December 1, 2024

ઝઘડિયાના સારસા ગામે વાડામાં બાંધેલ નવજાત વાછરડું કોઇ હિંસક પશુ ખેંચી ગયું

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNSNEWS

સારસા ગામે દિપડો આંટાફેરા મારતો હોવાની વ્યાપક લોકચર્ચા

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સારસા ગામે પટેલ ફળિયામાં એક મકાનના વાડામાં બાંધેલ ત્રણેક મહિનાની ઉંમરનું એક નવજાત વાછરડું કોઇ હિંસક પશુ ખેંચી ગયું હોવાનું જાણવા મળ્યું છે. મળતી વિગતો મુજબ સારસા ગામે પટેલ ફળિયામાં રહેતા યોગેશભાઇ પટેલના ઘરની પાછળના વાડામાં અન્ય પશુઓ સાથે બાંધેલ એક ત્રણેક મહિનાનું નવજાત વાછરડું રાત્રી દરમિયાન કોઇ હિંસક પશું ખેંચી ગયું હતું. પશુપાલકના જણાવ્યા મુજબ વાડાથી થોડે દુર જમીન પર વાછરડાને ધસડી જવાયું હોય એમ લસરડા દેખાયા હતા અને આ વાછરડાને ધસડીને નજીકના શેરડીના ખેતરમાં લઇ જવાયું હોવાની ચર્ચાઓ ગ્રામજનોમાં જોવા મળી હતી. ઉલ્લેખનીય છેકે ઝઘડિયા તાલુકાના વિવિધ વિસ્તારોમાં અવારનવાર દિપડો નજરે પડતો હોય છે,ત્યારે સારસા ગામે વાછરડાને ખેંચી ગયેલ હિંસક પશુ દિપડો હોવાની સંભાવના જોવા મળે છે. સારસા ગામે દિપડો આવતો હોવાની જાણ વનવિભાગને કરવામાં આવતા વનવિભાગ દ્વારા હિંસક પશુની સંભવિત હાજરીવાળા સ્થળે પાંજરૂ ગોઠવવામાં આવ્યું હતું. લાંબા સમયથી ઝઘડિયા તાલુકાના વિવિધ વિસ્તારોમાં દિપડા દેખાતા હોય છે અને તાલુકામાં શેરડીના ખેતરો દિપડાઓને રહેવા માટેના આશ્રયસ્થાન મનાય છે.ભુતકાળમાં ઘણીવાર દિપડા દ્વારા પાલતું પશુઓ પર હુમલા કરીને તેમનું મારણ કરાયું હોવાની ઘટનાઓ બની હતી.


Share to

You may have missed