*વિકાસની અનમોલ શક્યાતાઓ અને અપાર ક્ષમતાઓને કારણે બે દાયકામાં ગુજરાતનું ગ્રોથ એન્જીન ભરૂચ બનશે – જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરા*
***
*‘‘ભાંગ્યુ ભાંગ્યુ તો ભરૂચ હતું, ભર્યું ભર્યું ભરૂચ તો છે જ પરંતું ભવ્યાતિ ભવ્ય ભરૂચનું નિર્માણ કરવા’’ અનુરોધ કરતા જિલ્લા સમાહર્તાશ્રી*
*જિલ્લામાં વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર અને પ્રશંસનિય કામગીરી કરનારા વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન કરાયું*
ભરૂચ – ગુરુવાર – ભરૂચ જિલ્લાના સ્વાતંત્ર્ય વીરો અને સંતોની તપોભૂમિ તરીકે ઓળખ ધરાવતાં હાંસોટ ખાતે આવેલા યશવંતરાય જીન કંપાઉન્ડ ખાતેથી જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરાની ઉપસ્થિતિમાં જિલ્લાકક્ષાના ઘ્વજવંદન સમારોહની આન-બાન-શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી.
આ અવસરે ગણવેશધારી પોલીસ દળના જવાનોએ રાષ્ટ્રગીતની સૂરાવલીઓ વચ્ચે જિલ્લા કલેક્ટર શ્રીએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. જિલ્લા કલેક્ટર શ્રી ઉપસ્થિતિમાં પરેડનું નિરિક્ષણ કર્યું હતું. તેમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા પોલીસવડા શ્રી મયુર ચાવડા જોડાયા હતા.
આ અવસરે જિલ્લા કલેકટરશ્રીએ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. સ્વતંત્ર સંગ્રામમાં દેશ માટે આહૂતિ આપનાર તમામ વીરોને યાદ કર્યાં હતા. સ્વાતંત્ર્યની ચળવળમાં અનેક આહૂતી અને લડાઈઓ બાદ આજનો પવિત્ર દિવસ આપણા નસીબમાં આવ્યો છે. ગુલામીના સંઘર્ષો બાદ આપણને આઝાદી મળી છે ત્યારે એ સંઘર્ષો આપણા જીવનના મૂલ્યો હોવા જ જોઈએ. આપણા દેશની અખંડિતાને આપણે સૌએ જાળવવી જોઈએ. મહામૂલી આઝાદીના એ સંઘર્ષ જ આપના મૂલ્યો છે, એટલે જ દેશના પાયાના સિદ્ધાંતને યાદ કરી, આપણે દેશ માટે ગર્વ લઈ શકીએ છીએ.
હાંસોટના ઈતિહાસની વાત કરતા કહ્યું કે, માનવજાતની ઉત્પતિના રિસર્ચ થયા ત્યારે પાષાણ યુગના પણ રિસર્ચ કરવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લાના હાંસોટના જેતપુર ગામ ખાતે હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળ્યા હતા. હડપ્પા સંસ્કૃતિ આજથી ૨૫૦૦ વર્ષ પહેલા હતી અને એ સંસ્કૃતિના અવશેષ આપણા જિલ્લામાંથી મળ્યા છે. આમ પાષાણ યુગથી હડપ્પા સંસ્કૃતિ અને સભ્યતાની વાત કરી ભરૂચ જિલ્લાના પાયામાં ભવ્ય ભૂતકાલીન ઈતિહાસ ભંડારાયેલો છે.
હાંસોટ પાસે આવેલા પુરાણોમાં જેનો ઉલ્લેખ છે તેવા વમલેશ્વર તિર્થસ્થાનની વાત કહી તેનું મહાત્મય જણાવ્યું હતું. શિવ, બ્રહ્મા, વિષ્ણુની અનુભૂતી કરાવનાર સૂર્યકૂડ વિશે વાત કરી હતી. ભારતના સૌથી વધુ શિવાલયો ભરૂચ જિલ્લામાં આવેલા એમ પણ કહ્યું હતું.
ભૃગુઋષિની તપોભૂમિ ભૃગુતીર્થ આજનું ભરૂચ બલિરાજાના સમયકાળ જેટલું પ્રાચીન અને ભગવાન વામનની અવતારી લીલાની યાદ તાજી કરાવે છે. ત્યારે હડપ્પા સંસ્કૃતિથી લઈ દેશની આઝાદી સુધીનો ઈતિહાસ ભવ્યતાથી વરેલો રહ્યો છે. આઝાદીના અમૃતકાળમાં ભવ્ય ભરૂચની @૨૦૪૭ની પરિકલ્પના કરીયે તો એ સૂચક લાગે એમ છે. પૌરાણીક કાળથી ભરૂચ જિલ્લો રાષ્ટ્રનિર્માણ અને સાંસ્કૃતિક ઘરાતલ માટે ભારતદેશને લીડ કરતો આવ્યો છે. ત્યારે આજના દીવસે આપણે આપણા જિલ્લાનું પણ એક વિઝન બનાવવાનો દિન છે.
જિલ્લાના ઈતિહાસની વાત કરતાં તેમણે ઉમેર્યું કે, શાહજહાંનું નિધન થતા ઓરંગઝેબે ધારાશીખોને પકડવા માટે ભરૂચ પર આક્રમણ કર્યું. આ યુધ્ધ દરમ્યાન ભરૂચને હરાવતા હરાવતા ખૂબ ખુવારી સેનાએ વેઠીવી પડી હતી. આ ખુવારી અને નરસંહરા બાદ આ પ્રદેશનું નામ સુકાબાદ આપ્યું. આ ઘટના ૧૬૬૦માં બની અને તેના ૧૬માં જ વર્ષો ઓરંગઝેબને ભૂલ સમજાઈ કે કિલ્લોધ્વસં કર્યોએ આપણી ભૂલ હતી ! અને ફરી કીલ્લો તેમણે બનાવી આ વિસ્તારને સુખાબાદ નામ આપ્યું હતું. આમ જેમણે કિલ્લાને ભાંગવાનો પ્રયત્ન કર્યો તેમણે પણ પોતાની ભૂલ સ્વીકારી સુખનો પ્રદેશ નામ આપવું પડ્યું હતું. એટલો ભવ્ય ઈતિહાસ આપણા ભરૂચનો રહ્યો છે. આજના વતર્માન સમયે ભાંગ્યું ભાગ્યું ભરૂચની વ્યાખ્યા બદલાતા હવે ભર્યું ભર્યું ભવ્ય ભરૂચ બન્યું છે.
અંગ્રેજોના શાસનમાં અમદાવાદથી દાંડી સુધીની મીઠાં સત્યાગ્રહની વાત વર્ણવતાં કહ્યું કે ભરૂચ જિલ્લાના જંબુસરથી દાંડી યાત્રાનો પ્રવેશ થયો હતો. ભરૂચ જિલ્લાના ત્રણ ગામડાંઓની પસંદગી થઈ હતી. વેડચ, અલાદરા અને તરાઈનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અંગ્રેજોની સત્તાને લૂણો લગાડવા માટેનું શુદ્ધ મીઠું પણ આપણા ભરૂચ જિલ્લાનું હતું. જેનો આપણે સૌઓ ગર્વ લેવો જ જોઈએ.
આ પ્રસંગે, ભરૂચ જિલ્લા અને હાંસોટના સ્વાતંત્રવીરોને તેમણે યાદ કર્યા હતાં. છોટુભાઈ પુરાણી સાથે આ વિસ્તારમાં સ્વાતંત્ર્યની લડાઈમાં જોડાવવા માટે લોકોને પ્રેરણા આપી એવા માનશંકર રત્નશંકર ભટ્ટ અને ચૂનીલાલ ધરમચંદ શાહને શ્રધ્ધા સુમન અપર્ણ કર્યા હતા. ભરૂચની ક્ષમતા, વિકાસની ક્ષિતિજોને બીજા વિસ્તાર સાથે માપવા જઈએ તો ભરૂચને કોઈ આંબી શકે તેમ નથી તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
ખેતીક્ષેત્રેની વાત કરતા તેમણે જણાવ્યું કે હાંસોટનો સમગ્ર વિસ્તાર કપાસની ભૂમી માટે જાણીતો હતો હવે તેનાથી આગળ વધી શેરડીની ખેતીએ તે પોતાને નામે કર્યો છે. પંડવાઈ સુગરના ઈથેનોલ પ્લાન્ટ અને તેના ખાંડના ઉત્પાદન થકી આ વિસ્તારના ખેડૂતોને તેનો સિધો લાભ મળ્યો છે. ત્યારે પંડવાઈ સુગરના હોદ્દેદારોને તેમણે અભિનંદન આપ્યા હતા.
વધુમાં, આઝાદીના અમૃત મહોત્વમાં @૨૦૪૭ના સ્વપ્નને ચરિતાર્થ કરવા ભરૂચ જિલ્લાએ તેની લિડ લેવાની થાય છે. ભરૂચમાં જેટલી વિકાસની અનમોલ શક્યાતાઓ બીજા કોઈ જિલ્લા પાસે નહી હોય. તેનું કારણ તેમાં આવેલા પ્રોજેક્ટો, તેની ઔધોગિક ક્ષમતાઓ, તેની કનેક્ટીવિટી, તેની ખેતી અને સાથે પાણીની ઉપલબ્ધીની અપાર ક્ષમતાઓ છે. ત્યારે આવતા બે દાયકામાં ગુજરાતનું ગ્રોથ એન્જીન ભરૂચ બનશે એમાં કોઈ મીનમેખ નથી રહ્યો એમ ભારપૂર્વક તેમણે જણાવ્યું હતું.
‘‘ આઝાદીના અમૃત સમયનો અનમોલ સમય ચાલી રહ્યો છે. ભાંગ્યુ ભાંગ્યુ તો ભરૂચ હતું, ભર્યું ભર્યું ભરૂચ તો છે પરંતું ભવ્યાતિ ભવ્ય ભરૂચનું નિર્માણ કરવા આપણે સૌએ પ્રણ લેવાનો અનુરોધ કર્યો હતો. ‘‘
ધ્વજવંદન બાદ આ અવસરે શાળાના બાળકોએ રંગારંગ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અંતર્ગત ગરબા, ગીત, અને યોગ કરતબનું નિદર્શન અને પ્રસ્તુતિ રજૂ કરી હતી.
આ પ્રસંગે જિલ્લામાં નોંધપાત્ર સિધ્ધી મેળનાર રમતવીરો, પર્યાવરણ પ્રેમીઓ, અંગદાન કરનાર પરિવારજનો, જિલ્લાના શ્રેષ્ઠીઓ તેમજ શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓનું પણ સન્માન તથા અભિવાદન કરવામાં આવ્યું હતું.
જ્યારે હાંસોટ તાલુકા વિસ્તારના વિકાસ માટે ૨૫ લાખનો ચેક ક્લેક્ટરશ્રીએ જિલ્લા આયોજન અઘિકારીશ્રીને અર્પણ કર્યો હતો. કાર્યક્રમને અંતે ગ્રીન ગુજરાતની ભાવનાને ઉજાગર કરવા ઉપસ્થિત મહાનુભાવોએ પટાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું.
આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મહેન્દ્રસિંહ વાંસદીયા, ધારાસભ્ય સર્વેશ્રીઓ, ઈશ્વરસિંહ પટેલ, રમેશ મિસ્ત્રી, અરૂણસિંહ રણા, રિતેશ વસાવા, ડી. કે. સ્વામી અને તાલુકા પંચાયત પ્રમુખશ્રી હાંસોટ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી શ્રી પી. આર. જોષી, પ્રાયોજના વહીવટદાર શ્રી યોગેશ કાપસે, નિવાસી અધિક કલેકટર શ્રી એન. આર. ધાંધલ, હાંસોટ ગામના સરપંચ શ્રી, તાલુકા અને જિલ્લાના પધાધિકારીઓ, જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ, શાળાના બાળકો અને મોટી સંખ્યામાં હાંસોટના લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.
***
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.