October 30, 2024

છોટાઉદેપુર જિલ્લામાં ફૂંકાયેલા ભારે વાવાઝોડાએ ઠેર ઠેર તારાજી સર્જી!

Share to

અચાનક ફૂકાયેલા વાવાઝોડાએ માત્ર 15 મિનિટમાં જ પૂર્વપટ્ટીનું ધનોત પનોત કાઢી નાખ્યું!



આખા જિલ્લાના લગભગ તમામ માર્ગો પર વૃક્ષો ધરાશાયી થતાં ત્રણ કલાક માટે જામ સર્જાયો હતો

બોડેલીમાં બજારો આખો દિવસ સૂમસામ રહ્યા!

વાવાઝોડા,વરસાદ પછી ગામની અડધી દુકાનો અને બજાર બંધ રહ્યું હતું

અસહ્ય ગરમી લાગતી હતી ત્યારે માત્ર પાંચ જ મિનિટમાં અચાનક સમગ્ર પંથકમાં શીત લહેર દોડી ગઇ!

છોટાઉદેપુર જિલ્લામાં આજે સવારે વાવાઝોડા સાથે ભારે વરસાદ પડતા તમામ રસ્તાઓ ઉપર વૃક્ષો ખડી પડવાની ઘટનાઓ બની હતી.તે સાથે જ રસ્તા બ્લોક થઈ ગયા હતા. વાહન વ્યવહાર ખોરવાયો હતો. જનજીવન પર માઠી અસર પહોંચી હતી. બોડેલી સહિત પૂર્વ પટ્ટીમાં એક સરખી તાકાત સાથે ભારે વાવાઝોડું ફુગાવાની સાથે પૂર્વ પટ્ટીના આકાશમાં કાળા ડિબાગ વાદળોએ ઘેરાબંધી કરી લીધી હતી. સવારના સૂર્યપ્રકાશના શ્વેત ઓજસ સાથેના વાતાવરણમાં અચાનક પલટો આવતા ઘોર અંધકાર વ્યાપી ગયો હતો અચાનક જ ફૂકાયેલા વાવાઝોડાને લીધે ઠેર ઠેર તારાજી સર્જાઇ હતી.
અનેક ઘરોના છાપરા ઉડી ગયા હતા તો કાર અને ટ્રેક્ટર ઉપર વૃક્ષો પડવાના બનાવ પણ બન્યા હતા. સખાંદરા ગામે એક ભેંસ મરી ગઈ હતી. જ્યારે વાઘવા ગામે એક વાછરડાનું મોત નીપજ્યું હતું. સંખેડા ના લોટિયા ગામે બે વાછરડાના મોત નિપજ્યા હતા.છોટાઉદેપુર કસ્બામાં એક જુના મકાનની બીજા માળની દિવાલ ધારાશાયી થઇ હતી.જેમાં સદનસીબે કોઈ ને ઇજા કે જાનહાનિ થઇ નહતી.
બોડેલી ડભોઇ રોડ પર ઠેર ઠેર ઝાડો અને ડાળીઓ તૂટી પડ્યા હતા.માંડ માંડ આ વૃક્ષો રોડ પરથી કાપીને દૂર કરાયા હતા. છેક બપોરે થભી ગયેલો વાહન વ્યવહાર પૂર્વવત થઇ શક્યો હતો.તેવી જ સ્થિતિ બોડેલી કવાંટ રોડ પર સર્જાઇ હતી.અહીં પણ અનેક વૃક્ષો રોડ પર ખડી પડ્યા હતા.બોડેલી છોટાઉદેપુર રોડ પર પણ એવી જ અવસ્થા હતી.મેરીયાથી જબુગામ,સુષ્કાલ વિસ્તારમાં જ્યાં નજર ઠરે ત્યાં વૃક્ષો રોડ પર તૂટીને પડેલા હતા.બોડેલી નસવાડી રોડ,નસવાડી થી દેવલીયા વચ્ચે પણ આજ સ્થિતિ હતી.અચાનક ફૂકાયેલા વાવાઝોડાએ પૂર્વપટ્ટીનું ધનોત પનોત કાઢી નાખ્યું હતું.
પાંચ મિનિટ પહેલાં જ્યાં અસહ્ય ગરમી લાગતી હતી ત્યાં પાંચ મિનિટ પછી એવી શીત લહેર દોડી ગઇ કે ઠંડીની અસરે લોકોને ધાબળા પણ ઓઢવા પડે! અચાનક આવેલા હવામાનના બદલાવની અસરો પૂર્વપટ્ટી ના તમામ સ્થળો અને અહીંના તમામ નાગરિકોએ અનુભવી હતી.




અચાનક ફૂકાયેલા વાવાઝોડાએ વિવિધ તંત્રોની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી નાંખી!

પ્રિ મોનસૂન કામગીરી કરવામાં માર્ગ મકાન વિભાગ અને વન વિભાગ વચ્ચે કોઈ લાયઝનિંગ જ નથી તેમ રસ્તાઓ પર ખડી પડેલ વૃક્ષોને પગલે સર્જાયેલ દુદર્શાથી ફલિત થઇ રહ્યું છે.બોડેલી ડભોઇ રોડ અને બોડેલી સંખેડા રોડ તો સામાન્ય પવન ફૂકાયને ડાળીઓ તૂટી રોડ પર ઠલવાઈ જવાની ઘટનાઓ બનતી હોય છે.સાયકલોન વખતે તો જોવા જેવી થાય છે.પ્રિ મોન્સૂન કામગીરીમાં વન વિભાગ દ્વારા નડતરરૂપ વૃક્ષોની ડાળીઓ કાપવા ઉદાસીનતા દાખવાઇ હોવાનું છતું થયું છે.તો આર.એન્ડ બી.તંત્રે રસ્તાઓ નિર્વિઘ્ન બને તેની તકેદારી રાખવા વન વિભાગ સાથે લાયઝનિંગ રાખવામાં ઉણું ઉતર્યું છે તે હકીકત છે.નહિતર ચોમેર આ દુર્દશા ન સર્જાઇ હોત!



જબુગામ પાસે મધ્યપ્રદેશની એક કાર પર વૃક્ષની ડાળીઓ પડી અને જોવા જેવી થઈ..!

આજે સવારે ભારે પવન ફૂકાયો ત્યારે બોડેલી છોટાઉદેપુર રોડ પર જબુગામ નજીક મધ્યપ્રદેશની એક કાર પુરપાટ જઇ રહી હતી.વાવાઝોડાને લીધે આ કાર પર રસ્તાની બાજુના વૃક્ષની ડાળીઓ ધડાધડ પડી હતી.તે જ વખતે કાર ઉભી રાખી કારમાં સવાર સૌ સલામત રીતે ઉતરી સુરક્ષિત સ્થળે સ્થાન લઇ લીધું હતું.આ બનાવમાં સદનસીબે કોઇ જાનહાનિ થઇ નહતી સૌનો આબાદ બચાવ થયો હતો.

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


Share to

You may have missed