જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ પ્રેરણાદાયી ઉપસ્થિતિ નોંધાવીને રમતક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનારી નર્મદાની દીકરીઓને સન્માનિત કર્યા

Share to



*નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા:*

*- મહિલા સશક્તિકરણની દિશામાં રાજ્ય સરકારના સઘન પ્રયાસોને સફળતા મળી છે*

*- વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૧૫ માં મહિલા સશક્તિકરણની દિશામાં નવો અધ્યાય શરૂ કર્યો*

*- સમસ્ત માનવ સમાજ માટે મહાકલંક રૂપી નારી ભૃણ હત્યાને જડમુળથી સમાપ્ત કરવામાં રાજ્ય સરકારને સફળતા મળી*

*- દીકરીઓના શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે કલા-વિજ્ઞાન, ખેલકૂદ ક્ષેત્રે ઉજ્જવળ ભાવિ માટે રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓ આશિર્વાદરૂપ*

નર્મદા:‘નારી વંદન ઉત્સવ’ ની રાજ્યવ્યાપી ઉજવણીના બીજા દિવસે રાજપીપલા ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ વાવડી ખાતે ‘બેટી બચાવો, બેટી પઢાવો’ થીમ આધારિત કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાની પ્રેરણાદાયી ઉપસ્થિતિ નોંધાવીને પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે, ‘નારી વંદન ઉત્સવ’ થકી રાજ્ય સરકારે સમાજની પ્રત્યેક દીકરીઓને શિક્ષિત અને સશક્ત બનાવવાની દિશામાં નક્કર કદમ ઉઠાવ્યું છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજનાનો પ્રારંભ કરાવીને ‘મહિલા સશક્તીકરણ’ની દિશામાં નવો અધ્યાય શરૂ કર્યો હતો, ત્યારે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારને સમસ્ત માનવ સમાજ માટે મહાકલંક રૂપી નારી ભૃણ હત્યાને જડમુળથી સમાપ્ત કરવામાં મોટી સફળતા મળી છે.

નર્મદા જિલ્લાની દીકરીઓ શૈક્ષણિક, સામાજિક અને આર્થિક રીતે સશક્ત બને અને પોતાના અધિકારો વિશે જાગૃત થાય તેવા ઉમદા આશય સાથે જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીશ્રી જે.બી.પરમાર અને જિલ્લા બાળ વિકાસ અધિકારીશ્રી ચેતનભાઈ પરમારે પણ મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અને વ્હાલી દીકરી સહિતની યોજનાકિય માહિતી અને લાભોથી દીકરીઓને સમજણ પુરી પાડીને મહિલા સુરક્ષા સુનિશ્ચિત કરતી ટુકડી ‘SHE ટીમ’ની ભુમિકા-કામગીરીથી માહિતગાર કર્યા હતા.

*‘કોફી વિથ જિલ્લા પંચાયત પ્રમુખ’* થીમ હેઠળ શ્રીમતી પર્યુષાબેન વસાવાએ નર્મદા જિલ્લા ડિસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટ્સ સંકુલની કોચ સુશ્રી લતાબેન ઝાલા અને રમતક્ષેત્રે પોતાની પ્રતિભાથી નર્મદા જિલ્લાને ગૌરવાન્વિત કરતી દીકરીઓને થીમ આધારિત ટીશર્ટ અને ટ્રોફી આપીને સન્માનિત કર્યા હતા. વધુમાં રાજ્ય સરકારે પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા ઉપલબ્ધ કરાવેલા મંચનો ઉપયોગ કરીને અભ્યાસ, કલા-વિજ્ઞાનની સાથે ખેલકુદ ક્ષેત્રે પણ પોતાની પ્રતિભાનો પરિચય આપી નર્મદા જિલ્લાનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ વાવડીના શ્રી કિંજલ અટોદરીયા, ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન – DHEW ના કર્મયોગીશ્રી પ્રણય એરડા સહિત સંપૂર્ણ ટીમ, મહિલા સહાયતા કેન્દ્રના કાઉન્સેલર શ્રી હિરલબેન વસાવા અને દિપિકાબેન ચૌધરી, ૧૮૧ ટીમ અભયમના કાઉન્સલર શ્રી જીગીશાબેન ગામીત, “ટીમ SHE” ના શ્રી રેખાબેન ચૌધરી, સખી વન સ્ટોપ સેન્ટરના શ્રી જ્યોતીબેન માછી સહિત સંસ્થાની દીકરીઓએ ઉત્સાહભેર હાજરી નોંધાવી હતી.

*રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા*


Share to