ઝઘડિયા જીઆઇડીસી સ્થિત ડીસીએમ કંપની તરફથી ક્રિકેટ મેચનું થયું હતું આયોજન…
DNSNEWS 25-12-23
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ફુલવાડી ગામે ક્રિકેટ મેદાન પર ક્રિકેટ રમવાના મુદ્દે પટેલ સમાજના અને વસાવા સમાજના બે જુથો વચ્ચે ઝઘડો થતાં વાત મારામારી સુધી પહોંચતા ઇજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચ તેમજ અંકલેશ્વર લઇ જવાયા હતા. આ બાબતે બન્ને પક્ષોએ ઝઘડિયા પોલીસ મથકમાં લખાવેલ સામસામે ફરિયાદોમાં મહિલાઓ સહિત કુલ ૨૭ ઇસમો સામે ગુનો નોંધાયો હતો. આ અંગે ફુલવાડીના ભદ્રેશ પ્રભુભાઇ પટેલે લખાવેલ ફરિયાદ મુજબ ફુલવાડી ગામે ઝઘડિયા જીઆઇડીસીની ડીસીએમ કંપની તરફથી ક્રિકેટ મેચ યોજાતા તેમનો દિકરો મેચ રમવા ગયો હતો. ત્યારે ભદ્રેશભાઇ સવારના સાડા નવ વાગ્યાના અરસામાં મેચ જોવા ગયા હતા,
તે દરમિયાન ગામના રાકેશભાઇ અરવિંદભાઇ વસાવા તેમજ બીજા કેટલાક છોકરાઓ ત્યાં આવ્યા હતા અને અમારે મેચ રમવી છે, અમારા ગામનું મેદાન છે અમને રમવા દો, તેમ કહેતા બોલાચાલી થયા બાદ ઝઘડો થયો હતો. આ ઝઘડા દરમિયાન ભદ્રેશભાઇ તેમજ અન્ય છોકરાઓને ઇજાઓ થતાં સારવારની જરુરવાળાને અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. ઝઘડિયા પોલીસે ભદ્રેશભાઇ પટેલની ફરિયાદ મુજબ સામા પક્ષના મહિલાઓ સહિત કુલ ૧૪ સામે ગુનો નોંધ્યો હતો. જ્યારે સામા પક્ષે ફુલવાડીના રાહુલ બચુભાઇ વસાવાએ લખાવેલ ફરિયાદ મુજબ તેઓ ગામના અન્ય છોકરાઓ સાથે ગામના ક્રિકેટ મેદાન પર ક્રિકેટ રમવા ગયા હતા, ત્યારે તે સમયે જીઆઇડીસીની ડીસીએમ કંપનીની બે ટીમો વચ્ચેની મેચ પુરી થયેલ હતી. તેથી આ લોકોએ અમારે રમવું છે એમ કહેતા ગામના ઉપસરપંચ સંદિપ પટેલે જણાવેલ કે તમને મેચ રમાડવાના નથી. અમે ડીસીએમ કંપની સાથે મેચ રમવાના છીએ. આમ ફરિયાદમાં જીઆઇડીસીની ડીસીએમ કંપનીનો ઉલ્લેખ જોવા મળતા આ બાબતમાં ડીસીએમ કંપનીની શું ભુમિકા હશે એ બાબતે પણ સવાલો ઉભા થયા છે.
આ દરમિયાન બોલાચાલી બાદ થયેલ ઝઘડામાં સામા પક્ષ દ્વારા તેમના પક્ષના કેટલાક ઇસમોને ઇજાઓ પહોંચાડાતા ઇજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. રાહુલ વસાવાની ફરિયાદ મુજબ ઝઘડિયા પોલીસે ગામના ઉપસરપંચ સંદિપ પટેલ સહિત કુલ ૧૩ ઇસમો સામે ગુનો દાખલ કર્યો હતો. પોલીસે આ બાબતે રાહુલ વસાવાની ફરિયાદને લઇને અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ પ્રતિબંધ અધિનિયમ મુજબ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
#DNSNEWS REPORT
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
જૂનાગઢની વિનય ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કર્મચારીઓ અને કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયો સો જેટલા દર્દીઓએ સારવાર લીધો