જૂનાગઢ જિલ્લાના મેંદરડા ખાતેવિકસિત ભારત વિકસિત ગુજરાત″ થીમ અંતર્ગત નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો જેમાં વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રીનું વર્ચ્યુઅલી સંબોધન

Share toમહિલા વિકાસ નહીં પણ મહિલા સંચાલિત વિકાસ દ્વારા પ્રધાનમંત્રીશ્રીએ મહિલાઓના સર્વાંગી વિકાસ માટે પંચાયતથી પાર્લામેન્ટ સુધી સુવિધાઓનું નિર્માણ થાય તેવી વ્યવસ્થાઓ કરી છે
કાર્યક્રમના અધ્યક્ષશ્રી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હરેશભાઇ ઠુમર

જૂનાગઢ તા.૬ માર્ચ, ૨૦૨૪ (બુધવાર) વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત નારી શક્તિ વંદના કાર્યક્રમ મેંદરડા સ્થિત પટેલ સમાજનાં મધ્યસ્થ સભાખંડમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હરેશભાઇ ઠુંમરના અધ્યક્ષપદે યોજાયો હતો.
કાર્યક્રમને દિપ પ્રાગટ્યથી ખુલ્લો મુકતા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હરેશભાઇ ઠુંમરે જણાવ્યુ કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહિલાઓની ક્ષમતાને પારખી તેમને દિશા મળી રહે તેવું આયોજન કર્યુ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળ સમગ્ર રાષ્ટ્ર વિકાસની રાહ પર પ્રગતિ કરી રહ્યુ છે. પરિવારના પાલન પોષણમાં યોગદાન આપનાર મહિલાઓને યોગ્ય મંચ મળી રહે તો તેઓ પણ દેશના સર્વાંગી વિકાસમાં સહભાગી થઇ શકે છે. બેટી બચાઓ-બેટી પઢાઓ, સખી મંડળો, અભયમ મહિલા હેલ્પલાઈન, મા વાત્સલ્ય, અન્નપૂર્ણા યોજના, મહિલા આરક્ષણ સહિતની અનેક મહિલા સશક્તિકરણની યોજનાઓ અમલી બનાવી મહિલાઓના વિકાસમાં ભાગીદાર બની મહિલાઓના સંઘર્ષમાં ઘટાડો થાય તેમજ સુવિધાઓમાં વધારો થાય તે દિશામાં કાર્ય કરી રહી છે.
આ પ્રસંગે શ્રી ઠુંમરે વધુમાં કહ્યુ કે, માત્ર મહિલા વિકાસ નહીં પણ મહિલા સંચાલિત વિકાસ દ્વારા પ્રધાનમંત્રીશ્રીએ મહિલાઓના સર્વાંગી વિકાસ માટે પંચાયતથી પાર્લામેન્ટ સુધી સુવિધાઓનું નિર્માણ કર્યુ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાજ્યની ૧૮૨ વિધાનસભામાં ૧૩ હજારથી વધુ સ્વસહાય જૂથની ૧ લાખ ૩૦ હજારથી વધુ મહિલાઓને રુ.૨૫૦ કરોડથી વધુની રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાકીય લાભોની સહાયનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
આ તકે માણાવદર-વંથલી અને મેંદરડા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાંથી ઉપસ્થિત બહેનોને જૂનાગઢ જિલ્લો પ્લાસ્ટિક મુકત બને અને ખેતી રાસાયણિક દવા કે ખાતર મુકત બની સમૃધ્ધિની દિશામાં આગળ વધે તે માટે તેમનું યોગદાન આપવા આહવાન કર્યુ હતુ.
આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસીયાએ જણાવ્યુ હતુ કે, મહિલાઓને પ્રધાનમંત્રી જન ધન બેંક ખાતા ખોલાવીને તેમને બેંક સાથે જોડીને સમાજમાં મહિલાઓને આર્થિક રીતે ઉત્કર્ષ થાય તેવા પ્રયત્નો કર્યા હતા. સખી મંડળોના માધ્યમથી અનેક મહિલાઓ આત્મનિર્ભર બનીને પોતાના પરિવારને મદદરુપ બની રહી છે. મહિલા સ્વ સહાયજૂથની બહેનોએ જૂનાગઢ જિલ્લાની આગવી ઓળખ અને પવિત્ર ગિરનાર તિર્થભૂમિનાં વન વિસ્તારને પ્લાસ્ટિક મુક્ત બનાવવા સ્વસહાય જૂથની બહેનો દ્વારા પ્રકૃતિ સંવર્ધક ચીજોનાં ઉત્પાદનો દ્વારા યાત્રિકોની જરુરિયાત મુજબ ઉત્પાદિત માલનું વેચાાણ કરી રોજગારીનું સર્જન કરવા હિમાયત કરી હતી.
                   આ પ્રસંગે મિશન મંગલમ યોજનાના બોડકા ગામનાં રાધે મંગલમ જૂથનાં ગોરીયા મિનાબેને મિલેટ-કૃષિ અને સરસ મેળામાં રાજય સરકારના રિવોલ્વીંગ ફંડની સહાયથી મેળવેલ સિધ્ધીઓ વર્ણવી હતી. શાપુર ગામની ગાત્રાળ સ્વસહાય જૂથની મકવાણા મધુબેને બેંક સખીનું કામ કરી વંથલી તાલુકાની ૫૫ ગ્રુપનું સુકાન હાંસલ કરી રુ.૪૨ લાખની બચત કરી તેની વિગતો વર્ણવી હતી.
મેંદરડાનાં આલીદ્રા ગામનાં કૃષ્ણગૃપનાં કુસુમબેન ફળદુએ ૧૦ બહેનો મળી માત્ર ૫૦ રૂપિયાની બચતથી શરુ કરેલ સ્વ સહાય જૂથથી કામગીરીમાં પશુપાલન, સિવણ, કાપડનો વેપાર, અને છાશનું વેચાણ કરી બહેનો આત્મનિર્ભર બની રહી છે. તેમ લાભાર્થી બહેનોએ આર્થિક રીતે પગભર થયા તે અંગેના સ્વનુભવો વર્ણવીને લોકોને સરકારશ્રી મહિલાલક્ષી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
         આ પ્રસંગે મહિલા અગ્રણી શ્રી ભાવનાબેન અજમેરાએ, સરકારશ્રીની વિવિધ ક્લયાણકારી યોજનાઓ અને એમાય મહિલા કલ્યાણની કલ્યાણકારી યોજનાઓ અંગે ઉપસ્થિત બહેનોને માહિતી આપી મહત્તમ યોજનાઓનાં લાભ મેળવવા અનુરોધ કર્યો હતો.
                   આ વેળાએ મહાનુભાવોના હસ્તે મહિલાલક્ષી વિવિધ યોજનાઓના લાભાર્થી બહેનોને લાભોનું વિતરણ કરતા પ્રતિકાત્મક ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વર્ચ્યુઅલ માધ્યમથી સાંભળ્યા હતા.
        મેંદરડા જી.પી હાઈસ્કુલની બાળાઓ દ્વારા મહિલા સશક્તીકરણ અંગે જાગૃતિ નાટિકા રજૂ કરવામાં આવી હતી. ઉપસ્થિત બહેનોએ મહિલા સશક્તીકરણ અંગે સરકારશ્રીએ અમલી બનાવેલ યોજનાઓની જાણકારી આપતી દસ્તાવેજી ફિલ્મ નિહાળી હતી. 
            નારી વંદન કાર્યક્રમમાં તાલુકા પંચાયત મેંદરડાનાં પ્રમુખશ્રી દયાબેન મકવાણા, મહિલા અગ્રણીશ્રી વર્ષાબેન ગાજીપરા,  કારોબારી સમિતિ અધ્યક્ષ મનિષાબેન પાનસુરીયા,  મેંદરડા ગામનાં સરપંચશ્રી જયાબેન ખાવડુ, અગ્રણી સર્વશ્રી ગભરુભાઇ લાલુ, શ્રી ચિરાગભાઇ રાજાણી, વંથલીનાં પ્રાંત અધિકારી શ્રી કનકસિંહ ગોહિલ, જિલ્લા અને તાલુકા પંચાયતનાં સદસ્યશ્રીઓ, મેંદરડા ગ્રામપંચાયતનાં હોદેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. મેંદરડા ઈન્ચાર્જ પ્રાંત અધિકારી સંધ્યાબેન હેરમાએ મહિલાઓને મળતી યોજનાકીય લાભોની વિસ્તૃત જાણકારી આપી ઉપસ્થિત મહાનુભાવોને આવકારી બહેનોનું સ્વાગત કર્યુ હતુ.
              આ પ્રસંગે સ્વસહાય જૂથની મહિલાઓ દ્વારા ઉત્પાદિત વસ્તુઓ તથા લીડ બેંકના આર્થિક બાબતોને લગતી માહિતી અને માર્ગદર્શન મળી રહે તે માટેના સ્ટોલનું પ્રદર્શન યોજાયું હતું.
કાર્યક્રમનું સંચાલન પાટરામા પ્રાથમિક શાળાનાં આચાર્ય શ્રી અક્ષયભાઇ કનેરીયાએ સંભાળ્યુ હતુ.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed