October 10, 2024

*જિલ્લા કલેક્ટરશ્રી અનિલ ધામેલીયાએ તિરંગો લહેરાવી ધ્વજવંદન કર્યું*

Share to

*નસવાડી ખાતે ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ભવ્ય ઉજવણી*

*જિલ્લામાં નારીશક્તિનું ગૌરવ વધારવા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે – જિલ્લા કલેક્ટરશ્રી અનિલ ધામેલીયા*

*છોટાઉદેપુર, ગુરુવાર :: નસવાડીમાં રેવા જીનિંગ ફેક્ટરી ખાતે ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહ-આનંદભેર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરશ્રી અનિલ ધામેલીયાએ તિરંગો લહેરાવીને ધ્વજવંદન કર્યું હતું. ધ્વજવંદન બાદ જિલ્લા કલેકટરશ્રી અનિલ ધામેલીયા અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી
ઈમ્તિયાઝ શેખે ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ કરીને નાગરીકોનું અભિવાદન જીલ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રીએ જિલ્લાવાસીઓને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવીને દેશની આઝાદી માટે પોતાના પ્રાણની આહૂતિ આપનાર નામી-અનામી શહીદોને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ તકે તેમણે જણાવ્યું હતું કે, આજથી ૧૧ વર્ષ પહેલાં ૧૫મી ઓગષ્ટ ૨૦૧૩ના રોજ વડોદરા જિલ્લામાંથી સ્વતંત્ર જિલ્લા તરીકે અસ્તિત્વમાં આવ્યા બાદ છોટાઉદેપુર જિલ્લાએ અસાધારણ વિકાસ સાધ્યો છે. જિલ્લાવાસીઓને શિક્ષણ, આરોગ્ય, પાણી, રોડ-રસ્તાઓ જેવી પ્રાથમિક જરૂરિયાતો ઉપરાંત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ મળી રહ્યા છે.

કલેક્ટરશ્રીએ જિલ્લામાં વધી રહેલા પ્રાકૃતિક કૃષિના વ્યાપ અંગે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેના પરિણામે છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૩૦,૪૧૦ ખેડૂતોએ ૨૩,૩૮૧ એકરમાં પ્રાકૃતિક કૃષિ અપનાવી છે. જિલ્લાના ૩૯,૫૮૮ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી છે. ખેડૂતોને પાક વાવણી સમયે આર્થિક મદદ મળી શકે તે માટે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે રૂ. ૬૦૦૦ ની આર્થિક સહાય મળી રહી છે. જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધીમાં ૧ લાખ ૧૯ હજાર ખેડૂતોને રૂ. ૨૭૮.૮૦ કરોડની સહાય ચુકવવામાં આવી છે.

શ્રી ધામેલીયાએ જિલ્લામાં નારીશક્તિનું ગૌરવ વધારવા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા હોવાનું જણાવીને જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૦,૦૦૦ થી વધુ સ્વ-સહાય જૂથોની રચના કરીને તેમને રૂ. ૮૧૬ લાખથી વધુનું રિવોલ્વિંગ ફંડ, રૂ. ૫,૮૧૯ લાખનું સી.આઈ.એફ. ફંડ, ૨૬.૦૭ લાખનું સ્ટાર્ટઅપ ફંડ તેમજ કેશ ક્રેડિટ આપવામાં આવી રહ્યું હોવાનું ઉમેર્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત જિલ્લાની સખી મંડળની બહેનો આત્મનિર્ભર બનવા તરફ વિશ્વાસથી આગળ વધી રહી છે અને તેઓનો સામાજિક દરજ્જો પણ વધ્યો છે. પોતાના ઘરના, ગામના, સમાજના અને અન્ય મહત્વના નિર્ણયોમાં તેઓનું યોગદાન પ્રસંસનીય રીતે વધી રહ્યું છે અને તેઓની સરાહના પણ થઇ રહી છે.

રાજ્ય સરકાર દ્વારા દીકરીઓ ભણીગણીને આગળ વધે તે માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા હોવાનું જણાવીને ‘નમો લક્ષ્મી યોજના’માં વિદ્યાર્થિની દીઠ રૂ. ૫૦ હજાર અને ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના’ હેઠળ વિદ્યાર્થીઓને બે વર્ષમાં રૂ. ૨૫,૦૦૦ની સહાય આપવામાં આવે છે તેમ ઉમેર્યું હતું.

રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી રહી હોવાનું જણાવી કલેક્ટરશ્રીએ ઉમેર્યું હતું કે, વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના ‘પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના-આયુષ્માન ભારત’ હેઠળ મળતી સહાયને રાજ્ય સરકારે પરિવારદીઠ ૫ લાખથી વધારીને ૧૦ લાખ કરી છે. છોટાઉદેપુર જિલ્લામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ૪,૭૨,૩૨૭ લોકોને આરોગ્ય કવચ પૂરું પાડવામાં આવ્યું છે.

છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં મનરેગાની વિવિધ યોજનાઓ દ્વારા ૩૭૧ નવીન આંગણવાડીનું બાંધકામ અને ૭૯ જર્જરિત આંગણવાડીના બાંધકામને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત ૯૬ પંચાયત ઘરોના બાંધકામને મંજૂરી આપવામાં આવી છે.

જિલ્લામાં રોજગારીની વાત કરતા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, મનરેગા યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૩-૨૪માં કુલ ૩૬,૫૪૨ કુટુંબોના ૫૧,૮૮૫ શ્રમિકોને રોજગારી આપીને શ્રમિકોને તેઓની મજુરી પેટે રૂ.૪૫૯૦.૫૦/- લાખ અને માલસામાન ખર્ચ પેટે રૂ.૮૦૮.૧૪/- લાખનું ચુકવણું કરવામાં આવ્યું છે.

છોટાઉદેપુર જિલ્લામાં સરહદી ગામોનો સામુહિક વિકાસ સાધી શકાય અને માળખાકીય સુવિધા મળી રહે તે માટે
મુખ્યમંત્રી બોર્ડર વિલેજ સર્વાંગી ઉત્કર્ષ યોજના અંતર્ગત વર્ષ-૨૦૨૩-૨૪માં કુલ રૂ.૧૧૬૨.૪૪/- લાખની વહીવટી મંજુરી આપવામાં આવી છે. જેમાં સબ-સેન્ટર, આંગણવાડી કેન્દ્ર, પશુ આરોગ્ય સેવા કેન્દ્ર, રસ્તા, નાળા તેમજ શિક્ષણ માટેની ભૌતિક સુવિધાઓ માટે રૂ.૫૩૦/- લાખની વહીવટી મંજુરી આપવામાં આવી છે. આ ઉપરાંત પ્રાયોજના વહીવટદારની કચેરીની વ્યક્તિગત યોજનાઓમાં પણ જિલ્લાવાસીઓને લાભ આપવામાં આવે છે.

શ્રી ધામેલીયાએ જણાવ્યું હતું કે, વિશ્વ આદિવાસી દિવસના રોજ જિલ્લામાં રૂ.૨૬૮ લાખના ખર્ચે થયેલ ૯૨ કામોનું લોકાર્પણ અને રૂ.૧૦૪૦ લાખના ખર્ચે થનાર ૨૦૫ કામોનું ખાતમુહૂર્ત મળી કુલ રૂ.૧૩૦૮ લાખના ૨૯૭ કામોનું લોકાર્પણ- ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ વિકાસકામોથી જિલ્લાવાસીઓને વધુ સારી સુવિધાઓ મળી રહેશે તેવી અભ્યર્થના તેમણે વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી અનિલ ધામેલીયાના હસ્તે જિલ્લાના વિકાસકામો માટે રૂ.૨૫ લાખનો ચેક જિલ્લા વિકાસ અધિકારીશ્રી સચિન કુમારને અર્પણ કરવામાં આવ્યો હતો. વિવિધ શાળા-કોલેજો અને સંસ્થાઓ, દેશભક્તિ ગીત, રાસ-ગરબા પિરામિડ તથા આદિવાસી લોક નૃત્ય સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉજવણીના ભાગરૂપે જિલ્લાની વિવિધ કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓને શ્રેષ્ઠ કામગીરી બદલ તથા રાજ્ય-જિલ્લાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને મહાનુભાવો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શ્રેષ્ઠ કૃતિ રજૂ કરનાર વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીના આ કાર્યક્રમમાં સાંસદ શ્રી જશુભાઈ રાઠવા, ધારાસભ્ય સર્વશ્રીઓ શ્રી જયંતીભાઈ રાઠવા, શ્રી અભેસિંહ તડવી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિન કુમાર, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ભાવનાબેન ભીલ, પૂર્વ સાંસદ શ્રી ગીતાબેન રાઠવા, અગ્રણીઓ, વિવિધ વિભાગોના અધિકારી-કર્મચારીશ્રીઓ, શાળાના વિદ્યાર્થીઓ તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં હતા.

ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to

You may have missed