December 6, 2024

ભરૂચ જીલ્લાના સમગ્ર મહેસુલી વિસ્તારમાં ગણેશ મહોત્સવને લઈને અમુક કૃત્યો ઉપર પ્રતિબંધ મુકતુ જાહેરનામું

Share to

ભરૂચ ભારતીય નાગરિક સંહિતા ૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ જાહેરનામું

ભરૂચ – મંગળવાર – ભરૂચ જીલ્લામાં દર વર્ષે ગણેશ મહોત્સવનો તહેવાર ખુબ ઉત્સાહ અને ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે. ભરૂચ જિલ્લામાં આ વર્ષે ગણેશ મહોત્સવ તા.૦૭/૦૯/૨૦૨૪ નાં રોજથી શ્રી ગણેશજીની મૂર્તિઓની સ્થાપના થનાર છે. જ્યારે શ્રી ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન શોભાયાત્રા સાથે અનુક્રમે ત્રીજા, પાંચમા, સાતમાં, અને દસમાં (આનંદ ચૌદશ) નાં દિવસે તા. ૧૭/૦૯/૨૦૨૪ના રોજ થનાર છે. જેમાં આયોજકો ગણેશ ચતુર્થીના સ્થાપના દિવસ પહેલા અઠવાડીયાથી ગણેશમૂર્તિઓ ખરીદી કરીને પોત પોતાના મંડળો સાથે મોટી સંખ્યામાં એકત્રીત થઈને જાહેર માર્ગો પર નિકળતા હોય છે. જેમાં બેન્ડ, ડી.જે, નાચ ગાનના કારણે જાહેર ટ્રાફિકને અડચણ પેદા થાય છે. તેમજ આ પ્રકારના સરઘસમાં રસ્તામાં આવતા મકાનો, દુકાનો રાહદારીઓ,વાહન ચાલકો પર અબીલ-ગુલાલ- કંકુ કે અન્ય મિશ્રીત પાઉડર સ્વરૂપે પાણી કે તૈલી પદાર્થોમાં ભેળવીને છુટા કે પ્લાસ્ટીકની થેલીઓમાં ભરી ઉડાડવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે. જેનાથી ઘણીવાર સામાન્યથી લઈ મોટી તકરારો પેદા થતી હોય છે. જે જાહેર કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં બાધારૂપ બને છે. જેના કારણે આ કૃત્યો પર પ્રતિબંધ મૂકવો જરૂરી જણાતો હોઈ ભરૂચ જીલ્લાના સમગ્ર મહેસુલી વિસ્તારમાં નીચે જણાવ્યા મુજબના કૃત્યો ઉપર પ્રતિબંધ મુકવો જરૂરી જણાય છે. આથી એન.આર.ધાધલ, અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ, ભરૂચ દ્નારા ભારતીય નાગરિક સંહિતા ૨૦૨૩ની કલમ-૧૪ તેમજ કલમ -૧૬૩ અન્વયે મને મળેલ સત્તાની રૂ એ નીચે મુજબ હુકમ કરવામાં આવે છે.

–પ્રતિબંધિત કૃત્યો :-
(૧) ગણેશ મહોત્સવ દરમ્યાન તથા શ્રી ગણેશજીની મૂર્તિઓના વિસર્જન ના દિવસે શોભાયાત્રા દરમ્યાન ધાર્મિક ભજનો /ગીતો સિવાય ધાર્મીક લાગણી દુભાય તેવા ગીત /સંગીત, બિભત્સ ફીલ્મી ગીતો વગાડી શકાશે નહી તથા ધાર્મીક લાગણી દૂભાય તેવા ભાષણો કે સુત્રોચ્ચાર કરી શકાશે નહી.
(૨) શ્રી ગણેશજીની મૂર્તિઓના સ્થાપના સ્થળોએ તેમજ વિસર્જનના દિવસે વિસર્જન યાત્રા દરમ્યાન કોઈપણ વ્યકિતઓએ શ્રી ગણેશજીની વિસર્જન યાત્રામાં જાહેર જગ્યાએ આવતા જતા રાહદારીઓ પર તેમજ વાહનોમાં આવતા જતા માણસો ઉપર કે મકાન / મિલ્કતો ઉપર હાજર રહેલા વ્યકિતઓ ઉપર કોઈપણ પ્રકારનાં રંગો કે પાવડરને છુટા, પાણી કે અન્ય તૈલી પદાર્થોમાં મિશ્રીત કરી ઉડાડી કે છાંટી શકાશે નહી.
(૩) શ્રી ગણેશજીની P.O.P. અને ફાયબરની મૂર્તીઓ નદી, તળાવ કે કેનાલ સહિતના કુદરતી જળ સ્ત્રોતમાં વિસર્જન કરી શકાશે નહી.
(૪) ઓવારા વાઈઝ જયાં કૃત્રિમ તળાવ બનાવેલ હોય તેવા ઈસ્યુ કરેલ પાસ સિવાયના અન્ય ઓવારા ઉપર વિસર્જન કરી શકાશે નહી.
(૫) શ્રી ગણેશ વિસર્જન પૂર્ણ થયા બાદ તમામ મંડપો બે દિવસ કરતા વધારે દિવસ સુધી રાખી શકાશે નહી.
(૬) યાત્રા જાહેર માર્ગ પર સામાન્ય ટ્રાફીકને અડચણ રૂપ થાય તે રીતે કાઢી શકાશે નહી.
(૭) કોઈપણ ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઈ ચિન્હો કે નિશાનીવાળી મૂર્તિઓ ખરીદી કે સ્થાપના શકાશે નહી તથા તે પ્રકારના પંડાલ/ મંડપ ડેકોરેશન કરી શકાશે નહી.
(૮) મંડળના આયોજકોએ સ્થાપના અને વિસર્જનના સમયે સરઘસ તથા શોભાયાત્રાના સ્વરૂપે જવાના હોય તેની સચોટ માહીતી સાથે ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. અધિકૃત અધિકારીશ્રી ધ્વારા આપવામાં આવેલ પરમીટમાં દર્શાવેલ રૂટ સીવાય અન્ય રૂટ પર વિસર્જન કરી શકાશે નહી.
**શિક્ષા
આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ કસુરવાર થશે તેમજ આ હુકમના ભંગ બદલ ફરીયાદ માંડવા પોલીસ સબ ઇન્સપેકટર કે તેનાથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવે છે. તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.આર.ધાધલ દ્નારા મળેલી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.


Share to

You may have missed