October 17, 2024

ગણેશ સુગર વટારીયા ખાતે ગ્રામ પ્રતીનિધિ અને ખેડૂતો સાથે આગામી શેરડી પિલાણ સિઝન અંગે મિટિંગ યોજાઈ..

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા 18-07-24

આજરોજ શ્રી ગણેશ સુગર વટારીયા ખાતે સંસ્થાના ગ્રામ પ્રતિનિધિ અને ખેડૂત સભાસદ મિત્રો સાથે આગામી શેરડી પિલાણ સીઝનના આયોજનના ભાગરૂપે એક મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાના ચેરમેન મહેન્દ્રસિંહ મહીડા, વાઇસ ચેરમેન પુષ્પેન્દ્રસિંહ સુણવા, ડિરેકટર મેહુલભાઈ પટેલ, જીતેન્દ્રસિંહ જાદવ, હરેન્દ્રસિંહ ખેર, જયદીપસિંહ પરમાર, નિલેશભાઈ પટેલ તેમજ અધિકારીગણ અને મોટી સંખ્યામાં ગ્રામપ્રતિનિધિઓ સહિત ખેડૂત સભાસદો અને આગેવાનો હાજર રહ્યા હતા. ચેરમેન મહેન્દ્રસિંહ મહિડાએ પાછલા બોર્ડના વહીવટ અને હાલની સંસ્થાની પરિસ્થિતિનો ચિતાર ગ્રામ પ્રતિનિધિ અને સભાસદો સમક્ષ રજૂ કર્યો હતો. તેઓએ ચર્ચા કરતા જણાવ્યું હતું કે, પાછલા બોર્ડની ગેરવહીવટની નીતિની અસર આજે પણ સુગર ફેક્ટરી ભોગવી રહી છે. કરોડો રૂપિયા ફસાઈ જવાથી વર્કિંગ કેપિટલની ઉણપની સીધી અસર સંસ્થા પર પડી છે, તેવા સંજોગોમાં સંસ્થામાં હાલમાં જે વહીવટી ખર્ચ આવે છે, તેમાં ઘટાડો કરવા ઉપરાંત કરકસરથી વહીવટ કરીને આવનારા સમયમાં પોષણક્ષમ શેરડીના ભાવ કરતા વધુ ભાવ ખેડૂતોને મળે એવી કસ્ટોડિયન કમિટીની ભાવના અને પ્રયત્ન છે. સાથે આવનારા સમયમાં ખેડૂતોની જીવાદોરી સમાન આ સંસ્થાને બચાવવા માટે ખેડૂત સભાસદોને સંસ્થા હિતમાં સાથ સહકાર આપવા આહવાન કર્યું હતું. વા.ચેરમેન પુષ્પેન્દ્રસિંહ સુણવાએ જણાવ્યું હતું કે કેટલાક વિઘ્ન સંતોષીઓ સંસ્થા અને કસ્ટોડિયન કમિટીને બદનામ કરવાના હેતુથી સભાસદોને ગેરમાર્ગે દોરવાના પ્રયત્નો કરી રહ્યા છે, તે અંગે તેઓએ જણાવ્યું હતું કે જે કોઈ સભાસદોને સંસ્થાના વહીવટ અંગે જરા પણ અસંતોષ જણાયતો સંસ્થાના ચોપડા તેઓ માટે ખુલ્લા છે, જે કંઈ વહીવટી માહિતી જોઈતી હોય તો સંસ્થાનો સંપર્ક કરી શકે છે. તેઓએ સભાસદોને સંસ્થાના હિત માં શેરડી પીલાણમાં આપવા તેમજ ખોટી ભ્રામક વાતોથી દુર રહેવા અપીલ કરી હતી. વધુમાં ગ્રામ પ્રતિનિધિઓ અને સભાસદોને મુંઝવતા પ્રશ્નો અંગે કસ્ટોડિયન કમિટીએ સર્વેને સંતોષકારક જવાબો આપ્યા હતા અને તેઓને સંસ્થા હિતમાં સાથ સહકાર આપવા જણાવ્યુ હતું જેની સામે ખેડૂત સભાસદોમાં પણ હકારાત્મક અભિગમ જોવા મળ્યો હતો. અંતે ડિરેકટર હરેન્દ્રસિંહ ખેર દ્વારા પધારેલ સર્વે ગ્રામ પ્રતિનિધિ અને સભાસદ ખેડૂતોનો આભાર વ્યક્ત કરી મીટીંગ પૂર્ણ થયેલ જાહેર કરી હતી.


Share to

You may have missed