DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

હનુમાન જયંતીના પાવન અવસરે સાળંગપુર ખાતે કષ્ટભંજનદેવ મંદિરમાં પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

Share to





અમિત શાહે કહ્યું કે દેશભરમાં ભારતીય સંસ્કૃતિ અને તીર્થસ્થાનોના પુનરુત્થાનનું વિરાટ કાર્ય નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયું

– વિદેશોમાંથી ૩૬૦ જેટલી પ્રાચિન પ્રતિમાઓનું પુનઃસ્થાપન છેલ્લા ૯ વર્ષમાં થયું
– પવિત્ર ગંગા નદીનું ગુણાત્મક શુદ્ધિકરણ, ભારતીય ભાષાનું સન્માન વધારવાનું કામ વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં થયું

કેન્દ્રીય ગૃહમંત્રીએ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં શીશ નમાવી સમગ્ર રાષ્ટ્રના કલ્યાણ સાથે કષ્ટભંજનદેવની કૃપા હંમેશા વરસતી રહે તેવી કરી પ્રાર્થના

સાળંગપુર સ્થિત કષ્ટભંજન દેવ મંદિરમાં નૂતન ભોજનાલયની તકતીનું અનાવરણ કરતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ



સાળંગપુરમાં કષ્ટભંજન દેવ ભોજનલયના લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ગોપાળાનંદ સ્વામીના હસ્તે પ્રતિષ્ઠિત શ્રી સાળંગપુર ધામમાં આ ભવ્ય પ્રતિમાના લોકાર્પણ નિમિતે આજે ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો એ ગૌરવની વાત છે. તેમણે કહ્યું કે, કોઈપણ વ્યક્તિના જીવનમાં આવતા દુઃખ દર્દ અને સંકટ આવે ત્યારે શ્રી કષ્ટભંજન દેવની યાદ આવે. જેનો વ્યક્તિગત અનુભવ મને પણ છે.

અમિત શાહે ઉમેર્યું કે, શ્રી ગોપાળાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીની કરેલી આજીવન સેવાનું પુણ્ય આ હનુમાનજીની મૂર્તિ પ્રતિષ્ઠામાં મૂક્યું જેનો પ્રતાપ આપણે સહુ અનુભવી રહ્યા છીએ. દાદાના દર્શને આવતા તમામ ભાવિકોને સારી રીતે દર્શન થાય એટલું જ નહીં ભોજન પ્રસાદની ઉત્તમ સુવિધા મળે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું કદાચ આ પહેલું તીર્થસ્થાન બન્યું છે. એમ તેમણે ઉમેર્યું હતું.

ભારતીય જનતા પાર્ટીના સ્થાપના વિશે જણાવતા અમિત શાહે જણાવ્યું કે, પૂર્વ વડાપ્રધાન અટલજીબિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીજીએ મુંબઈમાં ભારતીય જનતા પક્ષની સ્થાપના કરી હતી. દાદાના પ્રતાપે આજે ૧૬ રાજ્યો અને ૪૦૦થી વધુ બેઠકો સાથે કેન્દ્રમાં સરકાર છે.

તેઓશ્રીએ ઉમેર્યું કે, છેલ્લા ૧૦ વર્ષમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય સંસ્કૃતિનો ધ્વજ વિશ્વભરમાં બુલંદ કરવાનું કામ થયું છે. ૫ ઓગષ્ટ ૨૦૨૧ના રોજ શ્રી નરેન્દ્રભાઈની ઇચ્છાશક્તિથી ૩૭૦ની કલમ નાબૂદ થઈ. આ પગલાંથી ભારતના સામાન્ય નાગરિકોના મનમાં સંતોષ થયો. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં ભારતીય સંસ્કૃતિના તીર્થસ્થાનોના જીર્ણોદ્ધારનું વિરાટ કાર્ય થયું. કેદારનાથ ધામ, શ્રી કાશી વિશ્વનાથ કોરિડોર, અંબાજીમાં ભવ્ય મંદિર, સોમનાથને સુવર્ણ જડિત કરવાનું કામ, પાવગઢમાં સદીઓ બાદ ધર્મ ધજા લહેરાવવાનું કામ સહિતના કાર્યો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ માટે હજારો સંતો અને વીર યોદ્ધાઓએ બલિદાન આપ્યું, શ્રી રામ મંદિરનું નિર્માણ એ તેમનું સૌથી મોટું સન્માન છે. એમ તેમણે ઉમેર્યું હતું.

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશહિતમાં કઠોર ર્નિણય લઈને સારા પરિણામ લાવી બતાવ્યા છે. વિશ્વભરના લોકોને યોગના રસ્તે વાળવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું. દેશ અને દુનિયામાં સરદાર સાહેબને ખ્યાતિ અપાવતું સ્ટેચ્યુ ઓફ યુનિટી, પવિત્ર ગંગા નદીનું ગુણાત્મક શુદ્ધિકરણ જેવા કાર્યો આ ૯ વર્ષમાં થયા જેનો તમામ ભારતવાસીઓને આનંદ છે. આ ઉપરાંત વિદેશમાંથી ૩૬૦ પૌરાણિક મૂર્તિઓને નિજ મંદિરમાં પુનઃ સ્થાપવાનું કામ અને ભારતીય ભાષાઓને સન્માન અપાવવાનું કામ વડાપ્રધન નરેન્દ્ર મોદીએ કર્યું એમ તેમણે ઉમેર્યું હતું.

કષ્ટભંજન દેવના સ્થાનકમાં ગોપાળાનંદ સ્વામીએ પુણ્યોથી સીંચેલી આ ભૂમિમાં ભવ્ય પ્રતિમાની સ્થાપના અને પ્રસાદ માટે ભોજનશાળાના સુંદર આયોજન બદલ અમિત શાહે આચાર્ય મહારાજ શ્રી રાકેશપ્રસાદજી, સર્વ સંતો અને હરિભક્તોને અભિનંદન પાઠવવાની સાથે તેઓ દ્વારા ઉપસ્થિત સહુને હનુમાન જયંતીની શુભકામનાઓ પાઠવી હતી.


Share to

You may have missed