December 1, 2024

નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગામે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનો ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ સંવાદ

Share to

શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે પ્રાકૃતિક કૃષિ પ્રમાણપત્ર વિતરણ*

કૃષિ ઉત્કર્ષ પહેલ અંતર્ગત પ્રાકૃતિક ખેતી કરતા ભરૂચ જિલ્લાના ૪૦૦૭ ખેડૂતોની GOPKA અને APEDA માં નોંધણી

૧૫૦ થી વધુ ખેડૂતો સાથે ખાટલા પરિષદ યોજી રાજ્યપાલશ્રીએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શિત કર્યા

પ્રાકૃતિક ખેતી કરતા પાંચ ખેડૂતોનું રાજ્યપાલશ્રીના હસ્તે સન્માન કરાયું

ધરતીને ફળદ્રુપ બનાવવાનો એકમાત્ર ઉપાય પ્રાકૃતિક ખેતી છે

જો ખેડૂતો રાસાયણિક ખેતી નહીં છોડે તો આવનારી પેઢી માટે કંઈ નહીં બચે — રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

ભરૂચ જિલ્લા વહીવટી તંત્રની પ્રાકૃતિક કૃષિ ઉત્કર્ષ પહેલની નવીન પદ્ધતિને બિરદાવી સમગ્ર રાજ્યમાં તેનો અમલ કરવાની નેમ વ્યક્ત કરતા રાજ્યપાલશ્રી
૦૦૦૦૦
ભરૂચ- શુક્રવાર – રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી એ આજે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કેલ્વિકુવા ખાતે ખેડુત શ્રી સતીષભાઈ રઘુવીરભાઈ ભક્તના ખેતરે પ્રકૃતિના ખોળે સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત પ્રાકૃતિક ખેતી માટે ખાટલા – પરિષદ યોજી રાજ્યપાલશ્રી એ ૧૫૦ જેટલા ખેડૂતો સાથે વાર્તાલાપ કરી પ્રાકૃતિક ખેતીથી થતાં ફાયદાઓ અંગે જરૂરી માર્ગદશન પુરું પાડ્યું હતું. આ તબક્કે, રાજ્યપાલશ્રીએ શ્રી પ્રાકૃતિક કૃષિ નિદર્શન – વેચાણ કેન્દ્રની પણ મુલાકાત લઈ પ્રાકૃતિક કૃષિ પેદાશો અને ખેડુતની પૃચ્છા કરી હતી.

આ પ્રસંગે ખેડૂતો સાથેની વાતચીતમાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી થકી જે પાકોનું ઉત્પાદન થાય છે, એ માનવીના શરીર માટે ખુબ જ ઉત્તમ અને સ્વાસ્થ્યવર્ધક હોય છે. તેમણે ચેતવણી આપતાં કહ્યું કે, રસાયણિક ખેતીના કારણે જમીન બંજર થઈ રહી છે, પાણી દૂષિત થઈ રહ્યું છે અને મિત્ર જીવો વિલુપ્ત થઈ રહ્યા છે. જો ખેડૂતો રસાયણિક ખેતી નહીં છોડે તો, આવનારી પેઢીઓ માટે કંઈ નહીં બચે. આજકાલ કેન્સર, હૃદય રોગ, હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ જેવી ગંભીર બિમારીઓ ઘરે-ઘરે છે. વૈજ્ઞાનિકોનું સંશોધન તો ત્યાં સુધી કહે છે કે, મા ના દૂધમાં પણ યુરિયાની માત્રા જણાઈ છે. આ સમસ્યાનો એક માત્ર ઉપાય પ્રાકૃતિક ખેતી છે. પ્રાકૃતિક ખેતી આવનારા સમયમા વરદાનરૂપ સાબિત થશે.

રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, પ્રાકૃતિક ખેતીના પાંચ આધાર સ્તંભ છે. જેમાં જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાફસા (ભેજ) અને એક સાથે અનેક પાક પદ્ધતિ. આનો યોગ્ય અને વ્યવસ્થિત, સંકલિત ઉપયોગ પર્યાવરણને બચાવવા માટે ઉપયોગી નીવડશે.

રાજ્યપાલશ્રીએ કહ્યું કે, પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ અપનાવવા માટે સૌ પ્રથમ ખેડુતોએ પોતાની ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો વપરાશ બંધ કરવો જોઈએ. દેશી ગાયના ગૌમૂત્ર, ગોબરમાંથી તૈયાર કરેલા જીવામૃત કે ઘન જીવામૃતનો ઉપયોગ કરી જમીન તૈયાર કરવી જોઈએ. ત્યારબાદ વાવેતર વખતે પાકના બિયારણને બીજામૃતનો પટ આપી વાવેતર કરવું જોઈએ. પ્રાકૃતિક કૃષિના પાંચ આધાર સ્તંભ મુજબ સંપુર્ણ ખેતી કરવાથી લાંબા ગાળે સારા પરિણામો મળે છે. પ્રાકૃતિક કૃષિ કરવાથી ભૂમિની ભેજ સંગ્રહ ક્ષમતા, ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય છે. માત્ર એક દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રથી ૩૦ એકર જમીનમાં ખેતી થઈ શકે છે. જેમાં નહીવત ઉત્પાદન ખર્ચ આવે છે અને બજારમાં વધારે ભાવ મળે છે. તેમજ પાણીની બચત થાય છે. પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યનું રક્ષણ, પોષણ અને સંવર્ધન થાય છે.

વધુમાં રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, જેમ જેમ આપણી ખેતી તેજસ્વી અને સમૃદ્ધ થશે તેમ તેમ આપણો દેશ પ્રગતિ કરશે. પ્રાકૃતિક ખેતી એ આર્થિક સફળતાનું સાધન છે. પૃથ્વી માતાની સેવા કરવા માટે આ એક ઉત્તમ માધ્યમ પણ છે. આજે જ્યારે તમે પ્રાકૃતિક ખેતી કરો છો, ત્યારે તમે ખેતી માટે જરૂરી સંસાધનો તેને લગતી પેદાશોમાંથી એકત્ર કરો છો, ગાય અને પશુધન દ્વારા જીવામૃત તૈયાર કરો છો, આનાથી ખેતી પાછળ થતો ખર્ચ ઓછો થાય છે. પશુધન આવકના વધારાના સ્ત્રોત પણ ખોલે છે. તેવી જ રીતે, જ્યારે તમે પ્રાકૃતિક ખેતી કરો છો, ત્યારે તમે ધરતી માતાની સેવા કરો છો. જ્યારે તમે પ્રાકૃતિક ખેતી કરો છો, ત્યારે તમે પ્રકૃતિ અને પર્યાવરણની પણ સેવા કરો છો. જ્યારે તમે કુદરતી ખેતીમાં જોડાઓ છો, ત્યારે તમને સ્વાભાવિક રીતે જ માતા ગાયની સેવા કરવાનું સૌભાગ્ય મળે છે અને જીવોની સેવા કરવાના આશીર્વાદ પણ મળે છે. આથી આપણું જીવન, આપણું આરોગ્ય, આપણો સમાજ બધું જ આપણી કૃષિ વ્યવસ્થા પર આધારિત છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની નીતિઓનો ઉલ્લેખ કરતાં શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી દેશની પ્રગતિ માટે પૂર્ણતઃ સમર્પિત છે અને ભારતીય સંસ્કૃતિ, યુવા પેઢીમાં સંસ્કાર અને નૈતિક મૂલ્યોના શિક્ષણ સાથે ‘વિકસિત ભારત’નું નિર્માણ કરવા માંગે છે. આ સંકલ્પ અંતર્ગત તે દેશી ગાય પર આધારિત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે ખાટલા પરિષદમાં આવેલા ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી જાળવી રાખવા સંકલ્પબદ્ધ બની વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે પ્રોત્સાહન પૂરું પાડવા અપીલ કરી તેમણે અનુરોધ કર્યો હતો.

આ વેળાએ રાજ્યપાલશ્રીએ ભરૂચ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની નવીન પદ્ધતિઓ પ્રદર્શિત, માહિતગાર અને જોડવાની અનોખી સીએસઆર પહેલ અન્વયે સર્ટિફિકેશની થયેલી કામગીરીની સરાહના કરી હતી. આ તમામ ખેડૂતોએ ઉપજાવેલી તમામ ઉત્પાદનો માટે કોઈને સંદેહ નહી રહે અને આ સર્ટિફિકેશની કામગિરીથી ૪૦૦૭ જેટલાં ખેડૂતો મજબૂત બન્યાં છે.

અંતમાં, પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો વ્યાપ વધારવા જીલ્લા કલેકટરશ્રીના માર્ગદર્શન અન્વયે થયેલી ભરૂચ જિલ્લા વહીવટી તંત્રની પ્રાકૃતિક કૃષિ ઉત્કર્ષ પહેલની નવીન પદ્ધતિને બિરદાવી સમગ્ર રાજ્યમાં તેનો અમલ કરવાની રાજ્યપાલશ્રીએ નેમ વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે, ભરૂચ જિલ્લા કલેકટરશ્રીએ શાબ્દિક સ્વાગત કરતાં, કૃષિ ઉત્કર્ષ પહેલ અંતર્ગત ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને લગતાં પ્રયત્નો, પ્રયાસોની વાત કરી તેના પરિણામ સુધી જિલ્લાના ખેડૂતો પહોંચ્યા છે તેનું પ્રમાણ આપતાં ભરૂચ જિલ્લાના ૪૦૦૭ જેટલાં ખેડૂતો પ્રાકૃતિક ખેતીના ઉત્પાદન માટે GOPKA અને APEDAમાં સર્ટિફાઇડ બન્યા હોવાનું જણાવ્યું હતું. વધુમાં, આચાર્ય દેવવ્રતજીના સૂત્રને અપનાવી નેચરલ ફામિંગ ! ધ વે ઓફ લાઇફને અનુસરવા ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો.

આ ખાટલા પરિષદમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મહેન્દ્રસિંહ વાંસદીયા, ધારાસભ્ય સર્વેશ્રી રિતેશ વસાવા, ઈશ્વરસિંહ પટેલ, પૂર્વ મંત્રીશ્રી ખુમાનસિંહ વાંસીયા, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી પ્રવીણ માંડાણી, ખેતીવાડી, આત્મા વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે મોટી સંખ્યામાં પ્રાકૃતિક ખેતી કરતાં ખેડુત ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતાં.


Share to

You may have missed