પુણા ગામના બવાડિયા પરિવારની બહેનોની અનેરી રાષ્ટ્રભાવના:
———-
આઈસોલેશન સેન્ટરમાં ફરજ નિભાવતી બે બહેનોએ પગારના રૂા.૫૧ હજાર શહીદ જવાનોના પરિવારોને અર્પણ કર્યા
———-
પરિવારની દરિયાદિલીએ સમાજને દાખલો પૂરો પાડયો: આખો પરિવાર કોરોના દર્દીઓની સેવામાં જોડાયેલો છે
———
સુરત:ગુરૂવાર: કોરોનાના મહાસંકટમાં પણ લોકોમાં માનવતા અને રાષ્ટ્રભાવનાના કિસ્સા ઉજાગર થઈ રહ્યાં છે. સુરતના પુણા ગામ આઈસોલેશન સેન્ટરમાં સેવા આપતી બવાડિયા પરિવારની બે બહેનોએ પોતાના મહેનતાણાના રૂા.૫૧,૦૦૦ શહીદ જવાનોના પરિવાજનોને મદદરૂપ થવાં ‘જય જવાન નાગરિક સમિતિ-સુરત’ ને આજે અર્પણ કરી અનેરી રાષ્ટ્રભાવના અને દરિયાદિલીના દર્શન કરાવ્યા હતાં.
પુણા ગામની પટેલ સમાજની વાડી ખાતે ખોડલધામ સમિતિ દ્વારા કોવિડ આઈસોલેશન સેન્ટર શરૂ કરાયું છે, જેમાં મિત્તલબેન ભાવેશભાઈ બવાડિયા અને તેમની સગી બહેન દક્ષિતાબેન આ કોવિડ સેન્ટરના પ્રારંભથી જ દર્દીઓની સેવામાં ૨૪ કલાક ફરજ બજાવે છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના અમૃતવેલ ગામના વતની અને હાલ સુરતમાં રહેતાં ભાવેશભાઈ બવાડિયાની બે યુવા પુત્રીઓમાં મિત્તલબેન અમદાવાદ, બોપલની કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સીસ એન્ડ રિસર્ચ સેન્ટરમાં બી.ડી.એસ. કરી રહી છે, જ્યારે દક્ષિતાબેન વડોદરાની હોમિયોપેથી કોલેજમાં અભ્યાસ કરે છે. તેમણે સમાજ માટે પ્રેરણારૂપ પગલું ભરતાં કોવિડ સેન્ટરમાં એક મહિનાની ફરજ પેટે મળેલા વેતનને શહીદ જવાનોના પરિવારને અર્પણ કરી સંવેદનાની સુવાસ ફેલાવી છે.
બન્ને દિકરીની શહીદ પરિવારો પ્રત્યેની સંવેદનશીલતા અને રાષ્ટ્રપ્રેમ બદલ જય જવાન નાગરિક સમિતિએ તેમની રાષ્ટ્રભાવનાને બિરદાવી હતી. સમિતિના ચેરમેન અને વરાછા કો.ઓપ.બેંકના ચેરમેનશ્રી કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યુ હતું કે, ભાવેશભાઈ બવાડિયા છેલ્લા ૨૦ વર્ષથી સુરતમાં રહે છે, અને હેન્ડવર્કનું કામ કરી ગુજરાન ચલાવે છે. હજુ સુધી કયારેય હોટલમાં ભોજન માટે ગયા નથી. દિકરાના બર્થડેની ઉજવણી કરી નથી. સમગ્ર સાદાઈ અને સાત્વિકતાભર્યું જીવન જીવે છે. પોતાના બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય એ માટે સતત કાળજી લેતા આ સમજણા પરિવારે સમાજને દાખલો પૂરો પાડયો છે.
શ્રી કાનજીભાઈએ વધુમાં જણાવ્યું કે, સમગ્ર બવાડિયા પરિવારે કોરોના દર્દીઓની સેવાચાકરી કરી છે. પિતા ભાવેશભાઈએ પણ સેન્ટરમાં સ્વયંસેવક તરીકે ફરજ બજાવી છે. જ્યારે તેમના પત્ની પણ ઘરે જ્યુસ, ખીચડી, નાસ્તો બનાવીને દર્દીઓ સુધી પહોંચાડે છે. માનવતા અને રાષ્ટ્રપ્રેમથી છલકાતા બવાડિયા પરિવારને તેમણે અભિનંદન પાઠવ્યા હતાં.
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.