રાજ્યના ભુલકાંઓને ન્યૂમોનિયા મગજના તાવ સામે મળશે ન્યૂમોકોકલ કોંજુગેટ વેકસીનનું આરોગ્ય સુરક્ષા કવચ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આદિજાતિ વિસ્તાર છોટાઉદેપૂર જીલ્લાના આલ્હાદપૂરાથી PCV વેકસીનેશનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો
……..
સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત ન્યૂમોકોકલ કોંજુગેટ વેકસીન-PCV સરકારી હોસ્પિટલ-આરોગ્ય કેન્દ્ર –પેટા કેન્દ્રો-હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પરથી વિનામૂલ્યે અપાશે
……
ખાનગી ક્ષેત્રે અંદાજે ત્રણ હજાર થી ૪૫૦૦ રૂપિયાની કિંમતે મળતી વેકસીન આવા તમામ રસીકરણ કેન્દ્રોમાં વિનામૂલ્યે ઉપલબ્ધ થશે
……..
મુખ્યમંત્રીશ્રીના દિશા-નિર્દેશનમાં રાજ્યમાં વર્ષે અંદાજીત ૧૨ લાખ બાળકોને રસીના ૩૬ લાખ ડોઝ વિનામૂલ્યે આપવાનું રાજ્ય સરકારનું આયોજન
……
બાળકને જન્મના ૬ અઠવાડીયે પહેલો ડોઝ – ૧૪ અઠવાડીયે બીજો ડોઝ અને ૯ મહિના બાદ ત્રીજો-બૂસ્ટર ડોઝ આપવામાં આવશે
……
દેશ અને ગુજરાતની ઉજ્જવળ આવતીકાલ સમા ભુલકાં-બાળકોને ન્યૂમોનિયા અને મગજના તાવ સામે આરોગ્ય સુરક્ષા કવચ આપતી ન્યૂમોકોકલ કોંજુગેટ વેકસીન-PCV થી સાર્વત્રિક રસીકરણ અભિયાન અન્વયે આવરી લેવાનો મહત્વપૂર્ણ આરોગ્ય સુરક્ષા સેવા યજ્ઞ બુધવાર તા.ર૦મી ઓકટોબરથી આરંભાયો છે
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ વેકસીનેશન કાર્યક્રમનો રાજ્યવ્યાપી પ્રારંભ આદિજાતિ વિસ્તાર છોટાઉદેપૂર જિલ્લાના આલ્હાદપૂરાના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરથી કરાવ્યો હતો.
ભારત સરકાર દ્વારા સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અન્વયે રાજ્યની તમામ સરકારી હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્રો, પેટા આરોગ્ય કેન્દ્રો અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પરથી આ વેકસીન દોઢ વર્ષ સુધીના બાળકોને વિનામૂલ્યે અપાશે.
ખાનગી ક્ષેત્રમાં સામાન્યત: રૂ. ૩ હજારથી ૪પ૦૦ ની કિંમતે મળતી આ વેકસીન સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત સરકાર વિનામૂલ્યે લાભાર્થી બાળકોને આપવાની છે. રાજ્યમાં એક વર્ષમાં અંદાજે ૧ર લાખ જેટલા બાળકોને ૩ ડોઝ મળીને કુલ ૩૬ લાખ PCV ડોઝ આપવામાં આવશે.
બાળકને જન્મના ૬ અઠવાડિયે આ વેકસીનનો પહેલો ડોઝ, ૧૪ અઠવાડિયે બીજો ડોઝ અને ૯ મહિના બાદ ત્રીજો બૂસ્ટર ડોઝ વેકસીન આપવામાં આવશે.
ન્યુમોકોકલ ન્યુમોનિયા શ્વાસોશ્વાસને લગતો રોગ છે જે ફેફસામાં બળતરા અને પ્રવાહીનું સંચય કરે છે. ઉધરસ, છાતીનું અંદર ખેંચાવું, શ્વાસ લેવામાં તકલીફ, તીવ્ર શ્વાસ, અને ગળામાં સસણી બોલવી આ રોગના મુખ્ય લક્ષણો છે. જો શિશુ આ રોગથી ગંભીર રીતે બિમાર હોય તો, તેને ખાવા-પીવામાં તકલીફ પડે છે, આંચકી આવી શકે અથવા બેભાન થઈ શકે છે, અને તેનું મૃત્યુ પણ થઈ શકે છે.
ન્યુમોકોકલ સંક્રમણના કારણે કે મેનિન્જાઇટિસ, સેપ્ટિસીમિયા, અને ન્યુમોનિયા જેવા ગંભીર રોગ સાથે સાથે સાઈનુસાઈટિસ જેવા મંદ પણ વધારે સામાન્ય રોગો પણ થઇ શકે છે.
ભારતમાં ન્યુમોકોકલ ન્યુમોનિયાના કારણે ૨૦૧૦માં પાંચ વર્ષથી નાના આશરે ૧ લાખ અને ૨૦૧૫માં લગભગ ૫૩ હજાર બાળકો મૃત્યુ પામ્યા હતા. ન્યૂમોકોકલ કોંજુગેટ વેક્સિન- PCV ૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકોનો મૃત્યુદર ઘટાડવામાં ઉપકારક નિવડશે.
PCVનું રસીકરણ બાળકોમાં ન્યુમોકોકલ રોગના કારણે થતા રોગો અને મૃત્યુને અટકાવે છે. બે વર્ષથી નાનાં બાળકોમાં ગંભીર ન્યુમોકોકલ રોગનું જોખમ રહે છે પણ એનું સૌથી વધારે જોખમ એક વર્ષથી નાનાં બાળકોમાં હોય છે. PCV રસીકરણ ન કેવળ શિશુની રક્ષા કરશે પરંતુ બાળકમાં ન્યુમોકોકલ રોગના જોખમને પણ ઘટાડશે.
બાળકોને પલ્સ પોલીયો રસી આપવાના વ્યાપક અભિયાનને પગલે ગુજરાત ૨૦૦૭માં પોલીયો મુક્ત જાહેર થયું છે.
હવે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં ન્યૂમોકોકલ કોંજુગેટ વેક્સિનેશનના યુનિવર્સલ પ્રોગ્રામથી રાજ્યમાં નવજાત બાળકોને ન્યુમોનિયા અને મગજના તાવથી સંપૂર્ણ રક્ષણ આપવાની નેમ પાર પડશે અને ગુજરાત ચાઇલ્ડ હેલ્થકેરમાં પણ અગ્રેસર રહેશે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર
More Stories
જૂનાગઢ માં સોનાની વિંટી, ચાંદીની લક્કી, મોબાઇલ ફોન તથા રોકડ રકમ સહિતના કુલ કિંમત રૂ. ૧,૦૭,૨૦૦/- કિંમતી સામાનનો મુદામાલ ૬ મૂળ માલીકને પરત અપાવતી જૂનાગઢ પોલીસ
ઝઘડિયા જીઆઇડીસી ની બિરલા સેન્ચ્યુરી કંપની દ્વારા ઉત્પાદન બંધ કરવામાં આવ્યું
નેત્રંગમાં બિરસા મુંડા રથયાત્રાનું આદિવાસી આગેવાનોએ સ્વાગત કર્યું હતું….