ઝઘડિયાના ફિચવાડા ગામના ઇસમને અન્યની પીક અપ પર ડ્રાઇવિંગ કરવાની બાબતે બે ઇસમોએ માર માર્યો..

Share to


તુ કેમ ચાંદીયાપુરા ગામે પીક અપ ડ્રાઇવિંગ કરે છે એમ કહીને હુમલો


ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ફિચવાડા ગામે રહેતા એક ઇસમને જીતપુરા ગામના ઇસમે પીક અપ ગાડી પર ડ્રાઇવિંગ કરવાની બાબતે બોલાચાલી કરીને માર માર્યો હોવાની ઘટના બનવા પામી છે. ઉમલ્લા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ફિચવાડા ગામે રહેતો ભરતભાઇ દિવાનભાઇ વસાવા ચાંદીયાપુરા ગામના કાલિદાસ વસાવા નામના ઇસમની પીક અપ ગાડી પર ડ્રાઇવિંગ કરવાની નોકરી કરે છે. દરમિયાન ગતરોજ તા.૧૪ મીના રોજ રાતના આઠેક વાગ્યાના અરસામાં જીતપુરા ગામે રહેતો અર્જુન વસાવા તેમજ ચાંદીયાપુરા ગામે રહેતો વિનોદ ઉર્ફે ભુરો વસાવા નામના ઇસમો હાથમાં લોખંડની કુહાડી તેમજ લોખંડની પાઇપ લઇને આવ્યા હતા, અને તું ચાંદીયાપુરાના કાલિદાસ વસાવાની પીક અપ પર કેમ ડ્રાઇવિંગ કરે છે અને તેની સાથે કેમ ફરે છે?

તેમ કહીને આ લોકોએ બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો. આ લોકો ગાળો બોલવા લાગ્યા હતા,અને ત્યારબાદ ઢિકાપાટુનો માર મારીને લોખંડના પાઇપ તેમજ કુહાડીથી હુમલો કર્યો હતો. આ હુમલામાં ભરતભાઇ ઇજાગ્રસ્ત થતા માથામાં ચામડી ફાટી જઇને લોહી નીકળ્યું હતું. ત્યારબાદ આ લોકો જાનથી મારી નાંખવાની ધમકી આપીને ત્યાંથી જતા રહ્યા હતા. ઇજાગ્રસ્ત ભરતભાઇને ઉમલ્લા સરકારી દવાખાને સારવાર માટે લઇ જવાયો હતો. ઘટના સંદર્ભે ભરતભાઇ દિવાનભાઇ વસાવા રહે.ગામ ફિચવાડા તા.ઝઘડિયાની ફરિયાદ મુજબ ઉમલ્લા પોલીસે અર્જુનભાઇ વસાવા રહે.જીતપુરા તા.ઝઘડિયા તેમજ વિનોદભાઇ ઉર્ફે ભુરો વસાવા રહે.ગામ ચાંદીયાપુરા તા.ઝઘડિયા (બન્નેના પુરા નામ મળેલ નથી) વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર તપાસ હાથ ધરી હતી.

#DNSNEWS


Share to