November 21, 2024

ઝઘડિયાના ખરચી ગામે ૮૦ વર્ષની વૃધ્ધાને ખેતરની રૂમમાં ગોંધી દઈ બંગડીઓની લુંટ ચલાવી

Share to

આંબાની કલમો રોપવાની મજૂરી મારે લેવાની છે, એમ કહીને લાગ જોઇને અજાણ્યા ઇસમે લુંટ ચલાવી

રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા

ઝઘડિયા તાલુકાના ખરચી ગામે રહેતા ઉજમબેન ગણપતભાઈ પટેલ નામની ૮૦ વર્ષીય વૃધ્ધાનું એક ખેતર સરદારપુરા તરફ જવાના રોડ પર આવેલું છે, જેમાં આંબાવાડીયુ બનાવેલું છે. ગતરોજ ઉજમબેન બપોરના સાડા ત્રણ વાગ્યાના અરસામાં તેમના આંબાવાડિયા વાળા ખેતરે ગયેલ હતા. તેઓ આંબાવાડીમાં સાફ-સફાઈ કરતા હતા ત્યારે ચાર વાગ્યાના અરસામાં એક માણસ તેમની પાસે આવ્યો હતો અને જણાવેલ કે હું ગુમાનપુરા ગામથી આવું છું અમોએ તમારા આંબાની કલમો રોપવાનું કામ રાખેલ હતું, અમારી મજૂરીના રૂપિયા ૪૦૦૦ કાકા પાસે લેવાના બાકી છે તેવી વાત કરી હતી. ઉજમબેને આ આવેલા ઈસમને જણાવ્યું હતું કે તું તારો મોબાઈલ ફોન આપ મારા છોકરાને પૂછી લઉં કે તારા પૈસા બાકી છે કે કેમ ? અને બાકી હશે તો હું આપી દઈશ. તેણે તેમના છોકરા સાથે મોબાઇલ ઉપર વાત કરાવેલ નહીં અને ઉજમબેનની નજીકમાં આટા ફેરા મારવા લાગ્યો હતો.

તે દરમિયાન ઊજમબેન તેમનો ખેતીનો સામાન રૂમમાં મુકતા હતા ત્યારે આ ઇસમે ઉજમબેનને ધક્કો મારી રૂમનો દરવાજો અંદરથી બંધ કરીને ઉજમબેનને રૂમમાં ગોંધી દીધા હતા. જેથી તેઓ ગભરાઈ ગયા હતા અને તેમણે જણાવેલ કે તું મને મારતો નહી તને જે જોઈએ તે લઈ લે, જેથી આ ઇસમે ઉજમબેનના હાથમાંની ચાર તોલાની બે બંગડીઓ રુ.૧૮૦૦૦૦ ની કિંમતની બળજબરીથી કાઢી લઇને રૂમ ખોલીને રોડ બાજુ જતો રહ્યો હતો. લુંટારૂએ રોડ પર મોટરસાયકલ ઉભું રાખેલ હોય તે મોટર સાયકલ લઈને સરદારપુરા ગામના રોડ બાજુ જતો રહ્યો હતો. ઝઘડિયા પોલીસે ઉજમબેનની ફરિયાદ મુજબ લુંટ કરી નાશી જનાર અજાણ્યા ઇસમ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર તપાસ હાથ ધરી હતી.

#દૂરદર્શી ન્યૂઝ


Share to

You may have missed