November 21, 2024

નર્મદા જિલ્લામાં અનરાધાર મેઘ મહેર… નર્મદા જિલ્લામાં બુધવારે સવારે ૧૦ કલાક સુધીમાં સૌથી વધુ તિલકવાડા તાલુકામાં ૯૩ મિ.મિ. વરસાદ નોંધાયો

Share to

કરજણ ડેમના કુલ ૪ ગેટ ખોલીને કરજણ નદીમાં અંદાજિત ૪૮૬૩૩ ક્યુસેક પાણી તબક્કાવાર છોડવામાં આવી રહ્યું છે

નીચાણવાળા વિસ્તારના ગામોને સાવધ રહેવા અપાયેલી સૂચના

રાજપીપલા, બુધવાર :- નર્મદા જિલ્લામાં ૨૪ જુલાઈ-૨૦૨૪ને બુધવારના રોજ સવારે ૬=૦૦ કલાકથી ૧૦ કલાક દરમિયાન ૪ કલાકમાં સૌથી વધુ તિલકવાડા તાલુકામાં ૯૩ મિ.મિ. વરસાદ નોંધાયો છે. આ સિવાય નાંદોદ તાલુકામાં ૮૭ મિ.મિ., દેડિયાપાડા તાલુકામાં ૪૮ મિ.મિ., ગરૂડેશ્વર તાલુકામાં ૪૨ મિ.મિ. અને સાગબારા તાલુકામાં ૪૦ મિ.મિ. વરસાદ નોંધાયો છે. બીજી તરફ મંગળવારે સવારે ૬ કલાકે પૂર્ણ થયેલા ૨૪ કલાકમાં સૌથી વધુ સાગબારા તાલુકામાં ૧૨૯ મિ.મિ. વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં આજદિન સુધી સરેરાશ કુલ વરસાદ ૫૦૮.૪૦ મિ.મિ. વરસાદ નોંધાયો છે. આમ નર્મદા જિલ્લામાં અનરાધાર મેઘ મહેર થઈ રહી છે. નદી નાળામાં વરસાદી નીર આવ્યા છે.

નર્મદા જિલ્લામાં આવેલા કરજણ ડેમના કાર્યપાલક ઇજનેરશ્રી-સિંચાઈ યોજના વિભાગ નં.૪ તરફથી પ્રાપ્ત અહેવાલો મુજબ નાંદોદ તાલુકામાં આવેલા કરજણ ડેમની પુર્ણ સપાટી ૧૧૫.૨૫ મીટર છે. સરકારશ્રી દ્વારા ચોમાસામાં નિયત કરાયેલા રૂલ લેવલને જાળવવાના હેતુસર આજે ૨૪મી જુલાઈ, ૨૦૨૪ને બુધવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકની પરિસ્થિતિએ આ ડેમની સપાટી ૧૦૮.૦૫ મીટર પહોંચી હતી. ડેમની સપાટીના રૂલ લેવલને જાળવવા માટે બુધવારના રોજ સવારે ૯:૦૦ કલાકે આ ડેમના બે અને ત્યારબાદ ૧૧:૦૦ કલાકે વધુ બે ગેટ એમ કુલ ૪ ગેટ ખોલીને કરજણ નદીમાં અંદાજિત ૪૮૬૩૩ ક્યુસેક પાણી તબક્કાવાર છોડવામાં આવી રહ્યું છે. ચોમાસા દરમિયાન ડેમનું લેવલ જાળવાઈ રહે તે માટેની નિયમિત કરવામાં આવતી આ પ્રક્રિયા છે. આમ છતાં નીચાણવાળા વિસ્તારના ગામોને સાવધ રહેવા તંત્ર દ્વારા જાણ કરવામાં આવી છે.

અત્રે નોંધનીય છે કે, ઉપરવાસમાં વરસેલા વરસાદથી ડેમમાં હાલ અંદાજે ૯૯ હજાર ક્યુસેક પાણીની આવક થતાં ડેમ હાલમાં ૬૫.૨૦ ટકા જળરાશીથી ભરેલો છે. કરજણ ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીનાં કારણે નાંદોદ તાલુકાના નદી કિનારાના નાગરિકોને સચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

નર્મદા જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ- ૧૨૧.૩૪ મીટર, કરજણ ડેમ- ૧૦૮.૦૫ મીટર, નાના કાકડીઆંબા ડેમ- ૧૮૨.૫૦ મીટર અને ચોપડવાવ ડેમ- ૧૮૧.૫૦ મીટરની સપાટી તેમજ નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેનું ગેજ લેવલ ૧૫.૩૦ મીટર હોવાના અહેવાલ પણ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો સાગબારા તાલુકો ૬૧૧ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરે રહ્યો છે. જ્યારે નાંદોદ તાલુકો ૫૬૩ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, દેડિયાપાડા તાલુકો ૫૩૩ મિ.મિ. સાથે તૃતિય સ્થાને, તિલકવાડા તાલુકો ૪૯૮ મિ.મિ. સાથે ચોથા અને ગરુડેશ્વર તાલુકો ૩૩૭ મિ.મિ.સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે. આ સાથે નર્મદા જિલ્લામાં આજદિન સુધી સરેરાશ વરસાદ ૫૦૮.૪૦ મિ.મિ. વરસાદ નોંધાયો હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

આમ, સમગ્ર નર્મદા જિલ્લામાં લીલી વનરાજી અને ડુંગરો પ્રાકૃતિક સૌંદર્ય સાથે સોળે કળાએ ખીલી ઉઠી છે. અને ખેડૂતોએ ખેતીના પાકોનું વાવેતર પૂર્ણ કર્યુ છે. વરસતા વરસાદનો ફાયદો ખેતીના પાકને મળી રહ્યો છે. અને ખેડૂતો ખુશાલી વ્યક્ત કરી રહ્યા છે.


Share to

You may have missed