November 21, 2024

ઝઘડિયા ટાઉનના હાર્દ સમા ટેકરા ફળિયા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની સમસ્યાના કારણે સ્થાનિકો પરેશાન.

Share to

સંપૂર્ણ બેદરકારીથી બનાવેલ સીસી રોડ સમતળ ન હોવાના કારણે વરસાદી પાણીનો નિકાલ થતો નથી.

વરસાદી પાણીના ભરાવાના કારણે રોગચારો ફેલાવવાની દહેશત સ્થાનિકોએ વ્યક્ત કરી હતી.

ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના વિસ્તારમાં રહીશો ત્રાહીમામ પોકારી રહ્યા છે, ઠેર ઠેર ફળિયે ફળિયે સમસ્યાઓ સ્થાનિકોને પરેશાન કરી રહી છે. ઝઘડિયા ટાઉનના હાર્દ સમા ટેકરા ફરીયા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની ભારે સમસ્યા વર્તાઈ રહી છે, થોડા સમય પહેલા આ વિસ્તારમાં બ્લોક પેવિન્ગ અને સીસી રોડનું કામ કરવામાં આવ્યું હતું પરંતુ પંચાયત સત્તાવાળાની બેદરકારીના કારણે સીસી રોડ અસ્તવ્યસ્ત અને સમતલ ન હોવાના કારણે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થતો નથી, જેના કારણે સીસી રોડ પર લોકોના ઘરના આંગણામાં છબછબીયા જેવા પાણી ભરાઈ રહેવાની સમસ્યા છેલ્લા કેટલા વર્ષોથી સ્થાનિકોને સતાવી રહી છે, અચાનક આવેલા અશુભ પ્રસંગોમાં પણ આ ભરાયેલા પ્રદૂષિત પાણીના કારણે લોકો ભારે હાડમારીનો સામનો કરી રહ્યા છે, પોતાના આંગણામાં ઉભું રહેવું હોય તો પણ પાણીમાં ઊભું રહેવું પડે તેવી પરિસ્થિતિ ઝઘડિયાના ટેકરા ફળિયા વિસ્તારમાં બનવા પામી છે.

સ્થાનિકોની વારંવારની રજૂઆત બાદ પણ પંચાયત સત્તાવાળાઓ દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી તેમ સ્થાનિકોએ જણાવ્યું હતું. વરસાદી પાણી ભરાવાના સમયે પશુઓના મળમૂત્ર પણ ભરાયેલ પાણીમાં ભરી જતા હોવાના કારણે તીવ્ર દુર્ગંધ આવે છે અને આના જ કારણે રોગચારો ફેલાવવાની પણ દહેશત સ્થાનિકોએ વ્યક્ત કરી હતી. આ ટેકરા ફળિયા વિસ્તારમાં સ્થાનિક ગ્રામ પંચાયતના સભ્ય રહેતા હોવા પછી પણ આ સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી, અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડિયા ટાઉનના મોટા ભાગના ફળિયાઓમાં સ્થાનિકોને ઘણી બધી સમસ્યાઓ સતાવી રહી છે, ઝઘડિયાના થાણા ફળિયા અને રાજપૂત ફળિયાની વાત કરીએ તો આ ફળિયામાં ભાજપાના અગ્રણી ભરતસિંહ પરમાર અને ભાજપાના જિલ્લાના ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ પરમાર પણ રહેતા હોય ફળિયામાં સીસી રોડના કોઈ ઠેકાણા નથી, આવી જ રીતે ટાઉનના કડવા ફળિયા, હનુમાન ફળિયા, સુલતાનપુરા વિગેરે વિસ્તારોમાં, ઉપરાંત ટાઉન બહાર આવેલ સોસાયટી વિસ્તારમાં પણ ખૂબ સમસ્યાઓ સ્થાનિકોને સતાવી રહી છે,

ઠેર ઠેર ગંદકીનો માહોલ પણ ગામમાં જોવા મળે છે, ત્યારે આવા સમયે ઝઘડિયાની પ્રદેશ અને જીલ્લા કક્ષાની નેતાગીરી સ્થાનિકોના પ્રશ્નો ઉકેલવામાં પાંગળી સાબિત થઈ છે જે આ સમસ્યાઓ પરથી ફલિત થાય છે. ટેકરા ફળિયા વિસ્તારના રહીશોએ સત્વરે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી રજૂઆત લેખિતમાં ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીને કરી છે, હવે જોવાનું રહ્યું કે આ સમસ્યાનો અંત ગ્રામ પંચાયત દ્વારા ક્યારે લાવવામાં આવે છે!


Share to

You may have missed