શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ, ભરૂચભરૂચમાં ૫૦૦ જેટલી લેઉવા પાટીદાર બહેનો રમી પરંપરાગત ગરબા

Share to

‘‘મારી દિકરી મારા આંગણે’’ ના થીમ સાથે ગરબા યોજવામા આવે છે

અર્વાચીન ગરબાની બોલબાલા વચ્ચે પરંપરાને જીવંત રાખવા સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજનું સ્તુત્ય આયોજન
નવરાત્રીમાં અર્વાચીન ગરબાઓની વધતી જતી બોલબાલા વચ્ચે ભરૂચમાં શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા ગરબાની પરંપરાને જીવંત રાખવા માટેનો સ્તુત્ય પ્રયાસ કરવામાં આવ્યો હતો. લેઉવા પટેલ સમાજની ૨૦૦ જેટલી બહેનોએ માથે ગર્ભદીપ એટલે કે ગરબો લઇ માતાજીની આરાધનામાં જોડાઇ હતી.
ગ્રામ્ય જીવનની મહેક અને પરંપરાને જીવંત રાખવા માટે ભરૂચમાં વસતા એક કરતા પણ વધુ લેઉવા પટેલ સમાજના પરિવારોએ આઠમા નોરતે પરંપરાગત ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને યુવતીઓને નોરતાનો વારસો આપવા અને ગૌરવશાળી સંસ્કૃતિનો પરિચય કરાવવા માટે આ આયોજન કરવામાં આવ્યું હતું.
ખાસ કરીને ચોમાસ પૂર્ણ થયા બાદ કૃષિકર્મ હળવું થતું હોય એવામાં નવરાત્રી આવે એટલે મહિલાઓમાં ઉત્સાહ અનેરો હોય છે. સૌરાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોમાં કન્યાઓ દ્વારા દીપક સાથે ગરબો માથે મૂકી ગરબા રમવામાં આવતા હતા. હાર્મોનિયમ, દોકડ, ઢોલ અને મંજીરાના તાલે જગતધાત્રી જગદંબાની પ્રતિમાની ફરતે આ ગરબા લેવામાં આવે ત્યારે અદ્દભૂત માહોલ બની રહેતો હતો. ગરબા પૂરા થયા બાદ ગરબે ઘૂમતી કન્યાઓને ગામના શ્રેષ્ઠીઓ દ્વારા લ્હાણી કરવામાં આવતી હતી. વળી, નવરાત્રી દરમિયાન ગામડાઓમાં કુંવારિકાઓને ભોજન કરાવવાની પરંપરા આજેય જીવંત છે.
નારીશક્તિ પૂજનની આવી ઉન્નત સાંસ્કૃતિક વિરાસતને જીવંત રાખવા માટે લેઉવા પટેલ સમાજની ૨૦૦થી વધુ બહેનોએ માથા ઉપર ગરબો મૂકી મનમૂકીને ગરબે રમી હતી.


Share to