મહારાષ્ટ્રમાં ફિલ્મી ઢબે દરોડા પાડી ૩૯૦ કરોડ જપ્ત કરવાનો સમગ્ર મામલો

Share to

(ડી.એન.એસ)મહારાષ્ટ્ર,તા.૧૨

મહારાષ્ટ્રના જાલનામાં આવકવેરા વિભાગે ફિલ્મી ઢબે મોટી કાર્યવાહી કરી છે. જેમાં ૫૮ કરોડની રોકડ અને ૩૨ કિલો સોનું મળી આવ્યું છે. આઈટીની ટીમે સ્ટીલ ઉત્પાદક કંપનીના માલિકની ફેક્ટરી, ઘર અને ઓફિસ પર દરોડા પાડીને ૩૯૦ કરોડ જપ્ત કર્યા હતા.જાલનામાં આવકવેરા વિભાગની ટીમે ફિલ્મ સ્ટાઈલમાં સ્ટીલના બિઝનેસમેનના ઘરે રેડ કરી હતી. આ રેડને દુલ્હન હમ લે જાયેંગે નામ આપવામાં આવ્યું હતું. કોઈને આ દરોડાની ગંધ ન આવે તે માટે આવકવેરાની ટીમે અનોખી પદ્ધતિ અપનાવી હતી. આઈટીની આખી ટીમ લગ્ન માટે જાન લઈને જતા મહેમાનોની જેમ રેડ કરવા પહોંચી હતી. વરરાજાની ગાડીની વ્યવસ્થા કરવામાં આવી હતી. વાહનો પર વર-વધૂના સ્ટીકર લગાવવામાં આવ્યા હતા. દરોડા માટે આઇટી ટીમના ૨૬૦ અધિકારી અને કર્મચારીઓએ ૧૨૦ વાહનોનો ઉપયોગ કર્યો હતો કઈ રીતે કરી તૈયારીઓ? આવકવેરા વિભાગની ટીમને બાતમી મળી હતી કે, એક જગ્યાએ ઘણી રોકડ છે. આ રોકડ જાલનાના સ્ટીલ બિઝનેસમેનના ઘરે છે. ઘર અને ઓફિસમાં અલગ અલગ બેગમાં કરોડો રૂપિયાની નોટોના બંડલ પડ્યા છે. દરોડાનું પ્લાનિંગ અહીંથી શરૂ થયું હતું. દરોડાના સમાચાર લીક ન થાય તે માટે આ ટીમમાં નાસિક, પૂણે, થાણે અને મુંબઇના અધિકારીઓનો સમાવેશ કરાયો હતો.આવકવેરા વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ કોઈના લગ્નમાં જઈ રહ્યા હોય તેવો માહોલ ઉભો કરાયો હતો. તમામ વાહનોની ઓળખ માટે કોડ વર્ડ પણ મૂકવામાં આવ્યો હતો. કોડ વર્ડ હતો – દુલ્હન હમ લે જાયેંગે. આ કોડ વર્ડ દ્વારા અધિકારીઓના વાહનોની ઓળખ કરવામાં આવી રહી હતી. ૩૯૦ કરોડની બિનહિસાબી સંપત્તિનો ખુલાસો – દુલ્હન હમ લે જાયેંગેના સ્ટીકરવાળા આ વાહનો જલના પહોંચ્યા કે તરત જ બધા વાહનો બિઝનેસમેનના ઘર-ઓફિસ અને ફેક્ટરી તરફ વળી ગયા હતા. જાલનામાં આવેલા સ્ટીલના વેપારીના કારખાના, મકાનો અને ઓફિસોમાં પહોંચતા જ જાનૈયા બનીને આવેલા આવકવેરા વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ દરોડા પાડવાનું શરૂ કરી દીધું હતું. આ દરોડા દરમિયાન ૩૯૦ કરોડની બિનહિસાબી સંપત્તિનો ખુલાસો થયો હતો. આ કાર્યવાહીમાં ૫૮ કરોડની રોકડ, ૩૨ કિલો સોનાના દાગીના (હીરા, મોતી વગેરે) તેમજ બિનહિસાબી મિલકતના દસ્તાવેજાે જપ્ત કરવામાં આવ્યા હતા. આ દરોડામાં ઔરંગાબાદના જાણીતા બિલ્ડર અને બિઝનેસમેન પર કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન દરોડામાં હાથ લાગેલી રોકડ રકમની ગણતરી કરવામાં ટીમને ૧૩ કલાકનો સમય લાગ્યો હતો. આવકવેરા વિભાગના નાશિક ઇન્વેસ્ટિગેશન એન્ડ ડિટેક્શન ડિવિઝન હેઠળ ઔરંગાબાદની ટીમને મળેલી બાતમી મુજબ જાલનામાં ચાર મોટી સ્ટીલ મિલોએ બિઝનેસમાંથી કરોડો રૂપિયાની સરપ્લસ આવક મેળવી હતી અને ગેરકાયદે વ્યવહારો કર્યા હતા. આ પછી આવકવેરા વિભાગની ટીમે આ ઉદ્યોગપતિઓ પર ત્રાટકી હતી.


Share to