ઝઘડિયા તાલુકાના રાજપારડી સારસા ઉમલ્લા નજીક મુખ્ય ધોરીમાર્ગને અડીને ઉભા કરાયેલ મહાકાય રેતીના ઢગલા ! રેતીના સ્ટોકના ઢગલાઓની મહત્તમ ઉંચાઇ કેટલી હોવી જોઇએ એ બાબતે સવાલો ઉઠ્યા !

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા દ્વારા,ઝગડીયા DNSNEWS

“”રેત માફિયાઓ સાથે ભુસ્તર અધિકારીઓની મિલિભગત હોવાની ચર્ચાઓ ઉઠતા ચકચાર””

ભરૂચ જિલ્લાના ઝઘડિયા ત‍ાલુકામાંથી પસાર થતી નર્મદા નદીના વિશાળ પટમાંથી લાંબા સમયથી થઇ રહેલ રેત ખનનના મુદ્દે અવારનવાર વિવાદો ઉભા થાય છે. ઝઘડિયા તાલુકામાં રહેલી વિપુલ ખનીજ સંપતિનો ખનીજ માફિયાઓ ભરપૂર પ્રમાણમાં ગેરલાભ લઇ રહ્યા છે. જિલ્લા બહારથી આવીને ઘણા અન્ય જિલ્લાના ઇસમો પણ જમીનો ભાડે લઇને રેતીનો સ્ટોક કરી રહ્યા છે. આવા રેત માફિયાઓને કોઇનો ડર રહ્યો હોય એમ લાગતું નથી. જિલ્લાનો ભુસ્તર વિભાગ આવા રેત માફિયાઓનું ખુલ્લેઆમ સમર્થન કરતો હોય એવી વાતો સામે આવી રહી છે. ઝઘડિયા તાલુકામાં હાલ ઠેરઠેર મુખ્ય ધોરીમાર્ગ સહિત માર્ગોને અડીને મહાકાય રેતીના ઢગલાઓ ઉભા કરાયા છે.

સામાન્યરીતે રેતીનો સ્ટોક જ્યાં કરવાનો હોય તે જગ્યા એન.એ. થયેલ હોવી જોઇએ. પરંતું હાલ ઝઘડિયા તાલુકાના રાજપારડી સારસા ઉમલ્લા વચ્ચે મુખ્ય ધોરીમાર્ગને અડીને મોટી સંખ્યામાં મહાકાય ડુંગર સમાન રેતીના ઢગલાઓ ઉભા કરાયા છે. આમાં કેટલા કાયદેસર રીતે નિયમોના પાલન સાથે ઉભા કરાયા છે અને કેટલા ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા છે તેની કોઇપણ જાતની તપાસ થતી નથી. આ અંગે જવાબદાર ભુસ્તર અધિકારીઓનો સંપર્ક કરતા તેઓ તરફથી ગોળગોળ જવાબ મળતા રેત માફિયાઓ સાથે તેમની મિલિભગત હોવાની રીતસરની શંકાઓ ઉભી થઇ હતી. રાજપારડી સારસા દુ.વાઘપુરા જેવી જેજે ગ્રામ પંચાયતોની હદમાં રેતીના મહાકાય ઢગલા ઉભા કરાયા છે તેમાં ઢગલાની મહત્તમ ઉંચાઇ,રોયલ્ટી પુરી ભરાય છેકે કેમ,કેટલો સ્ટોક કરવાની પરવાનગી મળી છે તેમજ જ્યાં સ્ટોક કરાયો છે તે જમીન એન.એ.થયેલી છેકે કેમ? આ બધી બાબતોની જરૂરી વિગતો માટે સંબંધિત ગ્રામ પંચાયત સત્તાવાળાઓને પુછતા તેઓ ભુસ્તર વિભાગની વાત કરે છે, જ્યારે ભુસ્તર વિભાગના અધિકારીઓ બાયબાય ચારણી જેવો જવાબ આપે છે, ઉલ્લેખનીય છેકે જેતે ગ્રામ પંચાયતની હદમાં રેતીના સ્ટોકના ઢગલાઓ ઉભા કરાયા હોય તે પંચાયતો પાસે પણ જરુરી વિગતો તો હોવી જ જોઇએ !ત્યારે હવે આવા રેતીના મહાકાય ઢગલાઓ બાબતે કોની પાસે આરટીઆઇ માંગવી સંબંધિત ગ્રામ પંચાયતો પાસે કે પછી ભુસ્તર વિભાગ પાસે એ બાબતે પણ જનતા અવઢવમાં મુકાય છે ! ત્યારે જો તાલુકા સ્તરેથી મામલતદાર કે પ્રાન્ત અધિકારી પણ આ બાબતે સઘન તપાસ આરંભે તો પણ ઘણી ગેરરીતિઓ બહાર આવે તેમ છે. અને જો એન.એ. નહિ થયેલ ખેતીની જમીનમાં રેતીનો સ્ટોક થયો હોય તો એવી જમીનોને ખાલી કરવા પગલા ભરાય તે પણ જરુરી છે.


Share to

You may have missed