November 28, 2024

પાવીજેતપુર ભારજ પુલ પાસે તૂટેલા ડાયવર્ઝનના સ્થાને નવીન ઓલવેધર ડાયવર્ઝન બનાવવાની લોક ની માંગ

Share to

પાવીજેતપુર નજીક ભારજ પુલ પાસે બનાવેલ ડાયવર્ઝન તૂટી જતા રસ્તો બંધ થઈ જવા પામ્યો છે ત્યારે પુનઃ જે ડાયવર્ઝન બનાવવામાં આવે તે ઓલવેધર ડાયવર્ઝન બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

૨૯ જુલાઈ ૨૦૨૩ ના રોજ ભારે વરસાદના પગલે ભારજનો પુલ સેટલમેન્ટ થતાં રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. ત્યારબાદ લાંબા સમય સુધી કોઈ જ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હતી. ત્યારે સીથોલ અને સિહોદ ના લોકોએ તેમજ પાવીજેતપુર ડેપ્યુટી સરપંચ મોન્ટુ શાહ તથા છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ રસ લઇ જનતા ડાયવર્ઝન શરૂ કર્યું હતું જે સમગ્ર છોટાઉદેપુર જિલ્લા સહિત મધ્યપ્રદેશની જનતા માટે આશીર્વાદરૂપ સાબિત થયું હતું. આ વર્ષે પણ છોટાઉદેપુરના ધારાસભ્ય, પાવીજેતપુર ડેપ્યુટી સરપંચ અને સીથોલ, સિહોદ ના લોકો રસ લઈ જનતા ડાયવર્ઝન બનાવે તેવી લોકો આશ લગાવી બેઠા છે.
છેલ્લે છેલ્લે તંત્રએ પાંચમા મહિનામાં નદીના પટમાં ડાયવર્ઝન ૨.૩૪ કરોડના ખર્ચે બનાવ્યું હતું જે ૨૪ ઓગસ્ટમાં રોજ સામાન્ય પાણી આવતા જ ધોવાઈ ગયું છે. જેને લઇ રસ્તો જ બંધ થઈ જવા પામ્યો છે. લોકોને તંત્રની નિષ્કાળજીના કારણે અડધો કિલોમીટર પુલના સ્થાને ૪૦ કીમી નો ફેરો ફરવાનો વારો આવ્યો છે.
૧૪ માસ પૂર્વે આ પુલ બેસી ગયો હોય પરંતુ તંત્રએ હજુ સુધી કોઈ જ નક્કર નિર્ણય લીધો નથી. સંબંધિત અધિકારીઓને પૂછતા એવો જવાબ આપે છે કે ઉપર મંજૂરી માટે મોકલ્યું છે મંજૂરી ની મોર વાગે એટલે ટેન્ડરિંગ કરી કામ ચાલુ થઈ જશે. ૧૪ મહિનાના વ્હાના વીતી ગયા છતાં હજુ સુધી પુલ મંજૂર કરવામાં આવ્યો નથી. તો બનતાં કેટલો સમય થશે ?
૧૪ માસથી પુલ મંજૂર કરવામાં આવ્યો નથી, મંજુર થશે ત્યારે પુલ બનવામાં ઓછામાં ઓછા ત્રણ થી ચાર વર્ષ નીકળશે તો શું દર ચોમાસામાં આ રસ્તો બંધ થઈ જશે ? લોકોને ૪૦ કીમી નો ફેરો ફરીને જ આગળ જવું પડશે ? આવા વેધક સવાલો જનતામાં ઉઠી રહ્યા છે. આ રસ્તો નેશનલ હાઇવે નંબર ૫૬ હોય સમગ્ર છોટાઉદેપુર જિલ્લા માટે રીડ ની હડ્ડી સમાન રસ્તો હોય છતાં આ રસ્તા ઉપર તૂટેલા પુલનું નવીનીકરણ કરવામાં તંત્ર દ્વારા ઉદાસીનતા જ દાખવવામાં આવી છે.
આમ, ૧૪ માસ વિતવા છતાં પુલ મંજૂર કરવામાં આવ્યો નથી તો બનતા કેટલો સમય થશે એ વિચારી લોકો કાંપી રહ્યા છે. સ્વાભાવિક રીતે જ દર ચોમાસામાં પાણી આવશે અને ડાયવર્ઝન ધોવાઈ જાય અને રસ્તો બંધ થઈ જાય અને જનતા ને વેઠવાનો વારો આવે તેના સ્થાને આ સાદા ડાયવર્ઝનના બદલે ઓલવેધર મજબૂત ડાયવર્ઝન બનાવવામાં આવે જેથી કરીને આવતા ચોમાસામાં પણ આ રસ્તો બંધ ન થાય તેવું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવે તેવી લોક લાગણી ઉઠવા પામી છે.

લોક લાગણીને ધ્યાને લઈ છોટાઉદેપુર જિલ્લાના ભાજપના જ નેતાઓનું પ્રતિનિધિ મંડળ રોડ ખાતાના મંત્રીને મળી આવ્યું હોય તેઓ સાથે ફોટા પડાવ્યા હોય છતાં હજુ સુધી નવો પુલ મંજૂર કરવામાં આવ્યો નથી. રાજ્ય તથા કેન્દ્રમાં એક જ સરકાર હોવા છતાં મંજૂર કરવામાં આવ્યો નથી જેને લઇ જનતામાં તંત્ર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.

ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to

You may have missed