અમદાવાદ ATS એ વર્ષ 2017 માં ઇસ્લામિક સ્ટેટ અને ISIS ના અંકલેશ્વર તેમજ સુરત ખાતેથી ઝડપી પાડેલા 2 આતંકીઓને અંકલેશ્વર સેશન્સ કોર્ટે અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા ફરમાવી છે.

Share to



મૂળ વડોદરાનો મહંમદ કાસીમ સ્ટીમ્બરવાલા ઉર્ફે અબુ હામઝા અલ મોહજીર સુરત રહેતો હતો. અને લેબ ટેકનિશિયન તરીકે અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં નોકરીએ જોડાયો હતો. જ્યારે સુરત દાવત રેસ્ટોરન્ટ ચલાવતો વકીલ ઉમેદ અહેમદ ઉર્ફે ઊબેદ મિર્ઝા 2014 થી ગુજરાતમાં આતંકી હુમલાને અંજામ આપવાની પેરવીમાં હતા.

બંને આતંકીઓ ઇસ્લામિક સ્ટેટ અને ISIS સાથે જોડાયેલા હતા. લોન વુલ્ફ એટેક માટે હથિયારો પણ એકત્ર કરવાની ફિરાકમાં હતા. અમદાવાદમાં હુમલા માટે ધાર્મિક સ્થળની રેકી પણ કરી હતી.

સોશ્યલ મીડિયા પર એકાઉન્ટ થકી ટેરર એટેક માટે યુવાનોને ગુમરાહ કરી 4 આતંકી પણ તૈયાર કર્યા હતા. જેઓ ગુજરાત ઉપરાંત હૈદરાબાદ બેંગ્લોર અને કલકતામાં પણ આતંકીઓના સંપર્કમાં હતા.

અમદાવાદ ATS એ બન્ને આતંકીઓને વર્ષ 2017 માં અંકલેશ્વર અને સુરતથી ઝડપી લીધા હતા. જેઓ સામે અંકલેશ્વરની સેશન્સ કોર્ટમાં કેસ ચાલી ગયો હતો. સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ પરેશ પંડ્યા ઉપસ્થિત રહ્યાં હતાં.

ટેરર કેસમાં 75 સાહેદો, ATS ની તપાસનો નિચોડ, ડિજિટલ, સર્વેલન્સ પુરાવા, ડેટાઓ, લેપટોપ, મોબાઈલ અને પેન ડ્રાઈવ રજૂ કરાયા હતા. જેઓને ગ્રાહ્ય રાખી સેશન્સ જજે બંને આતંકીઓ કાસીમ સ્ટીમ્બરવાલા અને ઉબેદ મિર્ઝાને છેલ્લા શ્વાસ સુધી કેદની સજાનો હુકમ આજે કર્યો હતો.


Share to