DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

તાલુકામાં અન્ય સ્થળોની જેમ ઝઘડિયા સુલતાનપુરા લિમોદરા વિસ્તારમાં પણ બેફામ માટી ખનનના મુદ્દે ચકચાર..

Share to

ઝઘડિયા તાલુકામાં માટી માફિયા બેફામ બન્યા-કોના બાપની દિવાળી એમ સમજીને ઠેરઠેર મોટાપાયે માટી ખનન

પ્રતિનિધિ /- સતીશ વસાવા ઝગડીયા DNSNEWS

ઘણીવાર સ્થાનિક અગ્રણીઓ વિરોધ કરે છે પણ છેવટે ભીનું સંકેલાઇ જતું હોવાની ચર્ચા !

ભરૂચ જિલ્લાનો ઝઘડિયા તાલુકો વિપુલ ખનીજ સંપત્તિ ધરાવે છે. તાલુકામાંથી વહેતી નર્મદા નદીના વિશાળ પટમાં લાંબા સમયથી થઇ રહેલ રેત ખનનનો મુદ્દો વારંવાર વિવાદમાં આવે છે,ઉપરાંત તાલુકામાં સંખ્યાબંધ પત્થરની લીઝો તેમજ બિલાડીના ટોપની જેમ ફુટી નીકળેલ સિલિકા પ્લાન્ટોમાં કેટલા કાયદેસર છે અને કેટલા બે નંબરમાં ધનધની રહ્યા છે તે બાબતે જવાબદાર તંત્ર દ્વારા મિડીયાને સાચી માહિતીથી વંચિત રાખવામાં આવે છે. અન્ય ખનીજોને તો ખનીજ માફિયાઓ બેફામ બનીને ઉલેચી રહ્યા છે,પરંતું તેની સાથેસાથે તાલુકાના ઘણા વિસ્તારોમાં ગેરકાયદેસર માટી ખોદકામનો મુદ્દો પણ દિવસેદિવસે વિવાદ ફેલાવી રહ્યો છે. મળતી વિગતો મુજબ હાલમાં ઝઘડિયા સુલતાનપુરા લિમોદરા વિસ્તારમાં ગેરકાયદેસર માટી ખોદકામ ચાલતું હોવાનું સામે આવ્યું છે. જ્યાં માટી ખોદકામ ચાલી રહ્યું છે તે સ્થળ ઝઘડિયા સુલતાનપુરા ગ્રામ પંચાયતની હદમાં હોવાનું પ્રાથમિક ધોરણે જાણવા મળ્યું છે

જોકે આ માટી ખનનની બાબત ગેરકાયદેસર હોવાની બુમો પણ ઉઠી રહી છે પરંતું આ બાબતે ભીનું સંકેલાઇ રહ્યું હોવાની પણ ચર્ચાઓ ઉઠી રહી છે. વધુમાં મળતી વિગતો મુજબ આ માટી ખોદકામના મુદ્દે કેટલાક સ્થાનિકોએ પણ વિરોધ પ્રદર્શિત કર્યો હતો,પરંતું ત્યારબાદ બધુ થાળે પડી જતું હોય એવું વાતાવરણ સર્જાતા વિવિધ સવાલો ઉઠવા પામ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં વર્ષ ૧૯૨૧ દરમિયાન ઝઘડિયાના લિમોદરા વિસ્તારમાં ખોદાણ દરમિયાન પ્રાચિન અલૌકિક જૈન પ્રતિમા પ્રગટ થઇ હતી,એમ જાણવા મળ્યું છે. આમ ઝઘડિયા તાલુકાના ઘણા વિસ્તારો સાથે પ્રાચિન સમયની ભવ્ય આધ્યાત્મિક યાદો સંકળાયેલી છે,છતાં પણ તાલુકામાં થઇ રહેલ મોટાપાયે ખનીજ ખનનની સાથેસાથે ગેરકાયદેસર માટી ખોદકામનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો છે. હાલમાં ઝઘડિયા સુલતાનપુરા વિસ્તારમાં જ્યાં મોટાપાયે માટી ખોદકામ થઇ રહ્યું છે ત્યાં જરૂરી તપાસ કરવા ઝઘડિયા મામલતદાર કે પછી ભરૂચના ભુસ્તર વિભાગના અધિકારીઓ ગયા છે ખરા? તથા ખનન કરવા બાબતે પંચાયત ની પરમિશન લેવાઈ હતી જો પરમિશન લેવાઈ છે તો ક્યારે ? જેવા આ પ્રશ્ન પણ તાલુકાની જનતામાં ચર્ચાઇ રહ્યો છે. તાલુકામાં વિવિધ સ્થળોએથી હજ્જારો ટન માટી ખોદીને અન્ય સ્થળોએ પુરાણ માટે લઇ જવાય છે,તેમાં મોટાપાયે રોયલ્ટીની ચોરી કરીને માટી માફિયાઓ રીતસર સરકારી તિજોરીને ચુનો લગાડી રહ્યા છે. ઝઘડિયા સુલતાનપુરા નજીક ચાલી રહેલ માટી ખોદકામનો મુદ્દો ગતરોજ વિવાદમાં આવ્યો હતો,પરંતું ત્યારબાદ ઘીના ઠામમાં ઘી પડી રહ્યું હોય એમ ફરી પાછુ બધુ રાબેતા મુજબ થઇ જતા જવાબદાર અધિકારીઓ કર્મચારીઓ તેમજ પદાધિકારીઓ પણ શંકાના દાયરામાં રીતસર આવી રહ્યા છે,ત્યારે હવે જિલ્લા લેવલેથી ખાણ ખનીજ વિભાગ દ્વારા આ બાબતે તાકીદે સઘન તપાસ આરંભાય તોજ દુધનું દુધ અને પાણીનું પાણી સામે આવી શકે,પરંતું આ વાત પણ શક્ય બનશે ખરી?! કે પછી લોલમલોલ ની સ્થિતિ યથાવત રહેશે? એ બાબત પણ વિચાર માંગી લે તેમ છે.


Share to

You may have missed