November 21, 2024

નાના વરાછા બ્રિજ પર 22 વર્ષીય જ્વેલરી ડિઝાઇનરનું દોરીથી ગળું ચિરાઈ જતા મોત

Share to







મૂળ સાવરકુંડલાના કેરાળા ધારની વતની અને મોટા વરાછામાં રહેતી દિક્ષીતા ઠુમ્મર મોપેડ લઈને બ્રિજનો ઢાળ ઉતરતી હતી અને અચાનક પતંગની દોરીએ જીવ લીધો

યુવતીને પ્રસંગ હોવાથી નોકરી પરથી ઘરે જવા કલાક વહેલી નીકળી હતી

નાના વરાછા બ્રિજ નજીક મોપેડ લઈ પસાર થતી એક યુવતી નુ પતંગની દોરી વચ્ચે આવી જતા ગળુ કપાઈ જવાના કારણે મોત નીપજ્યું છે. પતંગની દોરીથી ગળુ કપાતા ઈજાગ્રસ્ત થયેલી યુવતીને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જોકે, જીવ બચાવી શક્યા ન હતા. સુરતમાં ચાલુ વર્ષે ગળું કપાઈ જતા મોતનો પ્રથમ બનાવ નોંધાયો છે.

મૂળ અમરેલીના સાવરકુંડલાના કેરાળા (ધાર) ગામની વતની અને મોટા વરાછાના અબ્રામા રોડ પર અમૃત રેસીડેન્સી ખાતે ઇ-402માં રહેતી 22 વર્ષીય દિક્ષીતા ઘનશ્યામભાઈ ઠુમ્મર જ્વેલરી ડિઝાઈનીંગનું કામ કરતી હતી. બુધવારે સાંજે 6 વાગ્યા આસપાસ દિક્ષીતા મોપેડ પર સવાર થઈ નોકરી પરથી ઘરે જવા માટે નીકળી હતી.

દિક્ષીતા નાના વરાછા બ્રિજનો ઢાળ ઉતરતી વખતે પતંગની દોરી આવતા 108માં ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. તે પહોંચે તે પહેલા મોત નીપજ્યું હતું. દિક્ષીતાને નાની બહેન ક્રિનલ અને ભાઈ રોમિત છે. દિક્ષીતાનો આગામી 22 ફેબ્રુઆરીએ જન્મદિવસ આવવાનો હતો. તેણીને કુકિંગ, રિડીંગ અને ટ્રાવેલિંગનો શોખ હતો. બીકોમનો અભ્યાસ કરી ચુકેલી દિક્ષીતા IELTS માટે તૈયારી કરતી હતી.


સો. મીડિયામાં શ્રધ્ધાંજલિનો ધોધ, 6 મહિના પહેલા સગાઈ થઈ હતી

મોટા વરાછામાં રહેતી દિક્ષીતાના પરિવારના સભ્યએ જણાવ્યું હતું કે, તેણીની 6 મહિના પહેલા જ સગાઈ થઈ હતી. બુધવારે તેને કોઈક ફંક્શનમાં જવાનું હોવાથી નોકરી પરથી ઘરે જવા 1 કલાક વહેલા નીકળી હતી. સાંજનો સમય હોવાથી પતંગની દોરી દેખાઈ ન હતી અને આ દુર્ઘટના સર્જાઈ હતી. દિક્ષીતાના પિતા હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. માતા હંસાબેન છે.


DNS NEWS
સુરત


Share to

You may have missed