DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

ભરૂચ જિલ્લામાં ભંગારનો ધંધો કરતા ઈસમોએ નોંધણી કરાવવા અંગે અધિક જીલ્લા મેજીસ્ટ્રેટશ્રીનું જાહેરનામું—-

Share to


ભરૂચ – મંગળવાર – ગુપ્તચર સંસ્થાઓના વખતો-વખત પ્રસિધ્ધ થતા અહેવાલો તથા વર્તમાન અને ભુતકાળમાં બનેલ બનાવો તેમજ ગેરકાયદેસરની પ્રવૃતિઓ ધ્યાને લેતા જણાય છે કે, ભરૂચ જીલ્લામાં ઈન્ડસ્ટ્રીયલ વિસ્તાર આવેલ હોય, જેમાં રોજગારી અર્થે પરપ્રાંતીય આવીને રહે છે અને ભરૂચ જીલ્લાના જુદા-જુદા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ધાક, લૂંટ, ઘરફોડ, ચોરી જેવા મિલકત સબંધી ગુનાઓ અવાર-નવાર બનવા પામે છે. મિલકત સબંધી ગુનાઓ બનવા પાછળના કારણો પૈકીનું એક કારણ ભંગારનો ધંધો કરનાર માણસો હોય છે. ભંગાર ઉઘરાવવાની ફેરી કરતાં ઈસમો નાની મોટી ચોરીઓ કરી ભંગાર વેચાણ કરે છે. આવા પ્રકારની ચોરીનો માલ ભંગારનો ધંધો કરનાર ઈસમો રાખતાં હોય છે. પરંતુ લોકો કાયદેસરની પ્રક્રિયામાં પડવાના ડરને લીધે આવી નાની ચોરીઓની ફરીયાદો પણ કરતા હોતા નથી. ભંગારનો ધંધો કરનાર તેમજ ભંગારની ફેરી કરનાર માણસો પૈકી મોટાભાગના ઈસમો પરપ્રાંતીયો હોય છે અને આવા ઈસમો ગુનો કર્યા પછી પોતાના વતનમાં જતાં રહેતાં હોય છે, જેના કારણે તેઓને પકડવામાં પણ મુશ્કેલી પડે છે.
આથી, ભરૂચ જિલ્લા અધિક જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી એન.આર.ધાધલ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે મળેલ સત્તાની રૂ એ ભરૂચ જીલ્લાના સમગ્ર વિસ્તારમાં સુચનાની અમલવારી કરવા હુકમ કરે છે કે ભંગારનો ધંધો કરતાં ઇસમો જે જગ્યાએ ધંધો કરે છે, તે જગ્યા જો પોતાની માલિકીની હોય તો માલિકીપણાના દસ્તાવેજો અને જો ભાડાની જગ્યા હોય તો ભાડા કરાર કરીને રાખવાના રહેશે. અને જમીનના માલિકનું ધંધા અંગેનું સંમતિપત્ર મેળવવાનું રહેશે તેમજ ગેરકાયદેસર જમીનમાં ભંગારનો ધંધો કરી શકાશે નહીં. ભંગારનો ધંધો કરતા ઈસમો, ભંગારની ફેરી કરતાં ઈસમો તથા ભંગારના ધંધા સાથે સંકળાયેલ ઈસમોએ તથા ભંગારના ધંધામાં જેટલા માણસો કામે રાખેલ હોય તેમના મૂળ વતની હોય ત્યાંથી પોલીસ કલીયરન્સ સર્ટીફીકેટ લાવીને રાખવું તેમજ જે જગ્યાએ હાલમાં રહેતા હોય ત્યાનું પણ પોલીસ કલીયરન્સ સર્ટીફીકેટ મેળવી રાખવાનું રહેશે, જે વિસ્તારમાં ભંગારનો ધંધો કરતા હોય તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં આઈ.ડી. પ્રુફની નકલ આપવાની રહેશે તેમજ કોઈ ગુનાને લગતો અથવા શક પડતો મુદ્દામાલ તેઓના ધ્યાન ઉપર આવે ત્યારે તુરત જ પોલીસને તે બાબતની જાણ કરવાની રહેશે. આ ઉપરાંત પોતે ભંગાર જેની પાસેથી ખરીદેલ છે તે વ્યક્તિના આઈ.ડી.પ્રુફની વિગત તથા જથ્થાની વિગત વર્ણન સાથે તથા તેના સંપર્ક નંબરની માહીતી દર્શાવતું રજીસ્ટર નિભાવવાનું રહેશે. જયારે કોઈપણ વાહન વેચવા આવે ત્યારે આવા વાહનની અસલ આર.સી.બુક વિના વેચાણ કે ખરીદી કરી શકાશે નહીં તથા આવા વાહનોના એન્જીન નંબર, ચેસીસ નંબર અને રજીસ્ટ્રેશન સાથેની માહિતીની તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની રહેશે. આ જાહેરનામાનો અમલ હુકમની તારીખથી દિન-૬૦ સુધી રહેશે.
આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ કસુરવાર થશે તેમજ આ હુકમના ભંગ બદલ ફરીયાદ માંડવા હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવે છે. તેમ ભરૂચ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.


Share to

You may have missed