October 22, 2024

જિલ્લા કલેકટરશ્રી ડી. એ.શાહના યશસ્વી સુકાન હેઠળ ટીમ નર્મદા દ્વારા અમલી “ નોંધારાનો આધાર “ પ્રોજેક્ટ રાજ્યના શહેરો અને જિલ્લાઓ માટે મોડેલ બને તેવી ઉજળી શક્યતાઓ

Share to



“ ટીમ નર્મદા ” એ મુખ્યમંત્રીશ્રી અને ટોચના અધિકારીઓ સમક્ષ રજૂ કર્યું પ્રોજેક્ટનું નિદર્શન

નીચે ધરતી અને ઉપર આભની વિકટ પરિસ્થિતિમાંથી જરૂરિયાતમંદોને ઉગારવાની
પ્રોજેક્ટની સંવેદનાસભર જોગવાઈઓ સહુને હૃદયસ્પર્શી જણાઈ…

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે “ નોંધારાનો આધાર ” પ્રોજેક્ટની SOP / માર્ગદર્શિકાની દ્વિતીય આવૃત્તિનું વિમોચન

રાજપીપલા,ગુરૂવાર :-જિલ્લા કલેકટર શ્રી ડી. એ.શાહના યશસ્વી નેતૃત્વ હેઠળ “ જેનું કોઈ નહિ તેની સરકાર ” ની ઉદાત્ત ભાવનાને સાકાર કરતો “નોંધારાનો આધાર” પ્રોજેક્ટ નર્મદા જિલ્લામાં અસરકારક રીતે અમલમાં છે. હવે આ પ્રોજેક્ટ રાજ્યના શહેરો અને જિલ્લાઓમાં અતિ ગરીબના કલ્યાણના રાજ્ય સરકારના અભિગમને ચરિતાર્થ કરવાનું મોડેલ બને એવી ઉજળી શક્યતાઓ સર્જાઈ છે.
કલેકટરશ્રી અને “ ટીમ નર્મદા ” એ આ પ્રોજેક્ટના ખૂબ જ સંવેદનાસભર પાસાંઓ અને અભિગમો તથા અમલીકરણની કાર્ય પદ્ધતિનું અસરકારક નિદર્શન રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભુપેન્દ્રભાઈ પટેલ સમક્ષ ગાંધીનગરમાં કર્યું હતું.
રાજ્ય પ્રશાસનના ટોચના ઉચ્ચાધિકારીઓએ પણ આ નિદર્શન મુખ્યમંત્રીશ્રીની સાથે નિહાળ્યું હતું. અને અકિંચનોનો આધાર બનવાની, એમનો હાથ પકડીને એમને ઉત્કર્ષના માર્ગે લઈ જવાની આ પ્રોજેક્ટની ભાવના અને વ્યવસ્થાઓ સહુના હૃદયને જાણે કે સ્પર્શી ગઈ હતી. તેના પગલે “નોંધારાનો આધાર” બનવાનો આ પ્રોજેક્ટ “ મોડેલ નર્મદા ” તરીકે રાજ્યના શહેરો અને જિલ્લાઓમાં અમલ માટે અપનાવવામાં આવે તેવા ઉજળા સંકેતો મળી રહ્યાં છે.
નર્મદા જિલ્લા વહિવટીતંત્ર ધ્વારા અમલમાં મૂકાયેલ “ નોંધારાનો આધાર ” પ્રોજેક્ટ હેઠળ જિલ્લામાં થઇ રહેલી કામગીરી અંગે ગઇકાલે ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ સમક્ષ આ પ્રોજેકટ અંગે શોર્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ તેમજ પ્રોજેક્ટના અમલ અંગેની માર્ગદર્શિકા પુસ્તિકાનું પ્રેઝન્ટેશન રજુ કરાયું હતું, જેને બિરદાવી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ. શાહ સહિત “ ટીમ નર્મદા ” ને અભિનંદન આપ્યા હતાં.

આ પ્રસંગે નર્મદા જિલ્લા વહિવટીતંત્ર ધ્વારા “ નોંધારાનો આધાર ” પ્રોજેકટની SOP / માર્ગદર્શિકા પુસ્તિકાની દ્વિતીય આવૃત્તિનું મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે વિમોચન પણ કર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કે.કૈલાશનાથન, પંચાયત વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી વિપુલ મિત્રા, શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી મુકેશ પુરી, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સુનયના તોમર, મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રીમતી અવંતિકાસિંઘ, શહેરી વિકાસ વિભાગના (હાઉસીંગ) સચિવશ્રી લોચન શહેરા, NULM ના નિયામકશ્રી હર્ષ મોદી, ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટરશ્રી પકાશ સોલંકી, ખાસ ફરજ પરના અધિકારીશ્રી નૈમેષ દવે વગેરેની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત પ્રેઝન્ટેશન બેઠકમાં નર્મદા જિલ્લા કલેકટરશ્રી ડી.એ.શાહ, નિવાસી અધિક કલેકટરશ્રી એચ.કે.વ્યાસ, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી એન.યુ.પઠાણ, ICT અધિકારીશ્રી સુમીત વાઘેલાએ તેમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં નર્મદા જિલ્લામાં “નોંધારાનો આધાર” પ્રોજેકટ હેઠળ હાલમાં થઇ રહેલી કામગીરીને બિરદાવાઇ હતી.

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે “ નોંધારાનો આધાર ” પ્રોજેકટની SOP / માર્ગદર્શિકાની બીજી આવૃત્તિના કરાયેલ વિમોચન પ્રસંગે મુખ્યમંત્રીશ્રીની સાથે સરકારશ્રીના ઉક્ત વરિષ્ઠ સચિવશ્રીઓ અને “ ટીમ નર્મદા ” નાં અધિકારીશ્રીઓ પણ તેમાં જોડાયાં હતાં.
૦૦૦


Share to

You may have missed