November 19, 2024

ઝઘડીયા તાલુકાના ફિચવાડા ગામે ચુંટણીની અદાવતે પિયરમાં આવેલ યુવતીને માર માર્યો….

Share to

બે ઇસમોએ જાતિ વિષયક અપશબ્દો બોલતા પોલીસમાં ફરિયાદ….

ડી એન એસ ન્યૂઝ 12-01-22 ભરૂચ

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં ગ્રામ પંચાયતોની ચુંટણી ગયા બાદ ઘણા દિવસો વિતવા છતા હજી કેટલાક ગામોમાં ચુંટણીની અદાવતે ઝઘડાઓ થમવાનું નામ નથી લેતા… મળતી વિગતો મુજબ ઝઘડીયા તાલુકાના દધેડા ગામે રહેતી એક યુવતીનું પિયર ફિચવાડા ગામે હોવાથી આ યુવતી થોડા દિવસથી ફિચવાડા ગામે તેના પિતાને ત્યાં રહેવા આવી હતી.

દરમિયાન ગત તા. ૯ મીના રોજ સવારે અગિયારેક વાગ્યાના અરસામાં યુવતી તેના પિયરજનો સાથે ઘરે હાજર હતી ત્યારે મોટરસાયકલ પર ગામમાં રહેતા નરસિંહ રતિલાલ પરમાર તથા દેવેન્દ્રસિંહ ઉર્ફે ધમો નરવીરસિંહ છાસટીયા ત્યાં આવ્યા હતા. અને તે લોકોએ યુવતીને તેના પિતા વિષે પુછતા યુવતીએ પિતા દવાખાને ગયા હોવાનું જણાવ્યું હતું. આ સાંભળીને એ લોકોએ યુવતી અને તેની માતાને ગાળો દીધી હતી. મોટરસાયકલ પર આવેલ ઇસમોએ યુવતીને માર માર્યો હતો અને જાતિ વિષયક અપશબ્દો બોલીને કહેતા હતા કે તમે લોકો અમારે ત્યાં મજુરી કરવા આવો છો અને અમારી સામે ચુંટણી લડો છો, તેમ કહીને ગાળાગાળી કરીને ઝપાઝપી કરી હતી. આ ઝપાઝપી દરમિયાન યુવતીના કપડા પણ ફાટી ગયા હતા. યુવતીની માતાએ ગ્રામ પંચાયતની ચુંટણીમાં ઉમેદવારી કરી હોવાની વાતે રીશ રાખીને આ ઝઘડો કરાયો હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. આ ઘટના બાબતે પારુલબેન અલ્પેશભાઇ વસાવા રહે.ગામ દધેડા તા.ઝઘડીયાનાએ નરસિંહ રતિલાલ પરમાર અને દેવેન્દ્રસિંહ ઉર્ફે ધમો નરવીરસિંહ છાસટીયા બન્ને રહે.ગામ ફિચવાડા તા.ઝઘડીયા જિ.ભરૂચના વિરુધ્ધ ઉમલ્લા પોલીસ મથકે ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


Share to

You may have missed