DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

ભરૂચ જિલ્લામાં ટ્રાન્સપોર્ટેશન કંપનીના માલિકોને કંપનીમાં નોકરીએ રાખવામાં આવતા ડ્રાઈવર, કંડકટરની વિગતો પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા જાહેરનામું**

Share to


ભરૂચ – મંગળવાર – ગુપ્તચર સંસ્થાઓના વખતો-વખત પ્રસિધ્ધ થતા અહેવાલો તથા વર્તમાન અને ભુતકાળમાં બુનેલ બનાવો જોતા, આતંકવાદી તત્વો દ્વારા વિવિધ જગ્યાઓએ બોમ્બ બ્લાસ્ટ દ્વારા જાનહાની, માલ મિલકતોને નુકશાન પહોંચાડી ભયનો માહોલ સર્જવાની ઘટનાઓ ઘટેલ છે, અને આ ઘટનાઓમાં મોટે ભાગે બોમ્બ બ્લાસ્ટ કરવામાં સ્લીપરસેલનો ઉપયોગ આતંકવાદી સંસ્થાઓ કરતી હોય છે. આ પ્રકારની અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો મોટે ભાગે રાજય બહારના વિસ્તારમાંથી પ્રવેશી ભૌગોલીક પરિસ્થિતિથી વાકેફ થઈ આ પ્રકારની પ્રવૃતિઓ આચરતાં હોય છે. અને ગમે તે રીતે ટ્રાન્સપોર્ટમાં ડ્રાઈવર/કંડકટર તરીકે નોકરી મેળવીને પોતાનો ઈરાદો પુરો કરતાં હોય છે. જેના કારણે જાહેર સુરક્ષા તેમજ શાંતિનું વાતાવરણ જોખમાવાના કારણે આમ નાગરીકો તેમજ પ્રજામાં અસુરક્ષાનો માહોલ ફેલાય છે અને કાયદો તથા વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી હોય છે.
જેથી આ પ્રકારના તત્વોને નિયંત્રણમાં લેવા માટે ટ્રાન્સપોટેશનનું કામ કરતાં માલિકો તરફથી લકઝરી બસ તથા ટ્રક, ટેમ્પો, ટેન્કર વગેરે વાહનો ઉપર કામ કરવા તેમને ત્યાં જે ડ્રાઈવર તથા કંડક્ટર રાખવામાં આવે તેની ભરતી કરતા પહેલાં જે તે વ્યક્તિનું પુરેપુરૂં નામ, સરનામું જેમાં હાલનું સરનામું અને મુળ વતનનું સરનામું તેમજ તેને અત્રેના જીલ્લામાં કોણ ઓળખે છે તેનું નામ-સરનામું તેમજ તેનો પુર્વ ઈતિહાસ વગેરેની માહિતી ડ્રાઈવર, કંડકટર તરીકે રાખનાર માલિક પાસે ઉપલબ્ધ હોતી નથી. જેના કારણે આ ડ્રાઈવર, કંડકટર ઘણીવાર લાખો રૂપિયાનો માલ-સમાન જે તે જગ્યાએ નહી પહોંચાડી બીજા અન્યને સગેવગે કરીને ગમે ત્યાં વાહન મુકીને જતાં રહે છે. તેમજ આતંકવાદી સંસ્થા ડ્રાઈવર, કંડકટરને લાલચ આપી બોમ્બ બ્લાસ્ટ જેવાં બનાવો કરવામાં સ્લીપર સેલ તરીકે ઉપયોગ કરતાં હોઈ છે. અને આવા કૃત્યો કરનાર ઈસમો ગુનો કરીને ભાગી ગયા પછી ઝડપથી પકડી શકાતાં નથી. અને નકકી કરેલ કૃત્યને અંજામ આપી નિર્દોષ માણસોની જીંદગીની ખુવારી કરી સલામતી અને શાંતિનો ભંગ કરે છે. જેથી આવી પ્રવૃતિઓ ઉપર જરૂરી નિયંત્રણો મુકવા જાહેરહિત અને જીલ્લાની સુરક્ષા માટે જરૂરી જણાય છે.
આથી ભરૂચ જિલ્લા અધિક જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી એન.આર.ધાધલ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે મળેલ સત્તાની રૂએ, ભરૂચ જીલ્લા મહેસુલી વિસ્તારમાં જે તે ટ્રાન્સપોર્ટના માલિકોએ આ સાથે સામેલ રાખેલ નિયત ફોર્મમાં જરૂરી વિગતો ભરી ફરજીયાતપણે સંબંધીત પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવાનું રહેશે. જાહેરનામાનો અમલ હુકમની તારીખથી દિન-૬૦ સુધી રહેશે.
આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ હેઠળ કસૂરવાર થશે તેમજ આ હુકમના ભંગ બદલ ફરીયાદ માંડવા હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવે છે. તેમ ભરૂચ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.


Share to

You may have missed