November 22, 2024

ઝઘડિયા તાલુકાના રૂંઢ કૃષ્ણપરી ગામ વચ્ચે નર્મદા તટે આવેલ ઉદાસીન કાષ્ણિ નર્મદા કુટીર નું નવું બનતું મંદિર જમીનમાં બેસી ગયું.

Share to

રિપોર્ટ / સતીશ વસાવા ઝગડીયા

નર્મદા નદીની ભેખડથી ૩૦ ફૂટ દૂર મંદિર અચાનક કંઈક ધડાકો થતા મંદિર ત્રણ ફૂટ જેટલું જમીનમાં બેસી ગયું.

નર્મદા નદી માંથી મોટા પાયે રેતી ઉલ્લેચવાના ના કારણે ધોવાણ થતું હોવાનો લોકો નો મત…

ઝઘડિયા તાલુકાના નર્મદા કિનારે અસંખ્ય નાના મોટા પૌરાણિક દેવસ્થાનો આશ્રમો અને નર્મદા પરિક્રમા વાસીઓના વિશ્રામ અને આશ્રય સ્થાનો આવેલા છે. ઝઘડિયા તાલુકાના કૃષ્ણપરી અને રૂઢ ગામ વચ્ચે નર્મદા કિનારે આવેલ ઉદાસીન કાષ્ણિ નર્મદા કુટીર ખાતે હાલ છેલ્લા બે વર્ષથી કાષ્ણિશ્વર મહાદેવનું મંદિર, રાધાકૃષ્ણનું મંદિર, નર્મદા માતા મંદિરનું બાંધકામ ચાલુ છે. મંદિર ના મહંત કાષ્ણિ વાસુદેવાનંદજી દ્વારા નવા મંદિરના બાંધકામ દરમિયાન આશરે ૨૮ લાખ જેટલા રૂપિયાનો ખર્ચ અત્યાર સુધીમાં કરવામાં આવ્યો છે. આ કુટિયા ખાતે અસંખ્ય નર્મદા પરિક્રમા વાસીઓ રોજિંદા આવી વિશ્રામ કરે છે અને રાત્રી નિવાસ કરે છે અને તેમની ભોજનની વ્યવસ્થા પણ મંદિર સંચાલક મહંત દ્વારા કરવામાં આવે છે. ગતરોજ બપોરના સમયે મંદિરના નીચેના ભાગમાં નર્મદા કિનારા તરફ કાંઈક મોટો ધડાકો થયા બાદ મંદિર બે થી ત્રણ ફૂટ જેટલું તેની જ જગ્યાએ જમીનમાં બેસી ગયું હતું. મંદિર બેસી જવાના કારણે મંદિરની છત તેની દીવાલોમાં તિરાડ તેના કોલમ બીમ ત્રાંસા થઈ ગયા હતા અને મોટું નુકસાન મંદિરને પહોંચ્યું હતું. આ ઘટના બાદ મંદિરમાં સેવા આપતા લોકો દ્વારા મંદિરનો સામાન બહાર કાઢી સુરક્ષિત જગ્યાએ મૂકવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકાના ભાલોદ થી લઇ મુલદ સુધીના નર્મદા કિનારે ઝઘડિયા તાલુકા તરફ મોટા પાયે જમીનોનું ધોવાણ થઈ રહ્યું છે સાથે સાથે નર્મદા કિનારા પર આવેલા નાના-મોટા આશ્રમો અને મંદિરો પણ ધોવાણના કારણે નર્મદા નદીમાં ગરકાવ થઈ રહ્યા છે. ઝગડીયા તાલુકાના અનેક નદી કાંઠા વિસ્તાર માં મોટા પાયે રેતી નર્મદા નદી માંથી કાઢવામાં આવતા અનેક વિસ્તારમાં આવેલ મકાનો અને મંદિરો નદી ના પટ માં સમવાની આરે છે અને અનેક વિસ્તારો ની જમીનો ઘણા વર્ષોથી ધોવાય છે પરંતું વહીવટી તંત્ર દ્વારા આ વિષય ઉપર ધ્યાન દોરી તેને રોકવાનું કોઈ પ્રયાસો કરવામાં આવ્યા નથી…

#DNSNEWS


Share to