November 21, 2024

પાણીપુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષ સ્થાને દક્ષિણ ગુજરાત ઝોનના જિલ્લાઓમાં પાણી પુરવઠા અને સીવરેજ બોર્ડની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈઃ

Share to


વર્ષ ૨૦૨૨ સુધીમાં ‘નલ સે જલ’ યોજના અંતર્ગત દરેક ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ : પાણી પુરવઠા મંત્રી
——–
સુરત:શનિવાર: રાજ્યના પાણીપુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને સુરત સરકીટ હાઉસના સભાખંડમાં દક્ષિણ ગુજરાત ઝોનમાં સમાવિષ્ટ સાત જિલ્લાઓમાં પાણી પુરવઠા વિભાગ અને સીવરેજ બોર્ડની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠકમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વડપણમાં “નલ સે જલ” યોજનાને જલ જીવન મિશન હેઠળ આવરી લઈને ગુજરાતના તમામ ૧૭ લાખ ઘરોને નળજોડાણથી પાણી પહોંચતું કરવાનું અભિનવ અભિયાન હાથ ધર્યું છે. સુરત ઝોનમાં સુરત, તાપી, ભરૂચ, વલસાડ, ડાંગ, નવસારી અને નર્મદા એમ કુલ ૦૭ જિલ્લાઓ અને ૩૫૪૦ ગામો સમાવિષ્ટ છે. વર્ષ-૨૦૧૧ ના આંકડા મુજબ સુરત ઝોનના સાત જિલ્લાની વસ્તી ૫૮,૨૨,૯૨૨ હતી, જેમાં ૧૦ વર્ષ બાદ નોંધપાત્ર વધારો નોંધાયો હોવાથી આ વસ્તીને સુદ્રઢ આયોજન મુજબ પીવાના પાણીની સુવિધા પૂરી પાડવા માટે ૯૪ હયાત જૂથ પાણી પુરવઠા યોજનાઓ તેમજ ૫૨ (બાવન) નવી પ્રગતિ હેઠળની જૂથ યોજનાઓ અમલી છે. આમ સુરત ઝોન હેઠળના જિલ્લાઓમાં રૂ.૨૦૬૭.૨૮ કરોડનો માતબર ખર્ચ કરવામાં આવ્યો છે.
વાસ્મો હેઠળ રૂ.૫૬૫.૫૫ કરોડના ખર્ચે ૪૧ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની યોજનાઓ જેમાં ૧૪ યોજનાઓ પ્રગતિમાં અને બે યોજનાઓ પૂર્ણ થઈ તેમજ ૨૫ યોજનાઓનું ભાવિ આયોજન કર્યું હોવાનું જણાવી મંત્રીશ્રીએ વર્ષ ૨૦૨૨ સુધીમાં ‘નલ સે જલ’ યોજના અંતર્ગત દરેક ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ હોવાનું કહ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકારે નાગરિકોની સાથોસાથ પશુઓ માટે પણ પીવાના પાણીની વ્યવસ્થાને પણ પાણી પુરવઠા યોજના હેઠળ આવરી લીધી છે. જે માટે નવા હવાડા તેમજ ભૂગર્ભ સમ્પ બનાવવાની પણ જોગવાઈ કરી છે. જે પણ ગામોમાં જલ જીવન મિશન-નલ સે જલ, વાસ્મો યોજનાના કામો પ્રગતિ હેઠળ હોય ત્યાં અધિકારીઓ નિયમિતપણે મુલાકાત લઈને ગુણવત્તાયુક્ત અને સમયાવધિમાં કાર્યો પૂર્ણ થાય તેનો વિશેષ અનુરોધ કર્યો હતો.
પાણીપુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા સ્થાનિક ધારાસભ્યશ્રીઓ સાથે નિયમિત રીતે સંકલન સાધી પાણીની સમસ્યાઓનું સ્થાનિક કક્ષાએથી જ નિરાકરણ કરવામાં આવે તે જરૂરી છે એમ જણાવી મંત્રીશ્રીએ પાણી યોજનાના કામો સમયમર્યાદામાં થાય તે માટે ખાસ તાકીદ કરી હતી.
બેઠકમાં ધારાસભ્ય સર્વશ્રી પૂર્ણશભાઈ મોદી, પ્રવિણભાઈ ઘોઘારી, મુકેશભાઈ પટેલ, વી.ડી.ઝાલાવાડિયા, મોહનભાઈ ઢોડીયા સહિત પાણી પુરવઠા વિભાગના સભ્ય સચિવશ્રી, મુખ્ય ઇજનેરશ્રી (ટેકસેલ), સુરત ઝોન મુખ્ય ઇજનેરશ્રી, ઝોનના અગ્રણીઓ, સુરત ઝોન પાણીપુરવઠા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.


Share to

You may have missed