DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

બોડેલીના અલ્હાદપુરા ગામે ગ્રામજનો અને બોડેલી લાઇવના સંયુક્ત ઉપક્રમે રકતદાન કેમ્પ યોજાયો

Share to


ગ્રામજનો સહિત આજુબાજુના વિસ્તારના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો



બોડેલીના અલ્હાદપુરા શિવ મંદિર પ્રાંગણમાં ગામના નવયુવાનો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.ગામના સરપંચ રમેશભાઇ બારીયા સહિત આગેવાનોએ યોગદાન આપી કેમ્પને સફળ બનાવ્યો હતો.આ કેમ્પમાં કુલ 60 યુનિટ બ્લડ એકત્રિત થયું હતું.
     બોડેલી તાલુકાના અલ્હાદપુરા ગામે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. અલ્હાદપુરાના ગ્રામજનો અને બોડેલી લાઈવ મીડિયાના સહયોગથી સદર રક્તદાન કેમ્પ યોજાયો હતો.અલ્હાદપુરા ગામ સહિત તાલુકા અને આજુબાજુના વિસ્તારના યુવાનોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.
     પ્રથમ વર્ષે અલ્હાદપુરાના વીર શહીદ તુલસીભાઈ બારીયાની યાદમાં પહેલી વખત રક્તદાન શિબિર યોજાઈ હતી. અલ્હાદપુરાની ભૂમિ ત્યાગ, તપસ્યા, બલિદાન માટે જાણીતી છે. સ્વર્ગસ્થ તુલસીભાઈ બારીયા બોર્ડર ઉપર ફરજ બજાવવા દરમિયાન વીરગતિ પામ્યા હતા. તેમનું સ્મારક પણ અલ્હાદપુરા મહાદેવ મંદિરની બાજુમાં બનાવાયેલું છે. આ ગામના નવયુવાનોમાં તુલસીભાઈ બારીયાએ નવી ચેતના અને દેશપ્રેમનો સંચાર કર્યો છે. તેનાથી પ્રેરિત થઈ યુવાનોએ રક્તદાન કરી માનવજાત ને મદદરૂપ થવા સેવા યજ્ઞ જેને માનવતાનો યજ્ઞ પણ કહી શકાય તેવી પ્રેરક કામગીરી નો આરંભ કર્યો હતો.
      ગત વર્ષે તા.14 જુન 2023 ના રોજ વિશ્વ રક્તદાતા દિવસના અવસરે અલ્હાદપુરાના ગ્રામજનો અને બોડેલી લાઈવના સંયુક્ત ઉપક્રમે ઈન્દુ બ્લડ બેન્કના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો.તેજ રીતે આ વર્ષે પણ હનુમાન જ્યંતિને દિવસે  સવારે આઠ વાગ્યાથી સાંજ સુધી આ કેમ્પમાં અલ્હાદપુરાના નવ યુવાનો, બોડેલી તાલુકા અને આજુબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં રક્ત દાતાઓ ઉમટી પડી રક્તદાનનો લાભ લીધો હતો.
     રક્તદાન શિબિરમાં ઇન્દુ બ્લડ બેંકનો પણ નોંધપાત્ર સહયોગ કર્યો હતો.અલ્હાદપુરા ગામના તથા આજુબાજુના ગામના યુવાનો, બેનોએ રક્તદાન કરી ધન્યતા અનુભવી હતી.



માનવ જાતને મદદ કરવા અલ્હાદપુરાએ બ્લડ ડોનેશન દ્વારા ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે
– વિનોદભાઇ સોલંકી, મુ.અલ્હાદપુરા

અલ્હાદપુરાના નવ યુવાનો છેલ્લા ત્રણ વર્ષથી રક્તદાનની પરંપરા નિભાવતા આવ્યા છે. રક્તદાન દ્વારા કોઇક નું જીવન બચાવવાનું સત્કાર્ય શક્ય બને છે. આકસ્મિક સમયે કોઈકને કોઈક માનવ જિંદગી બચાવી શકાય છે.માનવ જાતને મદદ કરવા અલ્હાદપુરાએ બ્લડ ડોનેશન દ્વારા ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે



રક્તદાન એ માનવતા નો મહાયજ્ઞ છે, અલ્હાદપુરાના ગ્રામજનોએ એ યજ્ઞને સફળ બનાવ્યો છે
– રમેશભાઈ બલુભાઈ બારીયા, સરપંચ: અલ્હાદપુરા

માનવ રક્ત લેબોરેટરી કે ફેક્ટરીમાં બની શકતું નથી. શરીરમાં કુદરતી રીતે ઉત્પાદન લોહી નું દાન કરવાથી કોઈકને કોઈક માનવ જિંદગીને તે મદદરૂપ બની શકે છે. રક્તદાન એ માનવતાનો મહા યજ્ઞ છે અલ્હાદ પુરાના ગ્રામજનોએ આ યજ્ઞ ને સફળ બનાવ્યો છે.



અલ્હાદપુરાના ગ્રામજનો યોજેલો રક્તદાન કેમ્પ સમાજ સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે!
– દિલીપભાઈ રાઠવા, ઇન્દુ બ્લડ બેન્ક – બોડેલી

આ રીતે એકત્રિત કરાતું બ્લડ અનેક માનવ જિંદગીઓને ખરા સમયે ઉપયોગી નીવડશે.આયોજકોનો આભાર વ્યક્ત કરતા તેમને આવી જ સમાજસેવા કરી છોટાઉદેપુર જિલ્લાના લોકોને મદદરૂપ બનવા દર વર્ષે આવી રક્તદાન શિબિર યોજવા વિનંતી છે.


Share to