્ઠ ભારતનો મંત્ર જાગી ઉઠ્યો હતો અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની કાયમી યાદગીરી માટે સમૂહ તસવીર અને સેલ્ફી પણ કેમેરામાં કેદ કરી હતી. તેમજ સરદાર સરોવર ડેમની વિશાળ જળરાશીને જોઈને ઘેલા બન્યા હતા. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને નજરે નિહાળી પ્રવાસીઓ અત્યંત અભિભૂત થયા હતા. સરદાર સાહેબની વિશાળ પ્રતિમાના સાનિધ્યમાં સપ્તરંગી લેસર શો જોઈને ધન્યતા અનુભવી હતી. આમ, નર્મદા જિલ્લામાં હાલમાં ત્રણ મહત્વના કાર્યક્રમોમાં લોકજૂવાળનો મહાસાગર ઉમટ્યો હતો અને લોકમાતા નર્મદાના દર્શન-સ્નાનથી મહિમાભાવ વ્યક્ત કર્યો હતો.


Share to