October 1, 2024

રાજ્ય સરકાર ગરીબોના કલ્યાણનું હિત વિચારી રહી છે, પરંતુ ખરેખર ગરીબ કલ્યાણ મેળા થકી લાભાર્થીઓનું કલ્યાણ થાય છે ખરું એ વિચારવાલાયક પ્રશ્ન છે, નેત્રંગ તાલુકામાં 13મા તબક્કાની કિટ હજુ આદર્શ નિવાસી શાળામાં ધૂળ ખાઈ રહી છે, ત્યારે 14મા તબક્કાનો ગરીબ કલ્યાણ મેળો યોજાઈ ગયો

Share to

(હાથોહાથ છેતરામણી) *ગરીબ મેળામાં કોનું કલ્યાણ?*


જાહેર મંચ ઉપરથી મોટા ઉપાડે ગરીબોના કલ્યાણની મોટી મોટી વાતો કરનારા નેતાઓ ગરીબોનાં ઘર સુધી સ્થિતિનો તાગ મેળવે તો ખબર પડે કે ખરેખર ગરીબોનું કલ્યાણ થયું છે, ગરીબ કલ્યાણ મેળાઓમાં બીજા કોઈનું જ કલ્યાણ થઇ ગયું હોય એવું લાગે છે


અગાઉ વિદ્યાર્થીઓ ભણે એ માટે સાઈકલ વિતરણ કરવાની યોજના અમલી બનાવી હતી, પરંતુ સાઈકલો પણ પડી પડી સડી ગઈ હતી

પ્રતિનિધિ દ્રારા નેત્રંગ. તા.૦૧-૧૦-૨૪

વિકસિત ભારત, વિકસિત ગુજરાતના નારા સાથે જન જનના કલ્યાણ માટે કટિબદ્ધ ગુજરાત સરકારની વિકાસની ગતિને જાણે બ્રેક લાગી રહી છે. ગરીબ કલ્યાણની નીતિ, સર્વાંગી વિકાસની વાતો તો કરવામાં આવે છે પરંતુ જમીની હકીકત કંઇક જુદી જ છે. છેવાડાના માનવીને આર્થિક વિકાસના સપના બતાવવામાં આવે છે પરંતુ આવા છેવાડાના લોકોનું ખરેખર કલ્યાણ થાય છે ખરું એ વિચાર માંગી લે એવો પ્રશ્ન છે. સ્વરોજગાર માટે ગરીબ કલ્યાણ મેળા થકી ટૂલ કિટનું વિતરણ કરવામાં આવે છે. પરંતુ ગરીબોની રીતસર મજાક કરવામાં આવી હોય એવું પ્રતીત થઈ રહ્યું છે. ક્યાંક હલકી કક્ષાની કિટ તો ક્યાંક જૂની કિટ ભંગારના ગોડાઉનમાં પડી પડીને સડી રહી હોવાનું બહાર આવ્યું છે. ત્યારે નેત્રંગ તાલુકાના લાભાર્થીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
જિલ્લા કક્ષાએ યોજાતા ગરીબ કલ્યાણ મેળાઓમાં પદાધિકારીઓ તેમજ અધિકારીઓ ફોટોસેશન પૂરતી અમુક લાભાર્થીઓને ટૂલ કિટ આપી કાર્યક્રમ સમેટી લે છે. બાકીના લાભાર્થીઓને ટૂલ કિટ મળી છે કે નથી મળી તે બાબતે કોઈ પદાધિકારીઓ કે અધિકારીઓને પડી નથી. જેને લઈ ગરીબ લાભાર્થીઓ લાભથી કાયમ માટે વંચિત રહેતા હોવાની બૂમ ઊઠી રહી છે.
આવાં તો અનેક ઉદાહરણો છે, જ્યાં સરકાર લાભાર્થીઓને કિટ મળે એવું આયોજન કરતી હોય છે પરંતુ લાભાર્થીઓ લાભથી વંચિત રહી જાય છે. પાછલા વર્ષમાં ગરીબ આદિવાસી કન્યાઓ ભણી શકે એ માટે રાજ્ય સરકારે સાઈકલ આપવાની યોજના શરૂ કરી હતી. પરંતુ અંધેર વહીવટના કારણે કન્યાઓને સાઈકલો નસીબ ન થઈ અને હજારો સાઈકલો ભંગારમાં આપવી પડી. જેના માટે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થઈ કે નહીં તે તંત્ર જાણે. આ સંજોગોમાં ભરૂચ ખાતે આવેલી મદદનીશ વિકાસ કમિશનર આદિવાસીઓ કચેરીનો અંધેર વહીવટ સામે આવ્યો છે. ૧૩મા તબક્કાનો ગરીબ કલ્યાણ મેળો ગત વર્ષ યોજાયો હતો, જેમાં આ વિભાગ થકી નેત્રંગ તાલુકાના છેવાડાના ગરીબ આદિવાસીઓ સ્વરોજગાર મેળવે એ માટે જે-તે લાભાર્થીઓને ટૂલ કિટ વિતરણ કરવાની હતી. પરંતુ છેલ્લા એક વર્ષથી નેત્રંગ ખાતે આવેલી આદર્શ નિવાસી શાળાની જર્જરીત હોસ્ટેલના એક બંધ રૂમમાં પડી પડી ધૂળ ખાઈ રહી છે. જ્યારે હાથલારીઓ બહારના ભાગમાં વિતરણની રાહ જોઈને પડી રહી છે. ૧૩મા તબક્કાની કિટ ધૂળ ખાઈ રહી છે. તો ૧૪મા તબક્કાની કિટનું શું થયું હશે.
…………….

*વિજય વસાવા નેત્રંગ*

કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર થકી ગરીબ કલ્યાણ મેળા યોજી લોકોના સર્વાંગી વિકાસનો પ્રયાસ કરવામાં આવે છે પરંતુ
આ યોજનાઓનો લાભ આમ જનતાને મળે છે કે કેમ તે જોવાની કે તપાસ કરવાની પદાધિકારીઓ કે ઉચ્ચ અધિકારીઓને પડેલી નથી. ફક્ત એક દિવસ માટે જિલ્લાનો સૌથી મોટો ગરીબ કલ્યાણ મેળો યોજી ફોટોસેશનની કામગીરી કરવામાં આવે છે.


Share to

You may have missed