ભરૂચ – મંગળવાર – જીલ્લામાં જાહેર જગ્યાઓમાં લાઉડસ્પીકર, પબ્લીક એડ્રેસ સિસ્ટમ તેમજ ડીજીટલ સાઉન્ડ સિસ્ટમના અનિયંત્રીત ઉપયોગથી ધ્વનિ પ્રદુષણ થાય છે. જેની નાગરિકોના આરોગ્ય ઉપર વિપરીત અસર થાય છે. તેમજ ધ્વનિ પ્રદુષણના લીધે નાગરિકોના કામમાં તેમજ વિદ્યાર્થીઓના અભ્યાસમાં અડચણ ઉભી થાય છે, અને ઉપરોકત સાધનોના અનિયંત્રિત ઉપયોગથી સુલેહભંગ તેમજ સાંપ્રદાયિક કોમી હિંસાના બનાવો બને છે. આથી રહેણાંક વિસ્તાર તથા અવર-જવર કરનારાઓને હરકત/ અગવડ, ત્રાસ, જોખમ, ભય નુકશાન થતું અટકાવવા સારૂ જાહેર જગ્યાઓમાં લાઉડ સ્પીકર, પબ્લીક એડ્રેસ સિસ્ટમ તેમજ ડીજીટલ સાઉન્ડ સિસ્ટમના અનિયંત્રિત ઉપયોગ ઉપર મનાઈ ફરમાવતુ જાહેરનામું બહાર પાડવું જરૂરી જણાય છે.
આથી, ભરૂચ જિલ્લા અધિક જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી એન.આર.ધાધલ સને ૧૯૫૧ના મુંબઈ પોલીસ (સને ૧૯૫૧ના ૨૨મા) અધિનિયમની કલમ-૩૩ની પેટા કલમ-૧ના પેટા કલોઝ (એન) અન્વયે મળેલ સત્તાની રૂએ પ્રતિબંધાત્મક આદેશ ફરમાવે છે કે ડી.જે. / લાઉડસ્પીકર અથવા પબ્લિક એડ્રેસ સિસ્ટમના સાધનો બનાવનાર વેંચનાર/ખરીદનાર, ભાડે આપનાર/ભાડે લેનાર વ્યકિત/સંસ્થાઓએ આ કામ કરતા પોતાના કર્મચારીઓ તથા કાર્યક્રમ અંગેની જે-તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં સંપૂર્ણ વિગતો સાથેની માહિતી વખતો વખત આપવાની રહેશે. આ રીતે ડી.જે. / લાઉડસ્પીકર અથવા પબ્લિક એડ્રેસ સિસ્ટમનો ઉપયોગ કરતી વખતે નામદાર સુપ્રીમ કોર્ટના વખતો વખતના ચુકાદાના નિર્દેશો ઘોઘાંટ ઉત્પન્ન કરતા અને નીપજાવતા સ્ત્રોતોના નિયંત્રણ અને નિયમન માટે ભારત સરકારના પર્યાવરણ અને વન મંત્રાલય દ્વારા પર્યાવરણ (સુરક્ષા) અધિનિયમ-૧૯૮૬ની કલમ-૬ તથા ૨૫ હેઠળ ધ્વનિ પ્રદૂષણ (નિયમન અને નિયંત્રણ) નિયમો ૨૦૦૦ સંદર્ભ-૨ તારીખ: ૧૪/૦૨/૨૦૦૦ના રોજ જાહેરનામું પ્રસિધ્ધ કરેલ છે, જેમાં તારીખ ૧૧/૦૧/૨૦૨૧ના રોજ આ નિયમમાં સુધારો કરવામાં આવેલ છે. જે પ્રમાણે ધ્વનિ પ્રદૂષણ નિયમો ૨૦૦૦ અન્વયે ધ્વનિની માત્રાના ધોરણે નકકી કરવામાં આવેલ વિગતો જેમ કે ભાડે લઈ જનારની વિગતો – ભાડે લેનારનું નામ, સરનામું, મો. નં., હેતુ, વિસ્તાર તથા ડી. જે. સાધનોની વિગતો – ડી.જે. / લાઉડસ્પીકરની વિગત, એમ્પલીફાયરની સંખ્યા, કેપેસીટી તથા ભાડે આપ્યાની તારીખ, સમય અને ભાડે લઇ જનારની સહીની વિગતોવાળું રજીસ્ટર પણ નિભાવવાનું રહેશે અને નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
જાહેર સ્થળોની વ્યાખ્યા નક્કી કરાયેલ છે અને જાહેર સ્થળનો કબજો ધરાવનાર દ્વારા લાઉડ સ્પીકર સિસ્ટમનું તથા અન્ય સાધનોથી ઉત્પન થતા અવાજની માત્રા જે તે વિસ્તારની નિયત માત્રા કરતા વધવી ન જોઈએ, જે અંગે પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. ઉપર મુજબ ખાનગી સ્થળે થતી કાર્યવાહીના કારણે જે તે વિસ્તારની નિયત માત્રા કરતા ધ્વનિની માત્રા વધવી ન જોઈએ. કોઈ ઓડીટોરીયમ, કોન્ફરન્સ હોલ, કોમ્યુનિટી હોલ કે ખાનગી મકાન જેવા બંધ સ્થળો વગેરેમાં માઈક સિસ્ટમ અંદરના ભાગે વગાડવા ઉપર કોઈ પ્રતિબંધ નથી પરંતુ તેનો અવાજ જે તે સ્થળેથી બહાર જવો જોઈએ નહી. ધાર્મિક સ્થળોમાં સવારના ૬ થી રાતના ૯ વાગ્યા સુધી વગર પરવાનગીએ લાઉડ સ્પીકર, વાજિંત્રો/પબ્લીક એડ્સ સિસ્ટમનો ઉપયોગ કરી શકાશે. પરંતુ તેનો અવાજ સંકુલની હદની બહાર જવો ન જોઈએ. લગ્નના વરઘોડા કે અન્ય કોઈ કાર્યક્રમમાં સવારના ૬ થી રાતના ૧૦ વાગ્યા દરમ્યાન લાઉડ સ્પીકર અથવા ડી.જે. સિસ્ટમનો ઉપયોગ સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી લઈને કરી શકાશે. સદરહું જાહેરનામાનો અમલ હુકમની તારીખથી ૬૦ દિવસ સુધી રહેશે.
આ હુકમના ભંગ બદલ ધ્વનિ પ્રદુષણ (રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ) નિયમ-૨૦૦૦, ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૨૯૨ તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૧૩૧ મુજબ ઉપરોક્ત માલિક, ભાગીદાર, મેનેજર, સંચાલકની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ઘરવામાં આવશે. તેમજ આ હુકમના ભંગ બદલ ફરિયાદ માંડવા પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારશ્રીને અધિકૃત કરવામાં આવે છે. તેમ જિલ્લા અધિક જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા મળેલી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
Khabar Ek dum Sachi
More Stories
ભરૂચ જિલ્લામાં મકાનો તથા દુકાનો ભાડે આપતા માલિકોએ ભાડુઆતની વિગતો જમા કરાવવા અંગેનું અધિક જીલ્લા મેજીસ્ટ્રેટશ્રીનું જાહેરનામું
ભરૂચ જિલ્લામાં ભંગારનો ધંધો કરતા ઈસમોએ નોંધણી કરાવવા અંગે અધિક જીલ્લા મેજીસ્ટ્રેટશ્રીનું જાહેરનામું—-
ભરૂચ જિલ્લામાં ટ્રાન્સપોર્ટેશન કંપનીના માલિકોને કંપનીમાં નોકરીએ રાખવામાં આવતા ડ્રાઈવર, કંડકટરની વિગતો પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા જાહેરનામું**