નેત્રંગના કાંટીપાડાનો યુવાન ૮ દિવસથી સુરતથી લાપતા

Share to



સુરત પોલીસની ઢીલી કામગીરી વ્યક્ત કરતા કુટુંબીજનો

નેત્રંગ. તા.૧૦-૦૯-૨૦૨૩.

નેત્રંગ તાલુકાના કાંટીપાડા ગામનો ૧૭ વષીઁય યુવાન તેના કાકા સાથે સુરત ફરવા માટે ગયો હતો. જે હોટલમાં જમવાનું પાર્સલ લેવા ગયો ત્યાંથી લાપતા થઈ જતાં ગરીબ પરિવારજનો છેલ્લા દસ દિવસથી તેની શોધખોળ કરતા કરતા હેરાન પરેશાન થઇ ગયા છે. તો બીજી તરફ લાપતા થયેલ યુવાનને લઇને પરિવારજનોએ લાલગેટ પોલીસ સ્ટેશન સુરત ખાતે ફરિયાદ આપવા છતાં આ બાબતે પોલીસની ઢીલી નીતિને લઈને પરિવારજનો તંત્ર પ્રત્યે રોષ વ્યક્ત કરી રહ્યા છે. આ બાબતે ઝઘડિયાના ધારાસભ્યને પણ ફરિયાદ કરી છે.
નેત્રંગ તાલુકાના કાંટીપાડા ગામના ભગત ફળિયા ખાતે રહેતા મહેન્દ્રભાઈ બાલુભાઈ વસાવા જેઓ સુરત શહેર લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલા હરિપુરા હસનજીનો ટેકરો હરિપુરા પોલીસ ચોકી પાસે આવેલી પવિત્રા ડેરીમાં નોકરી કરી પોતાનુ તેમજ પરિવારજનોનું જીવનનિર્વાહ કરે છે. મહેન્દ્રભાઈના પિતરાઇ ભાઈ મહેશભાઈ ધરમસીંગભાઈનો પુત્ર વિપુલકુમાર (ઉ.વ.આશરે ૧૭) તા.૨૯-૦૮-૨૩ના રોજ કાંટીપાડાથી મહેન્દ્રભાઈ સાથે સુરત ખાતે ફરવા માટે આવ્યો હતો.
તા.૩જી ઓગસ્ટના રોજ મહેન્દ્રભાઈ ખેતીના કામ માટે કાંટીપાડા આવવાનું હોવાથી ભત્રીજા વિપુલને પોતાની સાળીનો દીકરો જે પવિત્રા ડેરીમાં તેઓની સાથે કામ કરતા રૂપેશ સુરેશભાઈ વસાવા પાસે મૂકી ગયા હતા. કાંટીપાડા આવેલ મહેન્દ્રભાઈ પર તે જ દિવસે રાત્રિના ૧૧ વાગે રૂપેશનો ફોન આવ્યો હતો કે માસા આજે અમે ઘરે જમવાનું બનાવ્યું ન હોય, જેને લઈને ૧૦ વાગે વિપુલ ડેરીથી સીધો જમવાનું પાર્સલ લેવા માટે ગયો છે. જે હજી સુધી પરત આવ્યો નથી. તેના મોબાઈલ પર વારંવાર ફોન કરવા છતાં પણ તેનો ફોન સ્વીચ ઓફ આવે છે જેવી હકીકત જણાવી હતી. જે બાબતની જાણ મહેન્દ્રભાઈએ વિપુલના પિતા મહેશભાઈને કરી હતી. જેને લઈને મહેશભાઈએ પણ વિપુલના મોબાઈલ પર વારંવાર સંપર્ક કરતાં ૪ વાગે તેનો ફોન લાગતાં વિપુલે તેના પિતા મહેશભાઈને ફોન પર જણાવ્યું કે હું સવારના આઠ વાગ્યા સુધી કાંટીપાડા આવી જઈશ. બાદમાં મહેન્દ્રભાઈ કાંટીપાડાથી ૪ ઓગસ્ટના રોજ પરત સુરત કામ પર આવતાં તેઓએ કાંટીપાડા ગામે મહેશભાઈ ફોન પર પૂછતાં જાણવા મળ્યું કે વિપુલ હજી સુધી ઘરે પરત નથી આવ્યો. આ હકીકત જાણતાં મહેન્દ્રભાઈ સુરત ખાતે તેઓ રહે છે તે વિસ્તાર સહિત બસ સ્ટેશન, રેલવે સ્ટેશન બાગ-બગીચાઓ, આજુબાજુના મહોલ્લાઓમાં  તમામ જગ્યાએ તપાસ કરી હતી. છતાં વિપુલનો અતોપતો નહીં લાગતાં આખરે મહેન્દ્રભાઈ વસાવાએ કોઈક ઈસમ થકી તેનું અપહરણ થયાની શંકા સેવી સુરત ખાતે આવેલ લાલગેટ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to